સીરામીક ઉદ્યોગ માટે કોલગેસનો ત્યાગ ફાયદાકારક કે નુકસાનકારક ?
સસ્તી અને ગળાકાપ હરીફાઈમાં આપણે આપણાં શહેર અને ઉધોગનું જ નુકસાન તો નથી કરી રહ્યા ને ??
મોરબીના સીરામીક ઉદ્યોગે અનેક સમસ્યાઓ અને પડકારોની વચ્ચે આપબળે વિકાસની હરણફાળ ભરી છે. આપણાં સાહસિક ઉધોગકારોએ રાત દિવસ એક કરી લાખો લોકોના ઘરોમાં ચમક લાવી છે. લાખો લોકોને રોજગારી અને સરકારને કરોડોના ટેક્સ રળી આપતા આ ઉધોગ પર સમયાંતરે અનેક સંકટો આવ્યા છે. પરંતુ મોરબીના સાહસિક ઉધોગકારોએ દરેક સંકટનો સહજતાથી સામનો કરી સીરામીક ઇન્ડસ્ટ્રીઝને સતત ધમધમતી રાખી છે. ત્યારે તાજેતરમાં
પર્યાવરણની જાણવણી માટે કામ કરતી ભારત સરકારની સૌથી પાવરફુલ સંસ્થા દ્વારા આપેલા આ ચુકાદાથી સીરામીક ઉધોગમાં ખલબલી મચી ગઇ છે. કારણ કે હાલમાં મોરબીમાં ધમધમતી 800થી વધુ સીરામીક કંપનીમાંથી અડધો અડધ કંપની કોલ ગેસીફાયર પ્લાન્ટથી ઇંધણનો ઉપયોગ કરી રહી છે. ત્યારે હવે જો NGTએ આપેલા ચુકાદો યથાવત રહે અને તેનો કડક અમલ કરાયતો કોલ ગેસીફાયરનો ઉપયોગ કરતી 400થી વધુ કંપનીએ હવેથી ગુજરાત સરકારની કંપની ગુજરાત ગેસ દ્વારા આપતા મોંઘા નેચરલ ગેસનો ફરજીયાત ઉપયોગ કરવો પડશે.
જેમાં ગુજરાત ગેસ કંપનીના નેચરલ ગેસ કરતા કોલ ગેસીફાયરનો ગેસ અડધાથી ઓછા ભાવે પડે છે. અને સીરામીક ઉદ્યોગમાં માલની પડતર કોસ્ટમાં ઇંધણ 50 ટકા ભાગ ભજવે છે. માટે જો કોલગેસનો ઉપયોગ બંધ કરી નેચરલ ગેસનો ઉપયોગ કરવાનો થાય તો સીરામીક પ્રોડક્ટની પડતર કોસ્ટ 15થી 20 ટકા વધી જશે. જે હાલમાં ચાલી રહેલી ભયંકર મંદી અને ગળાકાપ ગરીફાઈમાં સીરામીક ઉધોગ અને ખાસ કરીને નાના યુનિટો માટે મરણતોલ સાબિત થવાની દહેશત વ્યક્ત કરાઈ છે. આ મુદ્દાને હાલ રોજગારી અને અન્ય બાબતોને જોડીને પણ ભારે ચિંતા વ્યક્ત કરાઈ રહી છે.
કોલ ગેસીફાયરના પ્રતિબંધથી પડતર ઉંચી જવાની સાથે ઉદ્યોગકારો માટે બીજું પણ એક છૂપું કારણ ચિંતા વધારી રહ્યું છે. જેમાં અગાવ ઉપર કીધું તેમ સીરામીક પ્રોડક્ટની પડતર કોસ્ટમાં ઇંધણ ખર્ચ 50 ટકાનો ભાગ ભજવે છે. અને હાલ મોરબીમાં સીરામીક ઉદ્યોગમાં અંદરખાને અંદરો અંદરની ગળાકાપ હરીફાઈમાં ટકી રહેવા માટે બિલ વગર અથવા તો ઓછા બિલમાં માલનું મોટા પાયે વેચાણ થઈ રહ્યું છે. આ વેચાણની આવક બે નંબર હોવાથી તેને ચોપડે દર્શાવી શકાય નહીં. તેની સામે કોલ ગેસીફાયર પ્લાન્ટનો ખર્ચ રોકડેથી થતો હોવાથી બે નંબરના વેચાણની આવક ગેસીફાયરના ખર્ચમાં સમાવી શકાય છે. આ વાતાવરણમાં જો ગેસીફાયર બંધ કરી ફરજીયાત નેચરલ ગેસ વાપરવો પડે ( આ ગેસ સિવાય હાલમાં બીજું કોઈ ઓપ્શન પણ નથી) તો આ ગેસના બીલની ચુકવણી એક નંબરની વેચાણની આવકથી જ ચૂકવી પડે. તો ફરજીયાત ઉધોગકારોએ ગેસબીલના ખર્ચ માટે અને આવક જાવક એડજેસ્ટ કરવા પુરા બિલ અને 1 નંબરમાં વધુ માલ વેચવો પડે. અને આ કરવાથી અચાનક જ જેતે કંપનીનું ટર્નઓવર વધી જાય તો અન્ય ડિપાર્ટમેન્ટના ખુલાસા અને જૂની આવક જાવકના ખુલાસા કરવા પડે. આ મુદ્દાની છડે ચોકે ચર્ચા થઈ શકે તેમ નથી પણ વાસ્તવિક રીતે તે પણ એક ગંભીર મુદ્દો જે જેને અવગણી ના શકાય. આમ કોલ ગેસીફાયરના પ્રતિબંધથી પ્રોડક્ટની પડતર કોસ્ટ વધવાની સાથે નાણાકીય વહીવટની ગુંચવણોનો સામનો કરવો પડે તેમ છે. જે હાલના પડકારરૂપ અને મંદીના સમયમાં કોઈ કાળે પોસાય તેમ નથી. તો હવે શું કરવું ?? શું કારખાના બંધ કરી દેવા ? કોલ ગેસીફાયર વગર કારખાના ના ચલાવી શકાય ?? કોલ ગેસીફાયર બંધ થવાથી થનારા પ્રોબ્લેમ અને નુકશાનીથી બચવાનો કોઈ ઉપાય છે ??
હાલમાં સીરામીક ઉધોગમાં વપરાતા ગેસીફાયર ઝીરો પોલ્યુશન ટેકનોલોજી વાળા છે. તેનાથી કોઈ જ પ્રદુષણ ફેલાતું નથી. હવે ટેકનોલોજી અપગ્રેડ થઈ ગઈ છે. આવા દાવાઓ અને વાતોની વચ્ચે આજે પણ છાશવારે જાહેરમાં કોલગેસના પ્રદુષિત પાણી અને કદળોના જોખમકારક નિકાલ જોવા મળી રહ્યો છે. આજે આપણે બધા જાણીએ છીએ કે મોરબી સીરામીક ઝોનમાં આવતા ગામડાઓ અને તે વિસ્તારના પાણીના તળ પણ પ્રદુષિત થઈ ગયા છે. સીરામીક ઝોનમાંથી પસાર થતા દરેક પાણીના કુદરતી વહેણ (નાલા)માં રહેલું અને વહેતુ પાણી ઘણું બધું કહી જાય છે કે આપણે કેટલું અને કેવું પ્રદુષણ ફેલાવીએ છીએ. અને આ બધા નાલાનાનું પાણી એક વખત તો ડેમમાં પોહચીને આપણાં જ ઘરોમાં આવી રહ્યું છે. જળ અને વાયુ પ્રદુષણના કારણે ચામડી અને શ્વાસને લગતા ગંભીર રોગોના કેસોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ( પ્રદુષણથી કેટલા ગંભીર પરિણામો ભોગવવા પડશે તે આપ સૌ જાણો જ છો) એટલે ટૂંકમાં મારો કહેવાનો મૂળ મુદ્દો એવો છે કે ઝીરો પોલ્યુશન ટેકનોલોજી કે કાયદાની અમલવારી પોલ્યુશન અટકાવી શકવામાં સંપૂર્ણ સફળ નથી રહી. જે કડવું અને નગ્ન સત્ય બધાએ સ્વીકારવું જ પડશે. ત્યારે જો કોલ ગેસીફાયરના ઉપયોગ પર જ સંપૂર્ણ સ્વૈચ્છિક પ્રતિબંધ લાવી શકીએ તો આપણે લાંબા ગાળે આપણાં વિસ્તાર, શહેરને પ્રદૂષણથી થતા બોવ જ મોટા જોખમોથી ઉગારી શકીશું.
જ્યારે વાત આવે માલની પડતર કોસ્ટ ઉંચી જવાની તો આજે મોરબીમાં જ ભારતની 90 ટકાથી વધુ સીરામીક પ્રોડકટ બની રહી છે. ત્યારે બજારમાં ક્યાં ભાવે માલ વેચવો તે નક્કી કરવાની લગામ મોરબી પાસે જ છે. મોરબીના સીરામીક ઉદ્યોગમાં 99 ટકા સંચાલકો, માલિકો સામાજિક કે પારિવારિક રીતે એક બીજા સાથે જોડાયેલા છે. અને મોરબીના ઉધોગકારોની એક બીજાને મદદ કરવાની ભાવનાના સમગ્ર દુનિયામાં ઉદાહરણો દેવાય છે. ત્યારે મોરબીના બધા ઉદ્યોગકારો સાથે મળીને પડતર કોસ્ટની સાથે વેચાણની કિંમત પણ વધારવાની ક્ષમતા ધરાવે છે. આવી બધી ખાલી વાતો કરવી સહેલી છે એવું કહી હાથ ઉપર હાથ રાખીને બેસી રહીને અંદરોઅંદર હરીફાઈનો હિસ્સો બનવાની બદલે જો એક થઈને વેચાણ કિંમત પર કાબુ મેળવી લેવાય તો આ બાબતનો મોરબીના સીરામીક ઉદ્યોગને લાંબા ગાળે બોવ જ મોટા ફાયદો થઈ શકે છે.
આ ઉપરાંત ગેસીફાયરના પ્રતિબંધ અને નેચરલ ગેસના ઉપયોગથી 1 નંબરના આવક ખર્ચને જાળવી રાખવા સીરામીક ઉદ્યોગને અંદરથી નબળો પાડતા બે નંબરના વેંચાણને પણ લાંબા ગાળે બ્રેક લાગશે. જેના સીધા અને આડકતરા અનેક ફાયદાઓ છે. હા થોડો સમય મુશ્કેલીઓ વધશે. પરંતુ મચ્છુ હોનારત, ભૂકંપ જેવી કારમી થપાટો બાદ પણ મોરબીને બેઠું કરી વિશ્વના દરેક ખૂણામાં ગુંજતું કરનાર મારા મોરબીના ઉદ્યોગકારો માટે આ મુશ્કેલી કોઈ મોટી નથી.
આ ઉપરાંત જ્યારે દુનિયાનું સૌથી બીજા નંબરનું મોટું સીરામીક ક્લસ્ટર મોરબી જનહિતમાં સ્વૈચ્છિક રીતે કોલ ગેસીફાયરનો ત્યાગ કરવાનો સામુહિક નિર્ણય અને અમલવારી કરીને આપણે વધુ એક વખત સમગ્ર દુનિયા ઇતિહાસ સર્જીને એક હકારાત્મક સંદેશો આપી શકીએ છીએ.
ત્યારે આ સમય ગેસીફાયર પ્રતિબંધને મુશ્કેલી ગણવાના બદલે તેને સારી તક ગણીને આપણી ઇન્ડસ્ટ્રીઝ, આપણાં શહેર, વિસ્તારને થનારા લાંબા ગાળાના ફાયદાઓને જોવાનો છે. અને આપણે આમય ગુજરાતી વેપારીઓ છીએ કે જે વેપારી ટૂંકા ગાળાની ખોટથી લાંબાગાળાના ફાયદા જોવે છે.
મિત્રો આપણો મોરબીનો સીરામીક ઉધોગ હાલમાં ઘણી બધી મુશ્કેલીઓથી ઘેરાયેલો છે. આજે જે પધ્ધતિથી સીરામીક ઉધોગ ચાલી રહ્યો છે તેમાં મોરબીના ઉદ્યોગકારો બીજાના ફાયદા માટે જ પોતાની ઊંઘ ઉડાડી રહ્યા છે. હાલની વેપારની પધ્ધતિથી સતત નફાનો ગાળો ઘટી રહ્યો છે. જે ધીરે ધીરે ઉદ્યોગને અંદરથી ઉધઈની જેમ કોતરી રહ્યું છે. ત્યારે આવી અંદરોઅંદરની ગળાકાપ હરીફાઈ, બે નંબરના વહીવટથી સતત ભય અને જોખમો, પ્રદુષણ જેવી ઉધઈઓ સંપૂર્ણ રીતે મોરબીની આન બાન અને શાન સમાં સીરામીક ઉદ્યોગને કોતરી ખાઈ તે પહેલાં હવે એક સર્જીકલ સર્જરી કરવાનો સમય આવી ગયો છે. હા આ સર્જરીથી પીડા થશે. થોડો સમય મુશ્કેલીઓ વધશે પરંતુ લાંબા ગાળે સ્વાસ્થ્ય સુધરશે અને ફાયદો ચોક્કસ થશે.
તો કોલ ગેસીફાયરના પ્રતિબંધથી હવે શું કરવું ? શું કારખાના બંધ કરી દેવા ? કોલ ગેસીફાયર વગર કારખાના ના ચલાવી શકાય ? કોલ ગેસીફાયર બંધ થવાથી થનારા પ્રોબ્લેમ અને નુકશાનીથી બચવાનો કોઈ ઉપાય છે ? મને લાગે છે આ સવાલોના જવાબો આપણી એકતા અને હકારાત્મકતામાંથી મળી જશે.
ત્યારે કોલ ગેસીફાયરના પ્રતિબંધની આફતને અવસરમાં પલટાવી મોરબીના સીરામીક ઉધોગ અને એસોસિએશન આ પ્રતિબંધની સામે લડવાની જગ્યાએ સ્વૈચ્છિક રીતે જ કોલ ગેસીફાયરનો ત્યાગ કરી સમગ્ર મોરબીનું અને સીરામીક ઇન્ડસ્ટ્રીઝનું લાંબા ગાળાનું હિત વિચારવુ જોઈએ.
મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
Comments are closed.