હળવદ : હળવદ પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે કાયમી પાણી નિકાલની જગ્યા ઉપર દબાણ થઈ જવાના કારણે અનેક સ્થળો પર પાણી ભરાયા છે. આવી જ ઘટના હળવદ તાલુકાના નવા અમરાપર ગામે પણ બની હતી. ગામમાં પાણી ભરાઈ જવાના કારણે ગામ જળમગ્ન બન્યું હતું.જેથી હળવદ કોંગ્રેસની ટીમ નવા અમરાપર ગામે પહોંચી તંત્રને જાણ કરી તાત્કાલિક પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરી હતી.
નવા અમરાપર ગ્રામ પંચાયતમાં જ આવતા ગણેશપુરમાં ગામ આખામાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જેથી હળવદ કોંગ્રેસના આગેવાનો અમરાપર ગામે પહોંચ્યા હતા અને મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને જાણ કરી તાત્કાલિક પાણીના નિકાલ માટે જેસીબી મંગાવી પાણીનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરી હતી.
સાથે હળવદ શહેરમાં આવેલ રાણેકપર રોડ પર ચાલી રહેલા રોડના કામને લઈ વરસાદી પાણી ભરાઈ ગયા છે. જેથી આજુબાજુના સોસાયટીના રહીશોને તાત્કાલિક ધોરણે વૈકલ્પિક રસ્તો કરી આપવામાં આવે તેમજ શહેરના ભવાનીનગર વિસ્તારમાં ભરાયેલ વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે તેવી કોંગ્રેસના આગેવાનો દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરાઈ હતી.
અત્રે ઉલ્લેખનીએ છે કે હળવદ કોંગ્રેસ દ્વારા ત્રણ દિવસથી વરસી રહેલ વરસાદને ધ્યાને લઈ શહેરના એક થી સાત નંબર વોર્ડમાં વોર્ડ વાઇઝ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો હતો. સાથે જ શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં પણ લોકોને જરૂર પડે ત્યાં ટીમ હળવદ કોંગ્રેસ સાથે હોવાનું તાલુકા પ્રમુખ મહિપતસિંહ ઝાલા અને શહેર પ્રમુખ ગોપાલભાઈ દોરાલાએ જણાવ્યું હતું.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
