વાવાઝોડા અસરગ્રસ્ત ખેડૂતોને 20 હજારથી લઈ એક લાખ પ્રતિ હેકટર સહાય : 500 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર

0
69
/

હાલ એક અઠવાડિયામાં અસરગ્રસ્ત ધરતીપુત્રોના ખાતામાં ડીબીટીથી સહાય જમા થશે : મુખ્યમંત્રી રૂપાણી

ઉનાળુ કૃષિ પાકોને નુકસાનના કિસ્સામાં મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં હેક્ટર દિઠ રૂ. 20,000 સહાય અપાશે

મોરબી : હાલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત પર તાજેતરમાં ત્રાટકેલા તાઉ’તે વાવાઝોડાના કારણે બાગાયતી પાકો અને ઉનાળુ પાકોને થયેલા વ્યાપક નુકસાન સામે રૂ. ૫૦૦ કરોડના વાવાઝોડા કૃષિ સહાય પેકેજની જાહેરાત કરી છે. જે અંતર્ગત ખેડૂતોને બાગાયતી અને ઉનાળુ પાકમાં થયેલ નુકશાની માટે ૨૦ હજારથી લઈ એક લાખ રૂપિયા પ્રતિ હેકટર સહાય ચૂકવવા નિર્ણય કર્યો છે. અને સર્વે બાદ તુરત જ આ રકમ ખેડુતોના ખાતામાં જમા કરવામાં આવશે તેવું જાહેર કરાયુ છે.

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ, કૃષિ મંત્રી આર. સી. ફળદુ, ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલ તેમજ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને વરિષ્ઠ સચિવોની ઉપસ્થિતિમાં મળેલી કોર કમિટિની બેઠકમાં આ અંગેનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આ કૃષિ હિતકારી નિર્ણયની ભૂમિકા આપતાં કહ્યું કે, તાઉ’તે વાવાઝોડાની વ્યાપક અસર ગીરસોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને બોટાદ એ પાંચ જિલ્લાઓ સાથે દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, વલસાડ, ભરૂચ જિલ્લાઓમાં પણ થઈ છે અને રાજ્યના ૮૬ તાલુકાઓમાં અંદાજે બે લાખ હેક્ટર વિસ્તારના કૃષિ અને બાગાયત પાકોને વ્યાપક નુકસાન થયું છે.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, તા. ૧૭મી મેની રાત્રે ઉનાના દરિયાકાંઠેથી ગુજરાતમાં પ્રવેશેલું આ તાઉ’તે વાવાઝોડું કલાકના ૨૨૦ કિ.મી.ની ઝડપે પવનની ગતિ સાથે ગુજરાતને ચીરીને ૧૮મી મે એ રાજસ્થાન તરફ ગયુ હતું. આ વાવાઝોડાએ ગુજરાતમાં ખેતી પાકો, મકાનો, પશુઓ તેમજ વીજળી, પાણી-પુરવઠો, રોડ-રસ્તા વગેરેને જે નુકસાન કર્યું તેની સામે રાજ્ય સરકારના સમગ્ર વહીવટી તંત્રએ ખૂબ જ ટૂંકાગાળામાં યુદ્ધના ધોરણે સર્વે- રિસ્ટોરેશન વગેરે કામગીરી કરીને રાજ્યમાં આવી આપદામાં ભુતકાળમાં ક્યારેય ન થઈ હોય તેવી અભુતપૂર્વ ઝડપે કામગીરીની સિદ્ધિ મેળવી છે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.

[રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/