મોરબીના શાકમાર્કેટ પાછળ છેલ્લા દસ દિવસથી ગટર ઉભરવાની હાડમારી, વેપારીઓ ત્રાહિમામ

0
61
/
દુકાનો પાસે ગંદા પાણીના સરોવર ભરાયેલા હોવાથી વેપાર-ધંધા પર માઠી અસર થૈ રહી છે, વેપારીઓ ગટર ઉભરાવવાની પીડામાંથી મુક્તિ આપવાની માંગ કરી

મોરબી : હાલ મોરબીના શાક માર્કેટ પાછળની શેરીઓમાં ફરી ગટર ઉભરાવવાની હૈયાહોળી સર્જાઈ છે. તંત્રના પાપે છેલ્લા 10 દિવસથી ગટરના ઉભરાતા પાણીએ આ વિસ્તારને રીતસર બાનમાં લઈને સ્થાનિક લોકો અને વેપારીઓનું જીવવું હરામ કરી દીધું છે. ગટરના ગંદા પાણીના સરોવર દુકાનો પાસે જ ભરાયા હોવાથી વેપારીઓના વેપાર-ધંધાને માઠી અસર પહોંચી છે. અનેક રજુઆત કરવા છતાં તંત્ર કોઈ કાર્યવાહી ન કરતા વેપારીઓ ગટરની અસહ્ય દુર્ગંધ મારતી ગંદકી વચ્ચે જ વેપારીઓ ધંધા કરવા મજબૂર બન્યા છે.

મોરબીના શાક માર્કેટ પાછળ આવેલ વિસ્તારમાં લાંબા સમયથી ગટરની ગંદકી ઉભરાવવાનો સળગતો પ્રશ્ન છે. તંત્રએ આ ગટરની સમસ્યા કાયમી રીતે હલ કરવાની ક્યારેય નક્કર કાર્યવાહી કરી નથી. જ્યારે જ્યારે ગટર ઉભરાઈ ત્યારે તંત્ર માત્ર ઉપરછલ્લી સફાઈ જ કરે છે. પરિણામે ગટરની સમસ્યા વારંવાર પોત પ્રકાશે છે. ત્યારે હવે ફરી છેલ્લા 10 દિવસથી ગટર ઉભરાવવાની સમસ્યા સર્જાય છે. આ બાબતે શાકમાર્કેટ પાછળ આવેલ લુહાણાપરા શેરી નં. 1-2માં દુકાનો ધરાવતા વેપારીઓએ પાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી છે કે છેલ્લા 10 દિવસથી શાકમાર્કેટ પાછળ આવેલ લુહાણાપરા શેરી નંબર 1 અને 2માં ગટરની ગંદકી ઉભરાતા વગર વરસાદે આ વિસ્તાર પણ પાણી-પાણી થઈ ગયો છે.

દુકાનો પાસે જ ગંદા પાણીના સરોવર ભરાયા છે. આ અંગે આ વિસ્તારમાં અનાજ કરીયાણાની દુકાન ધરાવતા વેપારી જીજ્ઞેશભાઈ માનસેતાએ જણાવ્યું હતું કે તેમની દુકાનોની આસપાસ જ ગટરના ગંદા પાણી એટલી હદે ભરાયા છે કે લોકો ગટરની ગંદકીમાં ચાલીને તેમની દુકાને ખરીદી કરાવા આવવાનું ટાળે છે.આથી વેપાર ધંધા ઠપ્પ થઈ ગયા છે. ગટરની ગંદકીને કારણે લોકો ખરીદી કરવા ન આવતા હોવાથી વેપારીઓના ધંધા પર માઠી અસર સર્જાઈ છે. તેમજ દુકાનેથી બહાર જવા માટે ગંદા પાણીમાંથી ચાલવું પડે છે. આજુબાજુના વિસ્તારના લોકો પર પણ ગટરની ગંદકીને કારણે આરોગ્ય જોખમમાં મુકાઈ ગયું છે. જો કે અગાઉ આ બાબતે અનેક રજુઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરાઈ નથી. ત્યારે ફરી એકવાર પાલિકા તંત્રને પણ ઢંઢોળવાનો પ્રયાસ કર્યો છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/