મંથર ગતિએ ચાલતું ભૂગર્ભ ગટરનું કામ સત્વરે પૂરું કરવાની સ્થાનિકોની માંગણી:
મોરબી: ચોમાસા પૂર્વે થતી પ્રિમોન્સૂન કામગીરી માટેની તૈયારીઓની બ્લૂપ્રિન્ટ બની તેને એક પખવાડિયા કરતાં વધુ સમય થઇ ગયો. હવે ચોમાસુ ઢૂંકડું છે ત્યારે હજુ પણ મોરબી પાલિકાની ઢીલી નીતિને કારણે ઠેકઠેકાણે ભૂગર્ભ ગટરના કામો અધૂરા લટકેલા પડ્યા છે. એવામાં અવની ચોકડીએ લાઈન લિકેજને કારણે પાણીની રેલમછેલ થઈ રહી છે.
છેલ્લા દોઢ દશકથી મોરબીમાં ચોમાસા દરમ્યાન પાણી ભરાવવાની સમસ્યા દર વર્ષે બદથી બદતર બનતી આવી છે. બે ત્રણ ઇંચ વરસાદમાં મોરબીના મોટાભાગના વિસ્તારો બેટમાં ફેરવાઈ જાય છે. ભૂગર્ભ ગટર જામ થઈ જવાની સમસ્યા તો આખા વરસ દરમ્યાન ઊભીને ઉભી જ હોય છે ત્યારે હાલમાં અવની ચોકડીએ છેલ્લા 15 દિવસથી લીકેજ થયેલી પાણીની લાઈન રીપેર થઈ નથી. સેંકડો લીટર પાણી રોજ વેડફાઈ રહ્યું છે. રાહદારીઓ અને વાહનચાલકોને અહીંથી પસાર થવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભૂગર્ભ ગટરના કામ માટે 15 દિવસોથી સિમેન્ટના પાઇપો આવેલા હોવા છતાં કોન્ટ્રાકટરની અણઘડ કાર્યશૈલીને કારણે કામ હજુ પૂરું થયું નથી. એક તરફ ચોમાસુ હવે ગણતરીના દિવસોમાં જ આવી રહ્યું છે ત્યારે ઉપરોક્ત સ્થળે ચાલતું કામ સત્વરે પૂરું થાય એવી માંગણી સ્થાનિકો કરી રહ્યા છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide