મોરબી નગરપાલિકા દ્વારા રસ્તાના નવીનીકરણ અને મરમત્તની કામગીરી શરૂ કરાઈ

0
98
/
શહેરમા ટ્રાફિકને અડચણરૂપ ન થાય તે માટે રાત્રે જ ચાલતી રોડની કામગીરી : રોડ સારા બને તેવી લોક માંગ

મોરબી : તાજેતરમા મોરબી શહેરના મોટાભાગના રોડ રસ્તા વરસાદમાં ધોવાઈ ગયા હતા. રોડ રસ્તાની એટલી હદે પથારી ફરી ગઈ હતી કે લોકોને રોડ ઉપર વાહન લઈને નીકળવું મુશ્કેલ બન્યું હતું. આ ખખડધજ માર્ગો મામલે તંત્ર પર ભારે તડાપીટ બોલી હતી. ત્યારે હવે મોરબી પાલિકા તંત્ર દ્વારા આ રોડ રસ્તાની કામગીરી માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જો કે હમણાંથી વરસાદનું વિઘ્ન દેખાય એમ ન હોવાથી પાલિકા તંત્ર દ્વારા વરસાદમાં ધોવાયેલા માર્ગોના નવીનીકરણ અને મરમત્તની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને કુલ રૂ. 25 કરોડના ખર્ચે રોડ રસ્તાના કામો હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી નગરપાલિકા દ્વારા કુલ રૂ. 25 કરોડના ખર્ચે રોડ રસ્તાના કામો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીમાં ત્રણ વર્ષના ગેરંટી પિરિયડમાં તૂટેલા માર્ગો હોય તેનું જે તે જવાબદાર એજન્સી પાસે જ રિસર્ફિંગ કરાવવામાં આવ્યું છે અને બાકીના નવા રોડની ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા કરીને નગરપાલિકા દ્વારા રોડના કામો શરૂ કરવામાં આવ્યા છે. નવા રોડમાં મુખ્ય રવાપર રોડ, સાવસર પ્લોટ, સામાંકાંઠે કેસરબાગથી પીપીડબ્લ્યુ પોસ્ટ ઓફીસની ફાટક સુધી, તાલુકા સેવા સદનથી ઉમા ટાઉનશીપ સુધીનો વેજીટેબલ રોડ, નટરાજથી પોસ્ટ ઓફીસ સહિતના નવા રોડ અને અન્ય માર્ગોનું રિસર્ફિંગ કામ રૂ. 1.50 કરોડના ખર્ચે થશે. શનાળા રોડના સરદાર બાગથી કંડલા બાયપાસ સુધી રૂ. 60 લાખના ખર્ચે ડામર રોડ તેમજ રૂ.1.80 કરોડના ખર્ચે શહેરના 13 વોર્ડની અંદરના વિસ્તારોમા શેરી ગલીના ડામર તથા સીસીરોડના રિપેરીગ કામ થશે.

રોડની કામગીરી મામલે ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ જણાવ્યું હતું કે મોરબી નગરપાલિકા દ્વારા આગામી સમયમાં જે રૂ. 25 કરોડના ખર્ચે કામોનું આયોજન છે. તેમાં રૂ. 17 કરોડના ખર્ચે રોડ રસ્તાના કામો ઓનલાઈન ટેન્ડરથી મંજૂર થયા છે. રૂ. 50.98 લાખના ખર્ચે રી-ટેન્ડર હેઠળના કામો છે. રૂ. 3.43 કરોડના કામોના વર્ક ઓર્ડર બાકી છે. રૂ. 3.80 કરોડના રોડના કામો પ્રગતિ હેઠળના છે. એટલે આટલા કામો હાલ ચાલુ છે અને નવા રોડ, રિસર્ફિંગ અને અન્ય કામો હાથ ધરીને વિકાસની ગતિ ફરી તેજ કરી દેવામાં આવી છે. જો કે ટ્રાફિકને અડચણરૂપ ન થાય તે માટે રાત્રીના સમયે જ રોડની કામગીરી પણ કરવામાં આવી રહી છે.

ચીફ ઓફિસરનું એન્જિનિયરની ટિમ સાથે રોડના કામોનું સઘન સુપરવિઝન

રોડના કામોમાં કોન્ટ્રાક્ટરો લોલમલોલ ચલાવીને નબળી કક્ષાની સામગ્રીનો રોડના કામોમાં ઉપયોગ કરતા હોવાની ભૂતકાળની વ્યાપક ફરિયાદોને ધ્યાને લઈને ચીફ ઓફિસર ગિરીશ સરૈયા એન્જિનિયરની ટિમ સાથે રાત્રીના સમયે જ રોડની કામગીરીનું સઘન સુપરવિઝન કરી રહ્યા છે. રોડના કામોમાં કેવી સામગ્રીનો ઉપયોગ અને કેટલું મટીરીયલ વપરાય અને ક્વોલિટી મેઇન્ટેન તથા રોડનું કામ નિયમો અનુસાર થાય છે કે કેમ તેની સઘન ચકાસણી કરે છે. સાથે સાથે રોડની કામગીરીમાં મટીરીયલના નમૂના પણ લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવે છે અને નિયમ પ્રમાણે કામ ન થયું હોય તો જવાબદારો સામે કાર્યવાહી કરવાનું જણાવેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/