મોરબી SOG તથા LCB ટીમ દ્વારા ચોરી કરતી ગેંગ પાસેથી કુલ કિ.રૂ. 17,41,100નો મુદ્દામાલ જપ્ત કરાયો
કોર્ટ દ્વારા આરોપીઓના તા. 13 સુધીના રિમાન્ડ મંજૂર : કૌભાંડના મૂળ સુધી પહોંચવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા
વાંકાનેર : મોરબી જિલ્લાના વાંકાનેર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે I.O.C.ની પાઇપ લાઇનમાંથી ક્રૂડ ઓઇલની ચોરી કરતી ગેંગને પકડી પાડવામાં આવી છે. મોરબી SOG તથા LCB ટીમ દ્વારા ચોરી કરતી ગેંગ પાસેથી કુલ કિ.રૂ. 17,41,100નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તેમજ કોર્ટ દ્વારા આરોપીઓના તા. 13 સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. હાલમાં પોલીસ ટીમ દ્વારા બનાવની વધુ તપાસ કરવામાં આવી રહી છે.
ગુજરાત એ.ટી.એસ. તરફથી મળેલ હકિકત આધારે ગત તા. 4ના રોજ એસ.ઓ.જી. સ્ટાફ તથા એલ.સી.બી. સ્ટાફ સાથે વાંકાનેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે વાંકાનેરના ચોટીલા હાઇવે રોડ ઉપર રાજા પેટ્રોલપંપ પાસે એક ટ્રક નં. WB-19D-8481માં ટ્રક ડ્રાઇવર ગેરકાયદે રીતે ફ્યુલ ઓઇલનો જથ્થો રાખી તેમજ તેની સાથે એક સફેદ ક્રેટા કાર નં. GJ-6KH-9059માં બે માણસો આવ્યા હતા. તે તમામ શખ્સો ટ્રક પાસે ઉભા રહી ટ્રકમાં ભરેલ ફયુલ ઓઇલનો જથ્થો સગેવગે કરવાની પેરવીમાં હતા.
ત્યારે ટ્રકચાલક મહમદવસીમ ઉર્ફે સલમાન અહેમદ હુશેન કુરેશી (રહે. મહોલ્લાસૈયદ ગામ, ખીરી થાના, જી. લખીમપુર, રાજ્ય ઉત્તરપ્રદેશ) તથા ક્રેટા કારમાં આવેલા નીશાંત કિરણભાઇ કરણિક (ઉ.વ. 36, રહે. મોતીનગર-2, વડોદરા) તથા મયુરભાઇ ચંદ્રકાન્તભાઇ જાદવ (ઉ.વ. 32, રહે. સયાજી પાર્ક સોસાયટી, વડોદરા)ને પકડી પાડવામાં આવ્યા હતા. આરોપીઓ પાસેથી ગેરકાયદે રીતે છળકપટ અને ચોરીછુપીથી ટ્રકમાં ફયુલ ઓઇલનો જથ્થો આશરે 26,330 કિ.ગ્રા., જેની કિ.રૂ. 5,26,600 તથા ટ્રકની કિ.રૂ. 5,00,000 તથા ક્રેટા કારની કિ.રૂ. 7,00,000 તથા મોબાઇલ ફોન નંગ 4, કિ.રૂ. 13,500 મળી કુલ કિ.રૂ. 17,41,100ના મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
પોલીસ દ્વારા આ આરોપીઓને આ ઓઇલ જથ્થા બાબતે ઉંડાણપૂર્વક પુછપરછ કરવામાં આવતા આરોપીઓએ ગુનાહિત કાવતરૂ રચી રૂપાવટીમાં સરકારી ખરાબામાં IOCની પાઇપલાઇનમાં ભંગાણ કરી વાલ્વ ફીટ કરી ચોરીથી ટેન્કર ભરેલ હતા. પોલીસે આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ તથા પેટ્રોલીયમ એન્ડ મીનરલ્સ પાઇપલાઇન એમેન્ડમેન્ટ એક્ટ મુજબનો ગુન્હો દાખલ કરી ત્રણેય આરોપીઓને કોવીડ-19 ટેસ્ટ કરાવી અટક કરવામાં આવી હતી. બાદમાં ગઈકાલે તા. 7ના રોજ કોર્ટમાં આરોપીઓને રજુ કરતા આરોપીઓના તા. 13 સુધીના રીમાન્ડ મળેલ છે. હાલમાં પોલીસ દ્વારા અન્ય આરોપીઓ પકડવા માટે જુદી જુદી ટીમો બનાવી તપાસની તજવીજ કરવામાં આવેલ છે. આ ગુન્હાના મુળ સુધી જવા એસ.ઓ.જી. પી.આઇ. તપાસ ચલાવી રહેલ છે.
મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA
મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
