મુંજકા પોલીસ સ્ટેશનની કોન્સ્ટેબલ અનિતા વાઘેલા રૂ.1 હજારની લાંચ લેતા રંગેહાથ પકડાઇ

0
5
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

હાલ રાજકોટ શહેર પોલીસમાં કેટલાક કર્મચારીઓ નાણાં સિવાય કામ કરતા નથી તેવી અનેક ફરિયાદો ઊઠી હતી અને આ બાબતે પોલીસ અધિકારીઓ હંમેશા સ્ટાફનો બચાવ કરતા જોવા મળ્યા હતા ત્યારે સોમવારે એસીબીની ટીમે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં મહિલા કોન્સ્ટેબલને રૂ.1 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી લઇ અધિકારીઓનો બચાવ લૂલો હોવાનું સાબિત કરી દીધું હતું. ચોરાઉ મોબાઇલ પરત આપવાના બદલામાં મહિલા કોન્સ્ટેબલે રૂ.1 હજારની લાંચ માગી અને સ્વીકારી હતી.

શહેરના યુનિવર્સિટી વિસ્તારમાં રહેતા એક યુવકના મોબાઇલ ફોનની અગાઉ ચોરી થઇ હતી અને યુવકે આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ચોરાઉ ફોન પોલીસે શોધી કાઢ્યો હતો અને આ ફોન મૂળ માલિકને સોંપવાની કાર્યવાહી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના સાયબર ક્રાઇમ વિભાગમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ અનિતા ઇશ્વરભાઇ વાઘેલાએ શરૂ કરી હતી. મહિલા કોન્સ્ટેબલે મોબાઇલ માલિકને ફોન કરી તેમનો ફોન મળી ગયાનું કહી તેમને રૂબરૂ બોલાવ્યા હતા. મોબાઇલ માલિક યુવક પોલીસ સ્ટેશને ગયો ત્યારે મહિલા કોન્સ્ટેબલે મોબાઇલ પરત જોઇતો હોય તો રૂ.1 હજાર આપવા પડશે તેમ કહી લાંચ માગી હતી અને બે દિવસ પછી મોબાઇલ લેવા આવો ત્યારે પૈસા આપજો તેવું નક્કી થયું હતું. યુવક લાંચ આપવા ઇચ્છતો ન હોય તેણે આ અંગે રાજકોટ એસીબીમાં જાણ કરતાં રાજકોટ એકમ એસીબીના ઇન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ.ગોહિલના માર્ગદર્શન હેઠળ છટકું ગોઠવવામાં આવ્યું હતું.

નક્કી થયા મુજબ સોમવારે યુવક મોબાઇલ લેવા માટે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના સાયબર ક્રાઇમ રૂમમાં ગયો હતો અને ત્યાં ફરજ પર રહેલા કોન્સ્ટેબલ અનિતા વાઘેલાને લાંચના રૂ.1 હજાર આપ્યા હતા. અનિતા વાઘેલાએ લાંચની રકમ હાથમાં સ્વીકારી તે સાથે જ એસીબીની ટીમ ત્યાં પહોંચી ગઇ હતી અને અનિતાને ઝડપી લીધી હતી. મહિલા કોન્સ્ટેબલ પોલીસ મથકમાં જ લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ જતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં સોપો પડી ગયો હતો. લાંચની રકમમાંથી અન્ય કોઇને હિસ્સો આપવાનો હતો?, આવા કામમાં અગાઉ કોઇ પાસેથી લાંચ લીધી હતી? તે સહિતના મુદ્દે એસીબીએ અનિતાની પૂછપરછ શરૂ કરી હતી તેમજ કોન્સ્ટેબલ અનિતાના ઘરે પણ એસીબીની એક ટીમે તપાસ શરૂ કરી હતી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/