મોરબીમાં 4 ઈચ વરસાદને પગલે નિચાણવાળા વિસ્તારો જળબબંબાકાર બન્યા

0
163
/
ચાલુ વરસાદે શનાળા રોડ નદીમાં ફેરવાયો, મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા, ઘણી જગ્યાએ ઘરમાં પાણી ઘુસી ગયા

મોરબી : આજે મોરબીમાં ધોધમાર ચાર ઈચ જેવો વરસાદ પડતાં જ ઠેરઠેર પાણી ભરાયા હતા.ખાસ કરીને નીચાણવાળા અનેક વિસ્તારો જળબબંબાકાર બન્યા હતા. જ્યારે ચાલુ વરસાદે શનાળા રોડ નદીમાં ફેરવાયો હતો. મોટાભાગના વિસ્તારો રીતસર જળમગ્ન બની ગયા હોય તળાવમાં ફેરવાય ગયા હતા. માર્ગો પર નદીના વહેણની માફક પાણી ભરાતા અનેક વાહનો ખાડામાં ફસાય ગયા હતા. ઘણી જગ્યાએ ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. આ વરસાદના પગલે પાણી ભરાવવાની સમસ્યાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

મોરબીમાં આજે રવિવારે સવારથી અવિરતપણે વરસી રહેલા ધોધમાર વરસાદને પગલે મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો રીતસર બેટમાં ફેરવાય ગયા હતા. જેમાં મોરબીના શનાળા રોડ, રવાપર રોડ, લાતી પ્લોટ, મહેન્દ્રપરા, વાવડી રોડ પરના હનુમાન ચોક, સુમતીનાથ સહિતની સોસાયટીઓ,અંબિકા રોડ,પીપળીયા ચાર રસ્તા, અયોધ્યા પુરી મેઈન રોડ, મહેન્દ્રનગર, રવાપર ક્રિષ્ના સ્કૂલ પાસેની સંસ્કાર સોસાયટી, નવલખી રોડ પરના વિષ્ણુનગર, કુબેરનગર, રણછોડનગર, લાયન્સનગર, શાક માર્કેટ, સાવસર પ્લોટ પાસેની આયુષ હોસ્પિટલ નજીક, જેતપર રોડ પરના સનટોન કારખાના પાસે, હરિપર કેરાળા માર્ગ સહિતના અનેક વિસ્તારો રીતસર મીની તળાવમાં ફેરવાયા હતા.

અંબિકા રોડ ઉપર ચાલુ વરસાદે પાણી ભરેલા ખાડાઓમાં એ રીક્ષા ફસાઈ હતી. આવી રીતે ઠેકઠેકાણે વાહનો ફસાઈ જવાના બનાવ બન્યા હતા. જ્યારે પીપળીયા ચાર રસ્તા પર આવેલી દુકાનોમાં પાણી ઘુસી ગયા હતા તેમજ રણછોડનગર વિસ્તારમાં પણ અનેક ઘરોમાં પાણી ઘુસી ગયા હતા અને આ રીતે અનેક વિસ્તારોમાં દુકાનો તથા ઘરોમાં પાણી ઘુસી જવાની ફરિયાદ ઉઠી હતી. મોરબીમાં ચાર કલાકમાં ચાર ઈંચ વરસાદ પડતાં મોટાભાગના શહેરી વિસ્તારોમાં પાણી નદીના વહેંણની માફક ફરી વળ્યાં હતા. તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણી ભરાવવાથી બદતર હાલત થઈ ગઈ હતી. ખાસ કરીને ભૂગર્ભ ગટરો ચોકઅપ હોવાથી ઉપરાંત વોકળાની સફાઈ ન થવાથી વરસાદી પાણીનો નિકાલ જ ન થતા વરસાદી પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ હતી.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/