સિવિલની બેદરકારી : સમયસર ઓક્સીજનના બાટલા ન બદલાતા એક જ રાતમાં 5થી વધારે મોત

0
276
/
દિવસ દરમિયાન અધિકારીઓની હાજરીમાં હમ સાથ સાથ હેનું પિક્ચર બતાવ્યા બાદ રાત્રે દર્દીઓને ભગવાન ભરોષે મૂકી દેવામાં આવતા હોવાના આરોપ : રાત્રીના દર્દીઓના પરિવારજને સતત દર્દીની સાથે જ રહેવું પડે છે
હોસ્પિટલમાં હાલ સતત કણસતા અવાજે દર્દીઓની ચીસો સંભળાય છે “બાટલો બદલાવો”, સવારે આ ચીસોથી કંટાળી સ્ટાફ બાટલો બદલાવી દયે છે પણ રાત્રીના દર્દીઓને મરવા છોડી દેવાય છે
હાલ મોતનું તાંડવ શરૂ થયું ત્યારે દર્દીઓના પરિવારજનોએ હોબાળો મચાવ્યો : સિવિલના અધિકારીએ નફટાઈથી કહ્યું “સ્ટાફ નથી શુ કરૂ હું”

મોરબી : હાલ મોરબીમાં કોરોનાના કપરાકાળ વચ્ચે પણ તંત્ર પોતાની લાપરવાહી ભુલ્યું નથી. આ લાપરવાહી છુપાવવામાં તંત્ર ભલે ગમે તેટલા મરણીયા પ્રયાસો કરી લ્યે પણ કુદરત તેને ઉજાગર કરીને જ જંપે છે. મોરબી સિવિલમાં ગત રાત્રે તંત્રની લાપરવાહીથી મોતનું તાંડવ ખેલાઈ ગયું હતું. જેને દર્દીઓના પરિવાજનોએ જાહેર કરી દીધું છે. હાલ તો દર્દીના પરિવાજનો દર્દીના મોતને તંત્રએ કરેલી હત્યા ગણાવી રહ્યા છે.

મોરબી સિવિલ હોસ્પિટલમાં કોવિડ સેન્ટર ચાલુ છે. જ્યાં બેડ સહિતની સુવિધા વધારવા તંત્ર ઘણા દિવસોથી મથે છે પણ હજુ સુધી કોઈ સુવિધા વધારવામાં તંત્ર સફળ રહ્યું નથી. જો કે ગત રાતે જે ઘટના ઘટી છે તેના પરથી તો એવું લાગી રહ્યું છે કે તંત્ર સુવિધા વધારે તેના બદલે હાલ જે સુવિધા છે તેના પર પૂરતું ધ્યાન આપે તે જ પ્રજા માટે હિતાવહ છે. ગત રાત્રીના ઘટેલી ઘટનાની વાત કરીએ તો આ ઘટનાના સાક્ષી એવા કોવિડ હોસ્પિટલમાં દાખલ કોરોના પેશન્ટના પુત્ર ભવાનીસિંહ અશોકસિંહ ઠાકોરે જણાવ્યું કે તેઓના પિતા સહિતના દર્દીઓને મેઈન્ટેનન્સના કારણે અલગ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

જ્યાં સુધી તેઓના પિતા જુના વોર્ડમાં હતા ત્યાં સુધી તેઓની તબિયત સારી હતી. પણ હા દરેક દર્દીઓએ કણસતા અવાજે અહીંના સ્ટાફને બુમો પાડવી પડે છે કે બાટલો બદલાવો. ત્યારબાદ સ્ટાફ મોડો મોડો આવી ઓક્સીજનના બાટલા બદલાવે છે. સવારે 8થી રાતના 8 સુધી અહીં સ્ટાફ હોય છે. કલેક્ટર સહિતના અધિકારીઓ બેઠકોનો દોર ચલાવે છે ને એમને દેખાડવા પૂરતી વ્યવસ્થા પણ ગોઠવાઈ છે. પણ રાતના 8 વાગ્યા બાદ અહીં કોઈ સ્ટાફ હોતો નથી.

ગત રાત્રે તેઓના પિતાને નવા વોર્ડમાં લઈ ગયા હતા. જ્યાં તેમના પિતા સહિત ઘણા દર્દીઓના ઓકિસજનના બાટલા પુરા થઈ ગયા હતા. આ વેળાએ કોઈ સ્ટાફ હાજર ન હોય દર્દીના પરિવાજનોએ ભારે રોષ સાથે હોબાળો મચાવ્યો હતો. જેથી અહીંના સરડવા સાહેબે એવું કહ્યું હતું કે હું શું કરૂ અહીં સ્ટાફ જ નથી. તેઓએ એવું કહ્યું કે હું પણ કામે લાગી જાવ છું. તમે પણ મદદ કરો. દર્દીના પરિવારજનો પણ આ માટે મદદમાં લાગી ગયા હતા. પણ તે 20 મિનિટના સમયમાં તો 5થી વધુ લોકોના ઓકિસજન ન મળવાથી મોત નિપજી ગયા હતા.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/