વરસાદથી માળીયા પંથકમાં ખેડૂતોને નુકશાન, જિલ્લામાં અન્યત્ર ફાયદો

0
8
/

મોરબી : મોરબી શહેર-જિલ્લામાં સતત ચાર દિવસથી પડી રહેલા વરસાદ વચ્ચે ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને જરૂરતના સમયે જ આવેલ વરસાદને કારણે મોરબી, ટંકારા, વાંકાનેર અને હળવદ પંથકના ખેડૂતોના પાકને ફાયદો થયો છે. તો મોરબીના ઘોડાધ્રોઇ ડેમમાંથી છોડવામાં આવેલ પાણીને કારણે માળીયા પંથકના અનેક ગામોમાં પુર્ણા પાણી ફરી વળતા ખેડુતોને વ્યાપક નુકશાન સહન કરવાનો વારો આવ્યો હોવાનું સામે આવ્યું છે.

મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે ખરીફ મોસમમાં 3,08,824 હેક્ટરમાં વાવેતર થયું છે જેમાં સૌથી વધુ કપાસનું 2,08,145 હેક્ટરમાં તેમજ મગફળીનું 72,300 હેક્ટરમાં વાવેતર થયું છે. સમયસર ચોમાસાના આગમન સાથે જરૂરતના સમયે જ વરસાદ આવ્યો હોવાથી મોરબી જિલ્લામાં પાક પાણીનું ચિત્ર ખુબ જ સારું હતું. જો કે, તા.5મી સપ્ટેમ્બરથી શરૂ થયેલા વરસાદી રાઉન્ડ બાદ મોરબી જિલ્લાના માળીયા મિયાણા તાલુકામાં ઘોડાધ્રોઇ ડેમના પાણી ફરી વળતા ખેડૂતોને મોઢે આવેલ કોળિયો છીનવાઈ જાય તેવી સ્થિતિ હાલમાં નિર્માણ થઇ છે. જો કે, અન્ય તાલુકામાં ખેડૂતોને નુકશાન ન હોવાનું સામે આવ્યું છે.
નાનાભેલા ગામમાં ખેતરોમાં ઢીચણ સમા પાણી ભરાયા : ખેડૂત
માળીયા મિયાણા તાલુકાના નાનાભેલા ગામના ખેડૂત ભાવેશભાઈ કાવરે જણાવ્યું હતું કે, સતત ચાર દિવસ વરસાદ પડવાની સાથે ડેમના પાણી ખેતરોમાં ઘુસી જતા હાલમાં મોટાભાગના ખેતરોમાં ઢીચણ સમા પાણી ભરાયા છે અને ખેડૂતોને ઉભા પાકને નુકશાન જવાની સાથે ઉતારા 50 ટકા ઘટી જવાની ભીતિ છે.
ડેમના પાણીને કારણે નુકશાન : રાજેશભાઈ વારેવડીયા
માળીયા મિયાણા તાલુકાના માણાબા ગામના ખેડૂત રાજેશભાઈ જણાવે છે કે, મારે 80 વીઘામાં કપાસનું વાવેતર હતું કપાસ ખુબ જ સારો હતો. જો કે, સારા વરસાદ બાદ ડેમમાંથી પાણી છોડવામાં આવતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને કપાસ પડી ગયા છે જેથી 50 ટકાથી 60 ટકા નુકશાન થવાની શક્યતા છે.
કપાસના જીંડવા બફાઈ ગયા : મુકુંદભાઈ શેરસીયા
મોરબી તાલુકાના ખેવારિયા ગામના ખેડૂત મુકુંદભાઈ શેરસીયા જણાવે છે કે, તેમને ઓણસાલ કપાસનું વાવેતર કર્યું હોય 30 મણથી વધુ ઉતારો આવે તેવો કપાસ ઉભો હતો પરંતુ સતત વરસાદ અને વરસાદ બાદ ડેમના પાણી ફરી વળતા કપાસના જીંડવા બફાઈ ગયા છે જેથી હવે કપાસમાં વીઘે માંડ દસથી પંદર મણ ઉતારો આવે તેવું લાગી રહ્યું છે.
જરૂરતના સમયે જ વરસાદે ફાયદો કરાવ્યો : દયાલજીભાઈ
ટંકારા તાલુકાના હીરાપર ગામના ખેડૂત દયાલજીભાઈ સવસાણીએ જણાવ્યું હતું કે, હાલમાં ઉભા મોલને વરસાદની ખુબ જ જરૂરત હતી તેવા સમયે જ તેમના ગામમાં અને આજુબાજુના ગામોમાં સપ્રમાણ વરસાદ થતા તેમને વાવેલ કપાસ, મગફળી અને હળદરના પાકને સારો એવો ફાયદો થયો છે. જો વધુ વરસાદ પડ્યો હોત તો નુકશાન થાય તેમ હોવાનું તેમને જણાવ્યું હતું.
ગ્રામસેવકો મારફતે સર્વે ચાલુ છે. ખેતીવાડી વિભાગ
મોરબી જિલ્લામાં માળીયા મિયાણા તાલુકામાં ઘોડાધ્રોઇ ડેમના પાણીને કારણે અનેક ગામોના ખેડૂતોને નુકશાન થવા મામલે મોરબી જિલ્લા ખેતીવાડી વિભાગનો સમ્પર્ક કરતા અધિકારી ઝીંઝુવાડિયાએ જણાવ્યું હતું કે,વરસાદથી એકંદરે ફાયદો છે. જો કે, માળીયા મિયાણા તાલુકાના કેટલાક ગામોમાં પૂરના પાણીને કારણે નુકશાન થયું હોવાની જાણકારી બાદ ગ્રામસેવકો પાસેથી રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/