રાજકોટની બજારનું 50 દિવસનું સરવૈયું શહેરમાં 17000 કરોડના વ્યવહારો ઠપ થતાં હવે માઠી દશા
રાજકોટ તા.22
રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી બજારોમાં ધીમે ધીમે ધમધમાટ શરૂ થયું છે. હજુ જોઈએ તેવી રોનક વેપારીઓના ચહેરા ઉપર જોવા મળતી નથી. ત્યારે રાજકોટ શહેરના અર્થશાસ્ત્રી નિર્મળ નથવાણીએ શહેરની તમામ બજારોનું 50 દિવસનું સરવૈયું કાઢતા જણાવ્યું હતું કે રાજકોટમાં છેલ્લા 50 દિવસથી તમામ વેપાર ધંધા બંધ રહેતા 17 હજાર કરોડનો વેપાર ઠપ્પ થઈ ગયો છે. તેના કારણે એક અંદાજ મુજબ રાજકોટ બે વર્ષ પાછળ ધકેલાઈ ગયું છે. તે ઉપરાંત શહેરની ગાડી પૂરપાટ ઝડપે દોડતા હજુ 3થી 4 વર્ષનો સમય લાગશે. દિવાળી પછી મંદીમાં વધારો જોવા મળશે. કોરાનાએ દેશની અર્થ વ્યવસ્થા વેરવિખેર કરી નાખતા ભારત દેશને સરભર કરતા 6 વર્ષનો, સમય લાગી શકે છે, કોરોનાના કારણે સૌથી વધુ નુકશાન સોની બજાર, કંસારા બજાર, પરા બજાર, ધર્મેન્દ્ર રોડની કાપડ બજારો વધારે ગયું છે. જયારે રાજકોટમાં ઉદ્યોગો ઉત્પાદન કરતા ઉદ્યોગોને છેલ્લા 50 દિવસમાં 2 હજાર કરોડનું વ્યવહાર ઠપ્પ થયો છે. પાન ફાકી, ઠંડા પીણા, આઈસ્ક્રીમ પાર્લર, ઓટોમોબાઈલ પાર્ટસ, ઘડીયાળ, ઈલેકટ્રોનીક આઈટમોને બજારોની હાલત અતિ ખરાબ હોવાનું પણ જણાવ્યું હતું.
હજુ ઉદ્યોગોમાં ધમધમાટ શરૂ પણ સપ્લાય ‘ચેઇન’ તૂટી
રાજકોટ જિલ્લામાં ઉદ્યોગોમાં ધીરે ધીરે ધમધમાટ શરૂ થઇ રહ્યો છે. પરંતુ મોટા-ભાગના કારીગરો પોતાના વતન તરફ કૂચ કરી જતાં અનેક ઉદ્યોગોમાં ઓછા
સ્ટાફે કામ ચાલી રહ્યું છે. અને સપ્લાય ‘ચેઇન’ તૂટી જતાં હજુ ઉદ્યોગોની ગાડી ગાડી પાટે ચડતા સમય લાગશે તેમ જાણકારોએ જણાવ્યું હતું.
સોનીબજારનો ‘પિકઅપ’ સમય હતો એટલે આંકડો વધુ આવ્યો
અર્થશાસ્ત્રી નિર્મળ નથવાણીએ જણાવ્યું હતું કે છેલ્લા બે મહિનાથી રાજકોટ સંપૂર્ણ લોકડાઉન છે ત્યારે આ બે માસના સોનીબજારનો ‘પીકઅપ’ ટાઈમ હતો. લગ્ન સીઝનમાં ખરીદી વધુ થતી હોય છે. આ સમયગાળા દરમ્ન અંદાજે રાજકોટમાં 300 સોનીની દુકાનમાંથી 100 તોલા રોજનું સોનુ વેચાય તો 50 દિવસમાં 7500 કરોડનો કારોબાર ઠપ્પ થયો છે.
ડોક્ટર, સી.એ., એડવોકેટને રૂા.5 કરોડથી વધુનું નુકસાન
રાજકોટમાં ક્લિનિક, સીએ અને એડવોકેટનો બે મહિનાથી ધંધો બંધ રહેતા અને એક
અંદાજ મુજબ
50 દિવસમાં રૂપિયા પાંચ કરોડથી વધુનુ નુકશાન
થયું છે. અનેક લોકોએ ઓનલાઈન કામ કર્યું હોવાથી રૂપિયા પાંચ કરોડથી વધુ નુકસાન થયું હોવાનું જણાવવામાં આવ્યું છે.
કરિયાણા-દૂધ-અનાજમાં 50 દિવસમાં તેજી આવી
શહેરમાં બે મહિના રહેલ લોકડાઉનમાં અનાજ-કરિયાણા અને દૂધના ધંધામાં તેજી આવી હોવાનું જણાવ્યું હતું. બજારમાં માલ ખાલી થઈ જવાની બીકે લોકોએ ત્રણથી ચાર મહિનાનું કરિયાણું અને અનાજનો સ્ટોક કરી લીધો હોવાના કારણે આ બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.
સંપૂર્ણ લોકડાઉન નહીં ખૂલે ત્યાં સુધી માહોલ ખરાબ રહેશે
રાજકોટમાં હજુ 31મી મે સુધીનું લોકડાઉન છે. કોરોનાની મહામારીને લીધે બે મહિનાથી લોકડાઉનને લીધે બજારો તેમજ ટ્રાન્સપોર્ટેશન સંપૂર્ણ ઠપ થઇ ગયા છે. હવે લોકડાઉન હળવું થયું છે પરંતુ વેપાર-ધંધામાં માલની સપ્લાય પૂરતી નહીં મળતા અનેક વેપારીઓએ હજુ દુકાન ખોલી નથી. જયાં સુધી લોકડાઉન સંપૂર્ણ નહીં ખૂલે અને ટ્રાન્સપોર્ટેશન પૂર્વવત નહીં થાય ત્યાં સુધી બજારોમાં ખરાબ માહોલ જોવા મળશે.
2020માં તમામ ‘તહેવારો’ ફિક્કા જ રહેશે
2020માં આવી રહેલા તહેવારોમાં ગણેશ મહોત્સવ, જન્માષ્ટમી, નવરાત્રી, દિવાળી જેવા મોટા તહેવારો આવી રહ્યા છે. પરંતુ જાણકારોએ આવેલી માહિતી મુજબ કોરોનાનો કહેર 2020 સુધી રહેવાનો હોવાથી ઉત્સવ પ્રિય રાજકોટમાં મોટાભાગનાં તહેવારો દર વર્ષની જેમ ઉજવણી થઇ શકશે નહીં ફિક્કા રહેવાની સંભાવના છે.
56 દિવસમાં ક્યા ધંધામાં કેટલું નુકસાન
વેપાર-ધંધા નુકસાન
વાહનોની બેટરી 10 કરોડ
ચશ્મા 05 કરોડ
ઈલેકટ્રોનિક આઈટમ 75 કરોડ
કટરે 12 કરોડ
પેટ્રોલ-ડીઝલ 500 કરોડ
ઘડીયાળ 05 કરોડ
વાસણો 10 કરોડ
એન્જીનીયરીંગ 30 કરોડ
ઓટોમોબાઈલ પાર્ટસ 125 કરોડ
વાહન સર્વિસ રીપેરીંગ 06 કરોડ
ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ 25 કરોડ
ટ્રાવેલ્સ ઉદ્યોગ 20 કરોડ
ઝેરોક્ષ સ્ટેશનરી 15 કરોડ
ખાણી-પીણીની લારી 50 કરોડ
રેસ્ટોરન્ટ 25 કરોડ
ફરસાણ 240 કરોડ
મીઠાઈ 375 કરોડ
આઈસ્ક્રીમ-જયુસ-ગોલા 200 કરોડ
મોબાઈલ 100 કરોડ
મોબાઈલ રિપેરિંગ 25 કરોડ
કપડા 120 કરોડ
ચંપલ-બૂટ મોજા 75 કરોડ
નવા વાહનોનું વેચાણ 300 કરોડ
ચાની દુકાન-થડા 25 કરોડ
પાન-ફાકી ઠંડાપીણા 375 કરોડ
સોનુ-ચાંદી 7500 કરોડ
*આંકડા રૂપિયામાં
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide