[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબીના સમૃદ્ધ ગણાતા એવા રવાપર ગામમાં પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે. છેલ્લા એક અઠવાડિયા જેટલા સમયથી અહીં પાણી ન મળતા સ્થાનિકો રોષભેર સરપંચના ઘરે રજુઆત કરવા દોડી ગયા હતા. જો કે ત્યાંથી રાત્રે 12:30 વાગ્યે પાણી મળી જશે તેવી ધરપત મળતા હવે સ્થાનિકો પાણીની વાટે જાગી રહ્યા છે.
સમગ્ર ઘટના અંગે સ્થાનિક અજયભાઈ કાલરીયાએ જણાવ્યું કે રવાપરમાં રવાપર – ઘુનડા રોડ ઉપરના મધરપાર્ક સોસાયટી સહિતના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા 6થી 7 દિવસથી પાણી આવ્યું નથી. અત્યાર સુધીમાં ફ્લેટ દીઠ રૂ.35 હજારથી વધુનો ખર્ચ પાણીના ટાકા ખરીદવા પાછળ થઈ ગયો છે. એવી વાતો સંભળાતી હતી કે હજુ એક અઠવાડિયુ પાણી આવવાનું નથી. જો આવું થાય તો પાણીના ટાકા પાછળ જ એકાદ લાખનો ખર્ચ થઈ જાય છે. પાણીના ટાંકાના ભાવ પણ દિવસેને દિવસે વધી રહ્યા છે.
જેથી આસપાસના 100થી 150 લોકો એકત્ર થઈને આજે રાત્રે સરપંચના ઘરે રજુઆત કરવા ગયા હતા. અમે લોકોએ રજુઆત કરી હતી કે કા તો વેરો ન લ્યો, કા પાણી આપો. આ સમયે હાજર આગેવાનોએ એવી હૈયાધારણા આપી હતી કે રાત્રે 12:30 વાગ્યે પાણી આવી જશે.
અમે લોકો ગઈકાલે રાત્રે સંપ ખાતે ગયા હતા. જ્યાં એવું જાણવા મળ્યું હતું કે અગાઉ 12 કલાક પાણી આપવામાં આવતું હતું. હાલ 6 કલાક પાણી આપવામાં આવે છે. ત્યારે અમે રજુઆત કરી હતી કે ભલે ઓછું તો ઓછું, પણ પાણી તો આપો. ત્યારે પણ એમ કહેવામાં આવ્યું હતું કે રાત્રે 12 વાગ્યે પાણી આવી જશે. પણ પાણી આવ્યું ન હતું. જેથી સ્થાનિકો આજે સરપંચની ઘરે રજુઆત કરવા ગયા હતા. જો આજે રાત્રે પાણી ન આવે તો હવે આગળ શુ કરવું તે બધા સ્થાનિકો સાથે મળીને નક્કી કરીશું. તેમ સ્થાનિકોએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide