મોરબીમાં આખરે રખડતા ઢોરના પ્રશ્ને તંત્રની ઊંઘ ઉડી !!

0
113
/
મોડે મોડે પણ મોરબીનું તંત્ર રસ્તા પર રખડતા ઢોરના પ્રશ્ને હરકતમા આવ્યું
મિટિંગમાં લેવાયેલા નિર્ણય મુજબ આગામી 10 દિવસોમાં તમામ પશુમાલિકોએ તેમના પશુઓની નોંધણી ફરજીયાત કરાવવી પડશે
રસ્તે રઝળતા પશુઓની સમસ્યા નિવારવા પોલીસ તંત્ર અને પાંજરાપોળોનો પણ સહયોગ

મોરબી : તાજેતરમા મોરબીની વિસ્તરતી ઔધોગિક ક્ષિતિજો સાથે માળખાગત સુવિધાનો સમાંતર વિકાસ થયો નથી. આથી એક સમયે મોરબી શહેરમાં મનફાવે તેમ ફરી શકતા પશુઓ માટે હવે જગ્યાનો અભાવ વર્તાય છે. રસ્તે રઝળતા પાલતુ કે નધણીયાત પશુઓની સમસ્યા ઠેર ઠેર વ્યાપક બની છે. છાસવારે ઠેક ઠેકાણે થતા આખલા યુદ્ધને કારણે સેંકડો નાગરિકો અત્યાર સુધીમાં ઇજાગ્રસ્ત થયા છે. લાખો રૂપિયાના વાહનોને આખલયુદ્ધને કારણે નુકશાન થયું છે. જો કે “દેર સે આયે, દુરસ્ત આયે”ની ઉક્તિ મુજબ હવે મોરબીના તંત્રએ મોરબીવાસીઓને રસ્તે રઝળતા પશુઓના ત્રાસમાંથી કાયમી મુક્તિ અપાવવાની કવાયત હાથ ધરી છે. જોકે આ કવાયત માત્ર મિટિંગો અને કાગળ પૂરતી રહે છે કે કેમ તે તો આવનારો સમય જ બોલશે.

ગઈ કાલે મોરબી નગરપાલિકાના અધિકારીઓ અને વહીવટી તંત્રની એક સયુંકત બેઠક મળી હતી. જેમાં શહેરમાંથી પશુઓનો ત્રાસ કાયમીપણે દૂર કરવા માટે એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો હતો. સેવાસદન ખાતે ઇન્ચાર્જ પ્રાંત અધિકારી ગંગાસિંહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ડીવાયએસપી રાધિકા ભારાઈ, પાલિકા ચીફ ઓફિસર ગિરીશ સરૈયા, જિલ્લા પશુપાલન અધિકારી, પાંજરાપોળ અને વિવિધ ગૌશાળાના ટ્રસ્ટીઓની હાજરીમાં મહત્વના નિર્ણયો લેવામાં આવેલ હતા.

બેઠકમાં લેવાયેલા નિર્ણયો મુજબ મોરબીના પશુપાલકોએ આવનારા 10 દિવસોમાં પોતાના કબ્જામાં રહેલા પશુઓનું ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ પ્રક્રિયા પુરી થયા બાદ રઝળતા અને માલિકી ધરાવતા તમામ પશુઓનું ટેગીંગ કરવામાં આવશે. આથી ખ્યાલ આવી શકે કે મોરબી શહેરમાં કુલ કેટલા પશુઓ છે અને જે પૈકી માલિક વગરના કેટલા પશુઓ છે. આ પ્રક્રિયા પુરી થયા બાદ રસ્તે રઝળતા પશુઓને પકડવાની સઘન કામગીરી હાથ ધરાશે. પશુઓ પર ટેગીંગ (નિશાન) થવાથી પશુ માલિકની ઓળખ સુનિશ્ચિત થશે. જો કોઈ પશુમાલિકનું પશુ પ્રથમવાર રસ્તે રઝળતું ઝડપાશે તો માલિકને રૂપિયા 1000નો દંડ ફટકારવામાં આવશે. જ્યારે બીજીવાર પશુ રસ્તે રઝળતું ઝડપાશે તો રૂપિયા 2000નો દંડ અને માલિક સામે પોલીસ દ્વારા ગુન્હો પણ દાખલ કરવામાં આવશે. રસ્તે રઝળતા પશુઓને પકડવા માટે પોલીસ તંત્ર દ્વારા સહયોગની ખાત્રી બેઠકમાં ઉપસ્થિત મોરબી DYSP રાધિકા ભારાઈએ આપી હતી.

અગાઉ આ પ્રકારે પકડાયેલા પશુઓની માવજત-નિભાવ ખર્ચ પેટે પાંજરાપોળો દ્વારા એક પશુ દીઠ રૂપિયા 3500ની માંગ કરવામાં આવી હતી. જો કે ગઇકાલની બેઠકમાં અન્ય ગૌશાળા સંચાલકો પણ પોતાની પાસે જગ્યા હોય એ મુજબ પશુઓ સંભાળવા તૈયાર થતા પાંજરાપોળ સંચાલકો પણ પશુઓ નિભાવવા સહમત થયા હતા. અલબત્ત પશુઓને નિભાવવાનો ખર્ચ લોકભાગીદારી તેમજ દાતાઓ પાસેથી એકત્રિત કરવામાં આવશે.

તંત્રએ આદરેલી આ કવાયતને લઈને આવનારા દિવસોમાં મોરબીવાસીઓને રઝળતા પશુઓના ત્રાસમાંથી કેટલેઅંશે છુટકારો મળે છે એ તો સમય જ બતાવશે, કેમ કે, રાજકોટ, ભાવનગર, જામનગર સહિતના શહેરોમાં આ પ્રકારની થયેલી કવાયત હાલ ફાઈલોમાં ધૂળ ખાઈ રહી છે ત્યારે મોરબીનું તંત્ર જમીની વાસ્તવિકતામાં સફળ રહે એવો આશાવાદ હાલ તો સેવાઈ રહેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/