મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં ચાર્જશીટની નકલ આપવામાં વિલંબ મામલે વડાપ્રધાન કાર્યાલયને રાવ

0
92
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં પીડિતોના પરિવારજનોએ સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયને ફરિયાદ કરી સમગ્ર કેસમાં કાનૂની લડત માટે ચાર્જશીટની સર્ટિફાઈડ કોપી આપવામાં વિલંબ કરવામાં આવી રહ્યો હોવાની ફરિયાદ કરી છે.ટ્રેજેડી વિક્ટિમ્સ એસોસિએશન મોરબીના અગ્રણીની સહીથી આ પત્ર લખવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

ટ્રેજેડી વિક્ટિમ્સ એસોસિએશન મોરબીના નરેન્દ્રભાઈ નાનજીભાઈ પરમારે વડા પ્રધાન કાર્યાલય, કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ગુજરાતના મુખ્ય પ્રધાનને લેખિત પત્ર પાઠવી જણાવ્યું હતું કે, હાલમાં કેસ નિર્ણાયક તબક્કામાં છે અને મુખ્ય આરોપી જયસુખ પટેલની જામીન અરજીની સુનાવણી હાઇકોર્ટમાં નિર્ણય ઉપર છે તેમ છતાં આ કેસમાં ચાર્જશીટની પ્રમાણિત નકલો અને અન્ય તપાસ દસ્તાવેજો પ્રદાન કરવામાં આવ્યાં નથી.135 નિર્દોષ લોકોનો ભોગ લેનાર આ દુર્ઘટનામાં ઓરેવા ગ્રૂપના એમડી જયસુખ પટેલ અને અન્ય નવ લોક આરોપી છે ત્યારે ચાર્જશીટની ખરી નકલ આપવામાં વિલંબ મામલે સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

એસોસિએશન વતી નરેન્દ્ર પરમારે હસ્તાક્ષર કરેલ PMO ને લખેલા પત્રમાં કેટલાક મજબૂત પ્રભાવશાળી વ્યક્તિઓના ઈશારે આરોપી વ્યક્તિઓના કેસને સરળ બનાવવા અને તેની તરફેણ કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ પણ લગાવી જણાવાયું હતું કે, 22 ઓગસ્ટના રોજ તમામ કેસ પેપરની પ્રમાણિત નકલ મેળવવા માટે મોરબી સેશન્સ કોર્ટમાં અરજી સબમિટ કરી હતી. સામાન્ય રીતે, પ્રમાણિત નકલ આપવામાં 8-10 દિવસનો સમય લાગે છે. પરંતુ હવે 20 દિવસ જેટલો સમય વીતવા છતાં અમને હજુ સુધી દસ્તાવેજો મળ્યા ન હોવાનું જણાવ્યું હતું.બીજી તરફ પીડિત એસોસિએશનનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ ઉત્કર્ષ દવેએ જણાવ્યું હતું કે, “જયસુખ પટેલ સહિતના આરોપીઓની જામીન અરજીઓ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પેન્ડિંગ છે.આ જામીન અરજીના વિરોધમાં કોર્ટને ચાર્જશીટની નકલ ન મળી હોય કાગળોની જરૂરિયાત માટે કોર્ટ સમક્ષ મુદત માંગવામાં આવતા નામદાર કોર્ટે એક્સ્ટેંશન આપ્યું છે પણ જરૂરી કાગળોની પ્રમાણિત નકલો ન મળે ત્યાં સુધી અમે આરોપીની જામીન અરજીનો વિરોધ કરી શકીએ તેમ ન હોવાનું પણ તેમને ઉમેર્યું હતું.

 

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/