વૃક્ષોની ડાળખીઓ વધી ગઈ હોવાથી કાપવામાં આવી છે : ચીફ ઓફિસર
મોરબી : તાજેતરમા મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદાર બાગમાં આડેધડ વૃક્ષો કાપી નાંખયાની ઘટનાના વીડિયો વાયરલ થયા છે. આ ગંભીર મામલે પાલિકાના એક્ઝિક્યુટિવ ચેરમેને ચીફ ઓફિસરને લેખિતમાં રજુઆત કરી છે. જોકે આ મામલે ચીફ ઓફિસરએ જણાવ્યું હતું કે , બાગમાં વૃક્ષોનું નિકંદન કર્યું નથી પણ વૃક્ષોની ડાળખીઓ વધી ગઈ હોવાથી કાપવામાં આવી હોવાનો બચાવ કર્યો છે.
મોરબી નગરપાલિકાના એક્ઝિક્યુટિવ ચેરમેન કે.પી.ભગિયાએ ચીફ ઓફિસરને લેખિતમાં રજુઆત કરી હતી કે, મોરબી નગરપાલિકાના સરદારબાગમાં ગેરકાયદસર રીતે અને આડેધડ વૃક્ષો કાપવામાં આવ્યા છે. આ ઘટનાના વીડિયો પણ વાયરલ થયા છે. એકબાજુ રાજ્ય સરકાર વધુ વૃક્ષો વાવી અને વૃક્ષોનું જતન કરવા પર સતત ભાર મૂકી રહી છે. તેથી વૃક્ષો કાપવાએ ગેરકાયદે કૃત્ય છે અને ગંભીર ગુન્હો બને છે. આવા સંજોગોમાં મોરબી નગરપાલિકાની માલિકીના કંપાઉન્ડ હદમાં જ્યાં કાયદેસર કર્મચારીઓ અને અનુસંગિક બગીચાની જાળવણી માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. તેમ છતાં આ ખર્ચાઓ અવગણી વૃક્ષોને કાપવામાં આવ્યા છે. એટલું જ નહીં 5 થી 7 વૃક્ષોને થડમાંથી કાપી નાખ્યા છે. તેથી વૃક્ષપ્રેમીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આથી વૃક્ષ કાપનાર સામે ફરજમાં બેદરકારી બદલ કડક કાર્યવાહી કરવાની તેમણે માંગ કરી છે.
આ મામલે નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ જણાવ્યું હતું કે, આ વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું નથી. માત્ર ડાળખીઓ કાપવામાં આવી છે. આ વૃક્ષોનું કદ વધી જતાં ડાળખીઓ જોખમી બનતી હોય દર વખતે જેમ વૃક્ષોની માવજત કરવામાં આવે છે તે જ રીતે આ વૃક્ષોની તમામ ડાળખીઓ કાપવામાં આવી હોવાનો બચાવ પણ કર્યો હતો.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide