હવે કોલસાના ભાવ વધારાએ સિરામીક ઉદ્યોગની કરોડરજ્જુ ભાંગી નાખી

0
296
/

સિરામીક અને પેપરમીલને અપાતા ક્વોટામાં પણ જબરી ઘાલમેલ કરી મંજુર ક્વોટાથી માંડ 20 ટકા સપ્લાય

મોરબી : હાલ વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સિરામીક ઉદ્યોગને સરકારનું પ્રોત્સાહન મળવાને બદલે સરકારી કંપનીઓ દ્વારા જ અસહ્ય ભાવવધારા ઝીંકવામાં આવતા કરોડો રૂપિયાનું વિદેશી હૂંડિયામણ કમાઈ આપતા સિરામીક ઉદ્યોગની કરોડરજ્જુ ભાંગી નાખવામાં આવી હોવાનું સ્પષ્ટ બની રહ્યું છે. ગેસના ભાવમાં બમણા જેટલા ભાવ વધારા બાદ ગુજરાત સરકારના સાહસ એવા જીએમડીસી એટલે કે ગુજરાત માઇન્સ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા છેલ્લા એક વર્ષમાં કોલસાના ભાવમાં 125 ટકાનો ભાવ વધારો ઝીંકી દેતા સિરામીક ઉદ્યોગની સાથે પેપરમીલ ઉદ્યોગની પણ ખો નીકળી ગઈ છે.

કોલસાના કકળાટ અંગે મોરબી સિરામીક એસોશિએશન પ્રમુખ વિનોદભાઈ ભાડજાએ જણાવ્યું હતું કે, મોરબી સિરામીક ઇન્ડસ્ટ્રીઝ માટે ગુજરાત સરકારના સાહસ એવા ગુજરાત માઇન્સ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા હાલમાં માતાના મઢથી નીકળતો કોલસો પ્રતિ ટન રૂપિયા 4737 ઉમરસર પ્રતિ ટન રૂપિયા 4492, તાડકેશ્વર પ્રતિ ટન રૂપિયા 5050, ભાવનગર પ્રતિ ટન રૂપિયા 4595 અને રાજસ્થાન ખાતેથી પ્રતિ ટન રૂપિયા 6155 ભાવે કોલસો આપવામાં આવે છે.આ ઉપરાંત પ્રતિ ટન કોલસાએ 1200થી 1400 રૂપિયા જેટલું ભાડું ગણાતા ઉદ્યોગકારોને 5800થી 6000 રૂપિયાના ભાવે કોલસો મળી રહ્યો છે. છ મહિના અગાઉ આ જ કોલસો મોરબી બેઠા 3700થી 4000ની અંદર મળતો હતો. આમ જોવા જઈએ તો છેલ્લા એક વર્ષમાં જીએમડીસી દ્વારા કોલસાના ભાવમાં 125 ટકા વધારો કર્યો છે જે સિરામીક ઇન્ડસ્ટ્રીઝ માટે ઘાતક કહી શકાય તેમ છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/