સીરામીક ફેકટરીને પાર્સલ બૉમ્બ આપનાર શખ્સ ઝડપાયો, સાઉથની મુવી જોઈ ટાઇમર બૉમ્બ બનવાનો પ્રયાસ કર્યો હતો

0
59
/

પાર્સલ આપ્યા બાદ સિરામિકના માલિકને મેસેજ કરી બોમથી ઉડાવી દેવાની ધમકીઓ પણ આપી હોવાનું ખુલ્યું : જિલ્લા પોલીસ વડાએ જાહેર કરી બનાવની વિગતો : પરપ્રાંતીય યુવાન પાસે વતન જવાના પૈસા ના હોવાથી સમગ્ર કાવતરું રચ્યાનો ખુલાસો

મોરબી : તાજેતરમા સરતાનપર રોડ ઉપરની સિરામિક ફેક્ટરીમાંથી બૉમ્બ જેવી વસ્તુ મળવાના પ્રકરણમાં પોલીસે મહત્વની વીગતો જાહેર કરી છે. જેમાં આ સમગ્ર કાવતરું એક પરપ્રાંતીય શખ્સનું હોવાનું જણાવવામાં આવ્યું છે. આ શખ્સને પોલીસે પકડી પણ પાડ્યો છે. તેને વતન જવા માટે પૈસાની જરૂરિયાત પૂર્ણ કરવા સાઉથની મુવીમાંથી જોઈને આ બૉમ્બ જેવી ડિવાઇસ તૈયાર કરી તેને ફેકટરીમાં મોકલી માલિકને મેસેજમાં ધમકી પણ આપી હોવાનું ખુલ્યું છે.

વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આવેલ સેટમેક્સ સિરામિક ફેકટરીમાં બૉમ્બ જેવી વસ્તુનું પાર્સલ મળ્યાના પ્રકરણમાં જિલ્લા પોલીસ વડા એસ.આર. ઓડેદરાએ જણાવ્યું છે કે પોલીસની પાંચથી છ ટીમ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી હતી. જેને સફળતા મળી છે. પાર્સલ આપી જનાર જીતેન લોધી રહે. મધ્યપ્રદેશવાળાનું જ સમગ્ર કાવતરું હતું. પોલીસે તેને પકડી પણ પાડેલ છે.

વધુમાં એસપીએ જણાવ્યું કે આ આરોપી થોડા સમય પૂર્વે મોરબી જિલ્લામાં આવ્યો હતો. તેને અલગ અલગ સિરામિક ફેકટરીમાં કામ કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ પોતાના સ્વભાવના કારણે તે શક્ય બન્યું ન હતું. બાદમાં તેને વતન પરત જવા માટે પૈસાની જરૂર પડતા તેને સાઉથની મુવીમાં જોઈને બજારમાંથી અલગ અલગ વસ્તુ લઈને ટાઈમર બૉમ્બ જેવી દેખાતી ડિવાઇસ તૈયાર કરી હતી. ઉપરાંત તેને ફેકટરી માલિકને ડરાવવા માટે વોટ્સએપ ઉપર મેસેજ પણ કર્યા હતા. આ ફેકટરીમાં તેને કોઈ ઓળખતું ન હોય જેથી તેને આ ફેકટરી પસંદ કરી ગુનાને અંજામ આપવાનો પ્રયત્ન કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ મામલે હાલ પોલીસ ફરિયાદ પણ નોંધાઇ ગઈ છે. સેટમેક્સ કારખાનામાં સંચાલક હાર્દિકભાઈ બળવંતભાઈ ઘોડાસરાએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ૯૬૩૮૭૬૮૨૭૯ વાપરનાર વ્યક્તિએ ફરિયાદીના કારખાનાના સિક્યુરીટી ગાર્ડ સાથે એક પ્લાસ્ટિકની થેલીમાં સફેદ કલરના બોક્ષમાં બોમ્બ જેવી વસ્તુ મોકલી ફરિયાદી હાર્દિકભાઈ તથા તેની ફેમીલી અને કારખાનાને ઉડાવી દેવાની મોબાઈલ ફોનમાં ધમકી આપી હતી.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/