તમારે પૈસા ખાવા સિવાય કાઈ કરવું જ નથી… પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈના શબ્દબાણ વછૂટતાં ખળભળાટ મચી ગયો !!
મોરબી : હાલ મોરબીમાં રામરાજ જેવી સ્થિતિમાં કોરોનાના દર્દીઓને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં જગ્યા ન મળવાથી દર દર ભટકવાનો વારો આવ્યો છે અને હવે સ્મશાનમાં પણ વેઇટિંગ જેવી સ્થિતિ નિર્માણ થતા આજે જિલ્લા કલેકટર સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા. જ્યાં પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કલેકટર વચ્ચે શાબ્દિક ટપાટપી થતા કાનાભાઇએ અસલ કલર બતાવતા સનસનાટી મચી જવા પામી છે.
મોરબી શહેર અને જિલ્લામાં કોરોનાની સ્થિતિ કાબુ બહાર હોય તેવી સ્થિતિમાં રોજ સેંકડો લોકો સંક્રમિત થઈ રહ્યા છે. છતાં આરોગ્ય વિભાગ જાણે કઈ જ બન્યું ન હોય તેમ રાબેતા મુજબની રૂટિન કાર્યવાહી કરી રહ્યું છે અને જિલ્લા વહીવટીતંત્ર પણ હાથ ઉપર હાથ ધરીને બેસી જતા મોરબીના લોકલાડીલા પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા આવી સ્ફોટક સ્થિતિ જોતા ઉકળી ઉઠ્યા છે.
આજે જિલ્લા કલેકટર પોતાની ટીમ સાથે મોરબી સિવિલ હૉસ્પિટલની મુલાકાતે ગયા હતા અને બરાબર આ જ સમયે પૂર્વ ધારાસભ્ય કાનાભાઇ પણ સિવિલ હોસ્પિટલ પહોંચી બેડની સંખ્યા વધે તે માટે મોરબી કલકટરને આડે હાથ લઈ શાબ્દિક બાણ છોડતા ઘડી બે ઘડી માટે હોસ્પિટલમાં સન્નાટો છવાઈ ગયો હતો. અને કાનાભાઇએ અસલ કલર દેખાડી અધિકારીઓને પૈસા ખાવા સિવાય કઈ રસ જ નહોવાનો ટોણો મારતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાએ આજની ઘટનાને સમર્થન આપી મોરબી જિલ્લાના લોકો હેરાન ન થયા તે માટે પોતે પ્રયત્નશીલ હોવાનું અને નાયબ મુખ્યમંત્રી સહિતના અગ્રણીઓ સાથે સતત સંપર્કમાં રહી મોરબી માટે તમામ સુવિધા શરૂ કરાવી દર્દીઓ હેરાન ન થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide