અકસ્માતો સર્જી નાસી છૂટતા નંબર પ્લેટ વગરના વાહનો પકડી પાડવામાં આરટીઓ તંત્ર હજુ શુભ મુહૂર્તના ઈંતઝારમાં
મોરબી : હાલ મોરબી જિલ્લામાં માતેલા સાંઢની જેમ રોડ ઉપર પુરપાટ ઝડપે નીકળતા નંબર પ્લેટ વગરના ઓવરલોડેડ વાહનો વિરુદ્ધ મોરબી ટ્રાફિક પોલીસે શરૂ કરેલી ઝુંબેશ રંગ લાવી રહી છે. ગઈકાલે ટ્રાફિક પોલીસે આવા વધુ 32 કાળમુખા વાહનો ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે, હાઇવે ઉપર આવી કાર્યવાહી કરવાની જેમની ફરજ છે તેવું મોરબી આરટીઓ તંત્ર હજુ વહીવટમાં વ્યસ્ત હોય શુભ મુહૂર્તના ઈંતઝારમાં હોવાનું મનાઈ રહ્યું છે.
છેલ્લા લાંબા સમયથી મોરબી જિલ્લામાં અકસ્માતોનું પ્રમાણ ખુબ જ ઉંચુ ગયું છે અને મોટાભાગના અકસ્માતોમાં અકસ્માત સર્જી વાહન ચાલક નાસી જતા હોવાનું અને આવા અકસ્માત સર્જનાર વાહન નંબર પ્લેટ પણ લગાડતા ન હોવાથી કાયદાકીય પ્રક્રિયા સામે સવાલ ખડા થયા છે ત્યારે મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા તમામ પોલીસ સ્ટેશન અને ટ્રાફિક પોલીસને કડક હાથે કામગીરી કરવા સ્પેશિયલ વાહન ચેકીંગ ડ્રાઇવ શરૂ કરવા આદેશ કરતા છેલ્લા બે દિવસથી નંબર પ્લેટ વગર દોડતા કાળમુખા ઓવરલોડેડ વાહનો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરાઈ છે.
વધુમાં પ્રથમ દિવસે ડમ્પર અને આઇસર સહિતના છ વાહનો ડિટેઈન કરાયા બાદ ગઈકાલે મોરબી જિલ્લા પોલીસ ટિમ અને ટ્રાફિક શાખા દ્વારા નંબર પ્લેટ વગર દોડતા ટ્રેકટર, ટ્રક, ડમ્પર, આઇવા, આઇસર સહિત કુલ 32 વાહનો ડિટેઇન કરી સંબંધિત પોલીસ મથકમાં કબ્જે સોંપી આપવામાં આવ્યા છે.જો કે, હાઇવે ઉપર બેફામ ગતિએ દોડતા ઓવરલોડેડ વાહનો પકડી પાડવાની અને દંડનીય કાર્યવાહી કરવાની જેમની ફરજ છે તેવા આરટીઓ વિભાગ દ્વારા હજુ સુધી એકપણ આવા વાહન ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી નથી. એક અંદાજ મુજબ મોરબી જિલ્લામાં દરરોજ એક હજાર જેટલા ડમ્પરો રેતી અને ખનીજ ચોરી માટે દિવસ રાત ઓવરલોડ માતેલા સાંઢની જેમ દોડી રહ્યા છે અને આવા તમામ વાહનોની આરટીઓના હપ્તાખાઉ અને રોડ ઉપર જ આટાફેરા કરતા અધિકારીઓને પુરે-પુરી જાણકારી હોવા છતાં કમાઉ ફોલ્ડરિયાઓના ઉઘરાણાને કારણે ઉચ્ચ અધિકારીઓ પણ પગલા ભરવા અસમર્થ બન્યા હોવાનું સ્પષ્ટ બન્યું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide