મોરબી : ગઈકાલે મોરબીના કન્યા છાત્રાલય રોડની પાછળ આવેલી પંચવટી સોસાયટીમાં પાણીના પ્રશ્ને ખાલી કુંડીમાં બેસીને ચેતનભાઈ નામના રહેવાસીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આમ છતાં કોઈ નિરાકરણ ન આવતા આજ રોજ સોસાયટીના રહેવાસીઓ મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને રામધૂન બોલાવી વિરોધ કર્યો હતો. રહેવાસીઓએ પાણી આપોની માગ સાથે રામધૂન બોલાવી વિરોધ વ્યક્ત કર્યો હતો.
રહેવાસીઓના જણાવ્યા પ્રમાણે પંચવટી સોસાયટીમાં છેલ્લા 10 વર્ષથી પાણીનો પ્રશ્ન યથાવત છે. રાત્રિના સમયે પાણી આપવામાં આવે છે અને એ પણ ધીમું આવે છે. જેના કારણે રહેવાસીઓ પાણીથી વંચિત રહે છે અને રૂપિયા ખર્ચીને પાણી મંગાવવું પડી રહ્યું છે. છેલ્લા 12 દિવસથી એક ટીપું પણ પાણી ન આવ્યું હોવાનું રહેવાસીઓએ જણાવ્યું છે.
રજૂઆત કરવા આવેલા મહિલાએ જણાવ્યું હતું કે, અમારી સોસાયટીમાં પાણીનો પ્રશ્ન છે. જેના માટે ચેતનભાઈ ખાલી કુંડીમાં બેસીને અન્ન-જળનો ત્યાગ કરી વિરોધ કરી રહ્યા છે. જ્યાં સુધી અમારા પ્રશ્નનું સમાધાન નહીં થાય ત્યાં સુધી અહીંયા બેસીને વિરોધ પ્રદર્શન કરીશું. પાણીના પ્રશ્ને અનેક વખત અરજીઓ પણ કરી છે છતાં નિરાકરણ થયું નથી.
આ અંગે આમ આદમી પાર્ટીના નેતા પંકજભાઈ રાણસરીયાએ જણાવ્યું હતું કે, પંચવટી સોસાયટીના રહીશોએ પાણીના પ્રશ્ન અંગે સૌપ્રથમ અરજી 18-6-2012ના રોજ નગરપાલિકાને કરી હતી. ત્યારબાદ સમયાંતરે મુખ્યમંત્રી, કલેક્ટર, ચીફ ઓફિસર અને કમિશનરને રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં આજદિન સુધી પ્રાણ પ્રશ્ન એવા પાણીના પ્રશ્નનું કોઈ નિરાકરણ લાવવામાં નથી આવ્યું. તેથી આજે મહાનગરપાલિકા કચેરીમાં ઘરણાં કરવામાં આવી રહ્યા છે. જ્યાં સુધી પાણી પ્રશ્ને અધિકારી દ્વારા લેખિત બાહેંધરી નહીં આપવામાં આવે અને ખાલી કુંડીમાં બેસીને વિરોધ કરી રહેલા ચેતનભાઈને પારણા કરાવવામાં નહીં આવે ત્યાં સુધી કચેરીમાં બેસીને અમે વિરોધ પ્રદર્શન ચાલુ રાખીશું અને મહાનગરપાલિકાના દરવાજાને તાળાબંધી પણ કરીશું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide