મોરબીમાં ખેડૂતોને પૂરતી વીજળી ન મળે તો ઉગ્ર આંદોલન

0
125
/

કિશાન સંઘે પીજીવીસીએલના ઈજનેરને આવેદન આપી ખેડૂતોના હિતમાં નાછૂટકે આક્રમક કાર્યક્રમો કરવાની ચીમકી આપી

મોરબી : હાલ ઉનાળો શરૂ થતાં વીજ વપરાશ ખૂબ જ વધ્યો છે. જેથી લાઈન ટ્રીપિંગ એટલે વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાની સમસ્યા વધી ગઈ છે. પણ આ વીજધાંધિયા ખેતીવાડીમાં મોંઘા પડી રહ્યા છે. જેમાં મોરબીમાં ઉનાળુ વાવેતરના સમયે વારંવાર વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે. આથી ભારતીય કિશાન સંઘે ખેડૂતોને વહારે આવી જો ટુક સમયમાં ખેડૂતોને પૂરતી વીજળી નહિ મળે તો ઉગ્ર આંદોલન કરવાનો લલકાર કર્યો છે.

મોરબી સ્થિત ભરતીય કિશાન સંઘના આગેવાનો દ્વારા આજે ખેડૂતોના હિતમાં મોરબી પીજીવીસીએલના ઈજનેરને આવેદન આપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, હાલ ઉનાળુ સિઝન ચાલી રહી હોવાથી મોટાભાગના ખેડૂતો વાવેતર કાર્ય કરી રહ્યા છે. ઉનાળુ વાવેતર માટે હાલ પિયતનો સમય હોય પણ અણીના સમયે જ વીજળી વારંવાર ગુલ થઈ જાય છે. સતત વીજ પુરવઠો ખોરવાતા પિયત કાર્ય થઈ શકતું નથી. આથી ખેડૂતોને મોંઘી દવા, બિયારણ અને ખાતર માટે કરેલો ખર્ચ માથે પડે છે. જો કે સરકારે ખેડૂતોને આઠ કલાક વીજળી આપવાનો દાવો કર્યો હતો પણ સરકારે ખરેખર ખેડૂતોને નિયમિત વીજળી મળે છે કે નહીં તે અંગે પાછું વળીને જોયું જ નથી. પરિણામે ખેડૂતો વીજળીના ધાંધીયાથી અકળાઈ ઉઠ્યા છે અને આ આવેદનપત્ર આપ્યા પછી પણ જો ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી નહિ મળે તો ખેડૂતોના હિતમાં નાછૂટકે આક્રમક કાર્યક્રમો કરવાની ચીમકી આપી છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/