હળવદમાં 7 મીમી, માળીયામાં 2 મીમી વરસાદ અને વાંકાનેરમાં નિલ : મોરબીમાં મેઘરાજાએ સતત ત્રીજા દિવસે સટાસટી બોલાવતા ઠેરઠેર પાણી ભરાયા
મોરબી : ગઈકાલે મોરબી જિલ્લામાં લાંબા અંતરાલ બાદ ફરી છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા મહેરબાન થયાં છે. આજે સતત ત્રીજા દિવસે સાંજના સમયે આસપાસ મેઘસવારી આવી પહોંચી હતી. મોરબીમાં સાંજે 4-30 વાગ્યે મેઘરાજાએ આક્રમક બેટીંગ કરતા થોડીવારમાં ચારેકોર પાણી પાણી થઈ ગયું હતું. જેમાં મોરબી અને ટંકારામાં આજે વધુ બે ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે હળવદમાં 7 મીમી, માળીયામાં 2 મીમી વરસાદ નોંધાયો હતો. જો કે વાંકાનેરમાં વરસાદ નોંધાયો ન હતો.
મોરબીમાં ગઈકાલે રાત્રે ભારે પવન સાથે વરસાદ પડ્યા બાદ આજ બપોર સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘવીરામ રહ્યા પછી સાંજે 4-30 વાગ્યાની આસપાસ મેઘરાજા તૂટી પડ્યા હતા અને અડધી કલાક સુધી ધોધમાર વરસાદ વરસ્યો હતો. આથી, ઠેરઠેર પાણી ભરાયા હતા. ગાજવીજ સાથે મેઘરાજા આક્રમક મૂડમાં મેધાકૃપા વરસાવી હતી. વરસાદના પગલે ઠેરઠેર વીજળી ગુલ થઈ ગયાની ફરિયાદ ઉઠી હતી. અડધી કલાક ધોધમાર વરસાદ થયા બાદ હાલ વરસાદી માહોલ વચ્ચે મેઘવીરામ છે. જ્યારે આજે સાંજે 4 થી 6 દરમિયાન જિલ્લા કંટ્રોલ રૂમે નોંધાયેલા વરસાદના સતાવાર આંકડા મુજબ મોરબીમાં 52 મીમી એટલે કે બે ઈંચ અને ટંકારામાં 52 મીમી એટલે બે ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે હળવદમાં 7 મીમી અને માળીયામાં માત્ર 2 મીમી વરસાદ પડ્યો હતો. વાંકાનેરમાં વરસાદ નોંધાયેલ ન હતો.
જ્યારે મોરબીના વાવડી રોડ પર આવેલ ક્રિષ્ના પાર્ક શેરી નં.1માં કાસમભાઈ પઠાણના રહેણાક મકાન પર વીજળી પડી હતી. જેના લીધે ઇલેક્ટ્રિક ઉપકરણો અને મકાનને નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે જાનહાનિ ટળી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત, મોરબીના નવલખી રોડ ઉપર રેલવે સ્ટેશનના બે નબરના ગેઇટ પાસે આવેલ મસમોટું વૃક્ષ ધારાશયી થયું હતું. આ વૃક્ષ ધારાશયી થવાના કારણે સતત ધમધમતા નવલખી રોડ ઉપર ટ્રાફિકજામ થઈ ગયો હતો અને બન્ને બાજુએ વાહનોની કતારો લાગી હતી. આથી, આ ટ્રાફિક કિલિયર કરવા માટે રોડ પર પડેલા વૃક્ષને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide