હળવદમા પોલીસે ગૌપ્રેમીની ફરિયાદ પરથી બે આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
હળવદ : હાલ હળવદના માથક ગામે ગઈકાલે આઠ જેટલા ગૌવંશ ઉપર તીક્ષ્ણ હથિયારોથી ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. વારંવાર ગૌવંશ ઉપર હુમલાઓની ઘટના બનતા ઉકળી ઉઠેલા ગૌપ્રેમીઓએ ગઈકાલે જ ગૌવંશ ઉપર હુમલો કરનાર એક આરોપીને ઝડપીને હળવદ પોલીસને હવાલે કર્યો હતો. બાદમાં આજે બીજો આરોપી પણ ઝડપાયો હતો. હળવદ પોલીસે ગૌપ્રેમીની ફરિયાદ પરથી બે આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
હળવદ પંથક છેલ્લા કેટલાક સમયથી ગૌવંશ ઉપર હુમલાઓની ઘટનાથી કંપી ઉઠ્યું હતું. ત્યારે ગઈકાલે હળવદના માથક ગામે 8 ગૌવંશ ઉપર તીક્ષીણ હથિયારોથી ઘાતકી હુમલો થતા ગૌપ્રેમીઓ મેદાને આવ્યા હતા અને ગૌપ્રેમીઓએ જાતે જ વોચ ગોઠવીને માથક ગામે ગૌવંશ ઉપર હુમલો કરનાર રાજુભાઈ ભીમલાભાઈ નાયકને ઝડપી લીધો હતો અને આ આરોપીને હળવદ પોલીસને હવાલે કરી દીધો હતો. બાદમાં પોલીસે બીજા આરોપી બકાભાઈ રૂપાભાઈ નાયકને પણ ઝડપી લીધેલ હતો.
ગૌવંશ ઉપર હુમલા સંદર્ભે હળવદના માથક ગામના ગૌપ્રેમી જીતેન્દ્રભાઇ જહાભાઇ ભોરણીયાએ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓ રાજુભાઈ ભીમલાભાઈ નાયક, બકાભાઈ રૂપાભાઈ નાયક (બન્ને રહે. માથક ગામની સીમ સુખુભા દરબારની વાડીએ તા હળવદ) એ લોખંડનુ ધારીયુ તથા કુહાડી જેવા તીક્ષ્ણ હથીયાર વડે 8 રેઢીયાળ ખુટીયાને ગંભીર ઇજા પહોંચાડી હતી. આ બનાવમાં પોલીસે આ બન્ને આરોપીની ધરપકડ કરીને હુમલામાં વપરાયેલા હથિયારો કબજે કર્યા હતા. તેમજ બન્ને આરોપીઓ સામે પ્રાણી ક્રુરતા નિવારણ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide