મોરબીની મુલાકાતે આવેલા હાર્દિક પટેલે જણાવ્યું હું ધારાસભ્યની પેટા ચૂંટણી નહિ લડું

0
141
/
બ્રિજેશ મેરજા ઉપર ‘સેટીંગ’ની રાજનીતિના આકરા પ્રહારો કર્યા : કોંગ્રેસના સ્થાનિક પ્રતિષ્ઠિત ઉમેદવાર ચૂંટણી લડીને ભાજપને જોરદાર ટક્કર આપશે : મેરજાના પ્રજા દ્રોહના પરિણામો ચુંટણીમાં ભોગવવા પડશે

મોરબી : મોરબીના ધારાસભ્ય અને કોંગ્રેસમાંથી રાજીનામું આપીને બ્રિજેશ મેરજા ભાજપમાં જોડાયા બાદ આગામી ધારાસભ્યની પેટા ચૂંટણીમાં ભાજપને જોરદાર ટક્કર આપી શકાય તે માટેની રણનીતિ ઘડવા માટે આજે કોંગ્રેસ અગ્રણી હાર્દીક પટેલ મોરબીની મુલાકાતે આવ્યા હતા અને સર્કિટ હાઉસ ખાતે તેમણે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે સીરામીક નગરી તરીકે ભારત જ નહીં, વિશ્વ વિખ્યાત મોરબીમાં 30 વર્ષથી ભાજપના ધારાસભ્ય અને પાલિકા, જિલ્લા પંચાયત પણ અગાઉ ભાજપ પાસે હોવા છતાં ભાજપ મોરબીનો વિકાસ કરવામાં ક્યાંકને ક્યાંક નિષફળ ગયા હોવાનો આરોપ કર્યો હતો.

હાર્દિક પેટલે જણાવ્યું હતું કે છેલ્લા ચાર વર્ષની બાદ કરતાં મોરબી તમામ સ્થાનિક કક્ષાએ ભાજપની સત્તા હોવા છતાં રોડ-રસ્તા, ગંદકી સહિતની પ્રાથમિક અસુવિધાઓ છેલ્લા 30 વર્ષમાં ઠેરની ઠેર જ રહી છે. સૌથી મોટી બાબત એ છે કે ભારતનો સૌથી મોટો ઉધોગ સીરામીક ઉદ્યોગ મોરબીમાં હોવા છતાં ભાજપ ઉદ્યોગકારોના પ્રશ્નોની ઘોર અવગણના કરે છે. સીરામીક સહિતના અન્ય ઉદ્યોગના વિકાસને પ્રોત્સાહન આપવાને બદલે વારંવાર ટેક્સ ચોરી, ગેસના ભાવ વધારા કરી અને ઉદ્યોગ ઝોનમાં માળખાકીય સુવિધા ન આપતા ઉદ્યોગોનું ભવિષ્ય અંધકારમય બની જાય તેવી સ્થિતિ છે. તેમણે મોરબીની અત્યારની દશા અંગે ભાજપને જવાબદાર ઠેરવ્યો હતો. મોરબીના રોડ રસ્તા સહિતની તમામ અસુવિધાઓ મામલે ભાજપ સરકારને દોષ આપેલ હતો.

વધુમાં, પક્ષ પલ્ટો કરનાર બ્રિજેશ મેરજા ઉપર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે મોરબીની અઢી લાખની જનતાએ કોંગ્રેસ ઉપર ભરોસો મુક્યો હતો અને ધારાસભ્ય તરીકે મેરજાને ચૂંટયા હતા. પણ મેરજાએ મોરબીની જનતા સાથે દ્રોહ કર્યો છે. ભાજપે મેરજાને ખરીદીને પ્રજા સાથે વિશ્વાસઘાત કર્યો છે. તેથી, મોરબીની પ્રજામાં ભારોભાર રોષ છે અને મેરજા તથા ભાજપને ચૂંટણીમાં પ્રજા સાથે કરેલા વિશ્વાસઘાતના પરિણામો જોવા પડશે. મેરજાએ અઢી વર્ષમાં કોંગ્રેસને છોડી દીધું એ બદલ આભાર માનું છું. જો એ સાડા ચાર વર્ષે ગયા હોય તો કદાચ પાર્ટી અને પ્રજા એમને માફ ન કરત.

હાર્દિક પેટલે ચૂંટણી લડવા અંગેના મીડિયાના પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે તેઓ ધારાસભ્યની પેટા ચૂંટણી નહિ લડે અને કદાચ જો ચૂંટણી લડવાના હોત તો પણ મોરબીની સીટ પરથી ક્યારેય ચૂંટણી ન લડત. કારણ કે કોઈના હક્ક ઉપર તરાપ મારવો એ એમનો સિદ્ધાંત નથી. મોરબીના પ્રશ્નોને વાચા આપી શકે તો મજબૂત અને પ્રતિષ્ઠિત ઉમેદવાર જ ચૂંટણી લડશે અને મોરબી સીટ પર કોંગ્રેસ બહુમતીથી ચૂંટણી જીતશે તેવું તેમણે જણાવ્યું હતું. અને હળવદમાં કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા ઉમેદવાર ચૂંટણી જીતી ગયા એવું મોરબીમાં નહિ થાય. જોકે તેમણે મોરબી માળિયાના તમામ સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી અને આગામી ચૂંટણી અંગે તેમના અભિપ્રાયની ચર્ચા વિચારણા કરી હતી.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/