મોરબી: મક્કમ મનોબળ સાથે મોરબીના 92 વર્ષના દાદીમાંએ કોરોનાને આપી હાર

0
56
/

બેડરેસ્ટ હોવાની સાથે અન્ય બીમારીઓ હોવા છતાં જીકુંવરબાએ કોરોના પર વિજય મેળવ્યો

મોરબી : તાજેતરની વૈશ્વિક મહામારી કોરોના વાયરસ સામે સમગ્ર વિશ્વ લડી રહ્યું છે. WHO અને સરકાર કોરોનાના સંક્રમણથી બચવા ઇમ્યુનીટી (રોગ પ્રતિકારક શક્તિ) વધારવાનું જણાવે છે. તેમજ હાલમાં જયારે દેશમાં અનલોક ચાલી રહ્યું છે, ત્યારે કોરોનાનો ચેપ લાગવાનો ખતરો વધતા બાળકો અને વડીલોને વધુ સાવચેતી રાખવાની સલાહ નિષ્ણાતો અને સરકાર આપી રહી છે. આવી પરિસ્થિતિમાં મોરબીના 92 વર્ષના દાદીમાંએ માત્ર 7 દિવસમાં કોરોનાને મ્હાત આપી છે. આ કિસ્સા પરથી અવશ્ય કહી શકાય કે સમયસરની સારવાર અને મક્કમ મનોબળ હોય તો કોરોનાએ પણ હાર માનવી પડે છે!

મોરબી શહેરના શનાળા રોડ પર શક્તિ પ્લોટમાં શેરી નં. 12, ‘રવિરાજ’માં રહેતા 92 વર્ષના જીકુંવરબા તખુભા રાઠોડ કોરોના સંક્રમિત થયા હતા. પરંતુ હાલ કોરોનામાંથી સંપૂર્ણ સ્વસ્થ થઇ ગયા છે. જીકુંવરબા તાવ, શરદી જેવા કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. આથી, તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો. ગત તા. 24ના રોજ તેમનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આથી, તેમને મોરબીની ખાનગી કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. કોવિડ સેન્ટર ખાતે ડો. ઈશાન કંઝારિયાના માર્ગદર્શન હેઠળ તેમની સારવાર ચાલુ થઈ. સારવાર દરમિયાન ડોક્ટરની દરેક સૂચનાનું પાલન તથા જીકુંવરબાના દૃઢ જીજીવિષા અને માનસિક હિમંતના લીધે ઝડપથી રીકવરી થવા લાગી. બાદમાં ગઈકાલે તા. 30 સપ્ટેમ્બરના રોજ તેમનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે જીકુંવરબાના પુત્રએ જણાવ્યું છે કે થોડા દિવસ પહેલા જીકુંવરબા પડી જવાના કારણે તેમની કરોડરજ્જુમાં બ્રેક પડી ગઈ છે. આથી, ડોક્ટરની સારવારના અનુસંધાને હાલમાં તેઓ બેડરેસ્ટ છે. તેઓ કોરોનાગ્રસ્ત થયા ત્યારે પણ બેડરેસ્ટ હતા. ઉપરાંત, જીકુંવરબાને છેલ્લા 8-10 વર્ષથી બ્લડપ્રેશર અને ડાયાબીટીશની બીમારી છે. જેની દવા તેઓ નિયમિતપણે લે છે. આમ, બેડરેસ્ટ હોવાની સાથે અન્ય બીમારીઓ હોવા છતાં જીકુંવરબાએ કોરોના વાયરસ પર વિજય મેળવ્યો છે!

હાલમાં જીકુંવરબા કોરોનામાંથી સ્વસ્થ થઈ જવાથી રાઠોડ પરિવારમાં ખુશીનો માહોલ છે. આ તકે રાઠોડ પરિવારે ડોક્ટરો અને મેડિકલ સ્ટાફનો ખરા દિલથી આભાર વ્યક્ત કર્યો છે. 92 વર્ષની જૈફવય સુધીમાં અનેક કુદરતી આફતો અને પારિવારિક મુશ્કેલીઓ સામે લડી ચૂકેલા જીકુંવરબાએ કોરોના સામે લડીને અને કોરોનાની જંગ જીતીને પોતાના મક્કમ મનોબળ અને અને હિમંતનો પરિચય આપ્યો છે! જે અન્ય કોરોના દર્દીઓ માટે પ્રેરણા સમાન છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/