[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : આજે રંગીલા અને મોજીલા મોરબીવાસીઓ પતંગોત્સવની ધમાલ મસ્તી સાથે ઉજવણી કરી રહ્યા છે. સવાર પડતાની સાથે દરેક મકાનની અગાશીઓ ઉપરથી કાયપો છે ની ચીચીયારીની આંધી ઉઠી છે. આખું આકાશ રંગબેરંગી પતંગોથી ઢંકાઈ ગયું છે અને આકાશમાં રીતસરનું પતંગ યુદ્ધ ખેલાઇ રહ્યું છે.
મકરસંક્રાંતિએ દાન પુણ્યનો મહિમા હોવાથી અનેક લોકો દાન પુણ્ય કરીને ઉતરાયણની ઉજવણી કરી રહ્યા છે. મોરબીમાં આજે ઉતરાયણ પર્વ પર દરેક લોકોમાં ભારે આનંદ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. ઉતરાયણ નિમિતે છેલ્લી ઘડી સુધી પતંગ અને દોરીની ખરીદી માટે પડાપડી થઈ હતી અને રાતભર ઠેર-ઠેર કાના બાંધવા સહિતની તૈયારીઓ ચાલી હતી ઉતરાયણે સવાર પડતાની સાથે દરેક મકાનની અગાશીઓ પર પરિવારના લોકો પતંગ દોરો તથા ચીકીઓ, તલ, મમરાના લાડુ,બોર, શેરડી સહીતની તમામ જરૂરી સામગ્રી સાથે ગોઠવાઈ ગયા છે.
મકાનના ધાબા પરથી આકાશમાં પતંગોની ભરમાર જામી છે. જાણે આખું આકાશ પતંગ મય બન્યું હોય તેવો માહોલ સર્જાયો છે. આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું છે.દરેક મકાનની અગાશીઓ ઉપરથી “કાયપો છે” ની નિર્દોષ ધમાલ મસ્તીની છોળો ઉડી રહી છે. આખો દિવસ પેચ લડવાની સાથે તલ, મગફળીની ચીકી, તલ-મમરના લાડુ શેરડી, બોર, જીંજરાની જ્યાફ્ત ઉડી રહી છે. મકરસંક્રાંતિએ દાન પુણ્યનો મહિમા હોવાથી દાનની સરવાણી વહી રહી છે. અનેક ગૌશાળાઓ દ્વારા દાન એકત્ર કરવા માટે સ્ટોલ નાખવામાં આવ્યા છે. જેમાં લોકોએ પોતાની યથાશક્તિ પ્રમાણે દાન કરી પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide