મોરબીમાં નવા વર્ષે ઓવરબ્રિજ, ફોરલેન, નવી પાલિકા,ફાયર સ્ટેશન સાકાર કરવા વાયદા

0
325
/
સમય મર્યાદા પુરી થવા છતાં અધૂરા રહેલા મોરબી રાજકોટ હાઈવેના કામને પણ પૂરું કરવાનો તંત્રનો વાયદો

મોરબી : મોરબીમાં તંત્રએ 2021ના વર્ષમાં અનેક નવા પ્રોજેકટનો અલમ કરવાના સ્વપ્ન સેવ્યા હતા. પણ તંત્રની દાનતના અભાવે આ બધા સ્વપ્ના ચકનાચૂર થઈ ગયા છે. 2021માં તંત્રએ કરેલા અનેક પ્રકલ્પો હજુય અધુરા છે. ત્યારે નવું વર્ષ 2022નું આગમન થતા જ ફરી તંત્રએ શેખચિલ્લીની જેમ હવાઈ કિલ્લા બાંધ્યા છે. જેમાં શહેરનો ઘરમૂળથી વિકાસ કરવાના નવા સાહસોનો તંત્રએ હાલ ડીંગો તો હાંકયો છે.પણ આ બધા પ્રોજકેટનો અમલ થશે કે દરેક વખતની જેમ દિવાસ્વપ્ન જ બની રહેશે તે જોવું રહ્યું.

મોરબીમાં નવા વર્ષ 2022માં તંત્રએ અનેક વિકાસ કામો કરવાનો દાવો કર્યો છે. જેમાં માર્ગ અને મકાન વિભાગના અધિકારી હિતેશ આદ્રોજાએ જણાવ્યું હતું કે, મોરબી રાજકોટ હાઇવેનું કામ નવા વર્ષના છ મહિનામાં પૂરું થશે. મોરબીના નટરાજ ફાટક ઉપર ઓવરબ્રિજની સૈદ્ધાંતિક મંજૂરી માટે દરખાસ્ત કરી હોય નવા વર્ષમાં આ કામ શરૂ થવાની શકયતા છે. મોરબી જેતપર અને મોરબી હળવદ રોડને ફોરલેનનું કામ શરૂ થશે.જ્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ જણાવ્યું હતું કે, 9 કરોડના ખર્ચે બોરીયાપાટીથી કંડલા બાયપાસ સુધી અને પંચાસર ચોકડીથી કેનાલ સુધી 10 મીટરનો સીસીરોડ, નાની કેનલનું રોડ પહોળો, અવની ચોકડીથી ચકીયા હનુમાનજી સુધી રોડ, વાડી વિસ્તારમાં રામજી મંદિરથી બાયપાસ સુધી રસ્તો કાઢવામાં આવશે.વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, નવી નગરપાલિકાનું કામ 2022માં પૂરુ થશે અને હાલની કચેરી નવી નગરપાલિકામાં સ્થળાંતરિત થશે. સામાકાંઠે નવું ફાયર સ્ટેશન, રિવર ફ્રન્ટની સૈદ્ધાંતિક મંજૂરી માટે દરખાસ્ત કરી હોય એની સરકારમાં મંજૂરી મળે તો કામ ચાલુ થઈ જશે.નવલખી ફાટક અને આલાપ પાર્કના રસ્તેથી સામાકાંઠે ઓવરબ્રિજ, લાતીપ્લોટમાં ડ્રેનેજ અને રસ્તાના કામો, પંચાસર રોડથી ઘુતારીના નાલા પાસે સ્ટોમ વોટર ડેનેજ, વિજયનગરથી આલાપ પાર્ક સુધી 80 ફૂટ રોડ, લીલાપરથી કેનાલને બુરી સાયકલ ટ્રેક, 40 જેટલા સાર્વજનીક પ્લોટનું ડેવલમેન્ટ કરાશે. ત્યારે તંત્રના દાવાનો ખરેખર વાસ્તવિક અમલ થશે કે પછી નવા વર્ષે જાહેર કરેલા આ ઘુમધડાકાનું સુરસુરીયું થઈ જશે તે તો આવનારો સમય જ બતાવશે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/