મોરબી : મુખ્યમંત્રી આવતીકાલે બુધવારે મોરબીની મુલાકાતે આવી રહ્યા છે. તેને એક દિવસ પૂર્વે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ યોજીને નગરપાલિકામાં ભાજપના સાશનમાં બેફામ ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો કર્યા છે. કોંગ્રેસે 45(ડી) હેઠળના કામોમાં અંદાજે રૂ.4 કરોડનો ભ્રષ્ટાચાર થયાની શંકા વ્યક્ત કરી છે. બીજી બાજુ કોંગ્રેસે મોરબીના પ્રાણ પ્રશ્ને મુખ્યમંત્રીને રજુઆત કરવા સમય માંગ્યો છે. સાથે ધારાસભ્યને ચેલેન્જ આપી છે કે હિંમત હોય તો અમને મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવા લઈ જાવો.
શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે મોરબી નગરપાલિકા હતી ત્યારે ભાજપના 52 સભ્ય હતા. આ સમયે ભ્રષ્ટાચારની ભીતિ હતી એટલે અનેક વખત રજૂઆતો કરી કાર્યક્રમો કર્યા છતાં કોઈ માહિતી આપવામાં આવતી ન હતી. અમે જે આરટીઆઈ કરી તેની માહિતી આપવામાં આવી છે. તે માહિતીનો અભ્યાસ કરતા એવું લાગી રહ્યું છે કે ભાજપના સાશનમાં એક-બે લાખ નહિ પણ કરોડોનો ભ્રષ્ટાચાર થયો છે.
જે કામ સાવ મામુલી ખર્ચે થઈ શકતું હતું તેનો ખર્ચ લાખો અને કરોડો દેખાડવામાં આવ્યો છે. સૌપ્રથમ જોઈએ તો નગરપાલિકાના હદમાં આવેલા નહેરુગેટના લાઇટિંગનું કામ રૂ.25,01,257ના ખર્ચે કરાવવામાં આવ્યું છે. આ કામ રૂ. 5થી 7 લાખમાં થઈ શકે તેમ હતું. આમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. મોરબીમાં નંદીઘર બનાવવામાં આવ્યું ત્યારે કાંતિલાલ અમૃતિયાએ જાહેરમાં નિવેદન આપ્યું હતું કે આ નંદીઘરમાં ભ્રષ્ટાચાર થયો છે તિજોરી ખાલી કરી નાખી છે.આની માહિતી ધારાસભ્ય પાસે ન હોય તો હું આપું છું. નંદીઘરમાં પોર્ટેબલ કેબિન મંગાવવામાં આવી હતી. તે 4 કેબિનનો ખર્ચ રૂ.39 લાખ દર્શાવવામાં આવ્યો છે. જે કન્ટેનર કેબિન રૂ. 3થી 4 લાખમાં મળી શકે છે. આમાં પણ ભ્રષ્ટાચાર થયો હોય તેવું લાગી રહ્યું છે. ઉમિયા સર્કલે રાષ્ટ્ર ધ્વજ લગાવવામાં આવ્યો છે. તેમાં રૂ.10,61,758નો ખર્ચ કરવામાં આવ્યો છે. નગરપાલિકા કચેરીને અને ચીફ ઓફિસરના ક્વાર્ટરમાં ફર્નિચરનું કામ રૂ.8,02,819 અને 3,15,000નું કરાવવામાં આવ્યું છે.
નંદીઘરમાં પશુઓની સુરક્ષા માટે જે શેડ બનાવવામાં આવ્યો છે. એ શેડનો ખર્ચ રૂ.48,97,967નો દેખાડવામાં આવ્યો છે. વોર્ડ નં.13ની અંદર ભૂગર્ભ ગટર માટે 9 મેઈન હોલ બનાવવામાં આવ્યા છે. તેનો ખર્ચ રૂ.16,97,357 નગરપાલિકાએ બતાવ્યો છે. આટલો ખર્ચ હકીકતમાં ન થાય. આ બધા કામો 45(ડી)હેઠળ કામો કરવામાં આવ્યો છે. ખરેખર 45 (ડી) હેઠળ શહેરમાં આવેલી ઇમરજન્સી માટે પૈસા વાપરવામાં આવે છે.સભાધીશોએ ઇમરજન્સીની બદલે અન્ય કામોમાં રૂ. 7,45,88,827 વાપર્યા છે. રૂ.7 કરોડથી વધુનો ખર્ચ બતાવવામાં આવ્યો છે પણ આ કામો રૂ. 2થી 3 કરોડમાં થઈ જાય. રૂ. 4 કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાનું લાગી રહ્યું છે. આગામી દિવસોમાં અમે કમિશનરને મળીશું. આની સમિતિ બનાવવામાં આવે અને જવાબદારો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરીશું.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ જણાવ્યુ કે આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મોરબીની મુલાકાતે આવે છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા મોરબીના પ્રશ્નોને લઈ અને રજૂઆત માટે મુખ્યમંત્રીનો સમય માંગવામાં આવ્યો છે. મોરબીમાં પોલીસનો કોઈ પણ ડર નથી. વિદેશી દારૂ, દેશી દારૂ, ડ્રગ્સ બેફામ વેચાય છે. ભુમાફિયાઓ બેફામ થયા છે. 30 આરોગ્ય સેન્ટર છે. ત્યાં અપૂરતા ડોકટર છે. મોરબીને નવો જિલ્લો જાહેર કર્યો ત્યારે રાજ્ય સરકાર દ્વારા જે મહેકમ આપવામાં આવ્યું તે ભરવામાં આવ્યું નથી. આરટીઓ ઓફિસમાં બેફામ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. તમામ વિભાગોમાં ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. સ્થાનિક ધારાસભ્ય મુખ્યમંત્રીને રજુઆત નથી કરી શકતા તેથી જનપ્રતિનિધિ તરીકે કોંગ્રેસ પાર્ટી મુખ્યમંત્રીને પ્રાણ પ્રશ્નો અંગે રજુઆત કરશે. મુખ્યમંત્રીને મળવાના પ્રયત્નો કરીશું. સ્થાનિક ધારાસભ્યને ચેલેન્જ આપીએ છીએ કે જો તમારામાં હિંમત હોય તો કોંગ્રેસના આગેવાનોને સાથે રાખીને રજુઆત તમારા વતી કરવા દયો. સોશિયલ મીડિયામાં તમે વિકાસની વાતો કરો છો.પણ મોરબીની જે સ્થિતિ 25 વર્ષ પહેલાં હતી આજે પણ એ જ સ્થિતિ છે. માત્ર લોકોને ગુમરાહ કરવાનું બંધ કરો. લોકોના કામ કરો.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide