વિસીપરા, રણછોડનગર, લાયન્સનગર અને વિજયનગર સહિતના વિસ્તારમાં 15 દિવસથી પાણી ન આવતા લોકો અકળાયા : ચીફ ઓફિસર કહે હું નવો છું મને ખબર ન પડે !!!!
મોરબી : મોરબીના વોર્ડ નંબર – 2માં આવેલ વિસીપરા સહિતના વિશાળ ગરીબ અને પછાત વિસ્તારને ઉનાળાના પ્રારંભે જ છેલ્લા 15 દિવસથી પાણી મળતું બંધ થતા આજે અકળાયેલા આ વિસ્તારના લોકોએ ઢોલ,નગારા સાથે જબ્બર રેલી યોજી નગરપાલિકાને ઘેરાવ કરી છાજીયા લીધા હતા. જો કે આશ્ચર્ય તો એ વાતનું છે કે, નવા આવેલા ચીફ ઓફિસરે રજુઆત કરવા આવેલા લોકોને હું નવો છું મને કઈ ખબર પડતી નથી તેવો જવાબ આપતા મહિલાઓ રોષે ભરાઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના વોર્ડ નંબર -2માં છેલ્લા 15 દિવસથી નગર પાલિકા દ્વારા પાણી વિતરણ બંધ કરી દેવામાં આવતા આ વિસ્તારમાં આવેલ વીશીપરા, લાયન્સનગર, ફૂલછાબ સોસાયટી, રણછોડનગર, મદીના સોસાયટી, ગુલાબનગર, ભીમરાવનગર, રોહિદાસપરા, વિજયનગર અને ગુજરાત સોસાયટીમાં રહેતા લોકો અકળાઈ ઉઠ્યા છે. છેલ્લા બે મહિના દરમિયાન પાલિકા દ્વારા અહીં ચાર-પાંચ દિવસે પાણી વિતરણ કરવામાં આવતું હતું પરંતુ 15 દિવસથી તો બિલકુલ પાણી જ આપવામાં બંધ કરી દેતા ગરીબ વિસ્તારના લોકોની ધીરજ ખૂટતા આજે પગપાળા ચાલી ઢોલ નગારા સાથે રેલી યોજી પાણી આપવા માંગ દોહરાવી હતી.
દરમિયાન આ વિસ્તારમાં રહેતા લોકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે જો પાલિકાના ટેન્કર માટે પૈસા ચુકવવાં આવે તો ફટાફટ પાણી આપવામાં આવે છે પરંતુ ગરીબ વિસ્તારના નાગરિકો પાણીવેરો ભરતા હોવા છતાં પ્રાથમિક સુવિધા રૂપે પાણી આપવામાં આવતું નથી.દરમિયાન મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને નાગરિકોએ પાણી ન મળતું હોવાની ફરિયાદ કરતા ચીફ ઓફિસરે હું નવો છું મને ખબર નથી તેવો જવાબ આપતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને ચીફ ઓફિસર હે-હાયના નારા લગાવ્યા હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide