હિરલ પાર્ક સોસાયટી અને વજેપર શેરી નંબર 11 માં વગર વરસાદે ગટરના પાણી ઘરમાં ઘુસી જતા હોવાની મહિલાઓએ પાલિકા તંત્રને રજુઆત કરી
મોરબી : મોરબીમાં હાલ ચોમાસાની સિઝનમાં ભૂગર્ભ ગટર ઉભરાવવાની સમસ્યાએ માજા મૂકી છે. તેમજ વગર વરસાદે ગટરના ગંદા પાણી ઘરમાં ઘુસી જવાની ગંભીર સમસ્યા સર્જાય છે. જેમાં મોરબીના નવા બસ સ્ટેન્ડ પાછળની હિરલ પાર્ક સોસાયટી અને વજેપર શેરી નંબર 11 માં વગર વરસાદે ગટરના પાણી ઘરમાં ઘુસી જતા હોવાની ફરિયાદ સાથે સ્થાનિક મહિલાઓએ પાલિકા તંત્રને ઉગ્ર રજુઆત કરીને તેમના વિસ્તારના ગટરના પ્રશ્નને ઉકેલવાની માંગ કરી હતી.
મોરબીના નવા બસ સ્ટેન્ડ પાછળ આવેલ હિરલ સોસાયટીમાં ગટરની સફાઈના પ્રશ્ને આ વિસ્તારની મહિલાઓ આજે રજુઆત કરવા પાલિકા કચેરીએ દોડી ગઈ હતી. મહિલાઓએ પાલિકા તંત્ર સમક્ષ ઉગ્ર રજુઆત કરી હતી કે, તેમની સોસાયટીમાં છેલ્લા ત્રણ વર્ષથી સફાઈનો અભાવ છે નિયમિત સફાઈ થતી જ નથી. આથી, ભૂગર્ભ ગટર ઉભરાવવાની સમસ્યા વકરી છે. આ બાબતે અનેક વખત રજુઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરાતી નથી. તેથી, હાલ ચોમાસાની સિઝનમાં ગટરની સમસ્યાએ માજા મૂકી છે. હાલ વગર વરસાદે ગટરના પાણી ઘરોમાં ઘૂસી જાય છે. તેથી રોગચાળો વકરે તેવી દહેશત છે. આથી, આ ગંભીર બાબતે યોગ્ય પગલાં લેવાની માંગ કરી હતી.
આ ઉપરાંત, મોરબીના વજેપર શેરી નંબર 11 માં પણ ગટર પ્રશ્ને સ્થાનિક મહિલાઓએ રજુઆત કરી હતી કે, ત્રણ મહિનાથી તેમના વિસ્તારમાં ગટરના પાણી નદીના વહેણની માફક ઘર અને શેરીઓમાં ફરી વળે છે અને ગટરના ગંદા પાણી ઘરમાં ઘુસી જાય છે. તેથી, સ્થાનિક લોકોનું આરોગ્ય જોખમાય તેવી ભીતિ ઉભી થઇ છે. આ ગટર પ્રશ્ને અગાઉ અનેક વખત રજુઆત કરી હોવા છતાં દરેક રજુઆત બેઅસર રહી છે. આથી, આ ગંભીર સમસ્યા ઉકેલવા માટે નક્કર કાર્યવાહી કરવાની માંગ કરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide