માળીયા મી. : આજે સતત વરસી રહેલા વરસાદ અને ઉપરવાસથી નદીઓમાં છોડવામાં આવતા પાણીને કારણે માળીયા મી. તાલુકાનું હરિપર, ફતેપર સહિતના અનેક ગામ બેટમાં ફેરવાઈ ગયા છે.
ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે ઉપરવાસના વરસાદને લઈને અલગ અલગ ડેમોના દરવાજા ખોલાતા પાણીનો પ્રવાહ હરિપર ગામમાં ઘુસી આવતા સ્થળ ત્યાં જળની સ્થિતિ ઉદભવી છે. ગામના દરેક મકાનોમાં પાણી ફરી વળતા લોકોની ઘરવખરી નાશ પામી છે કે નુકશાની થઈ છે. પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે હાલ તો હરિપર ગામ બેટમાં ફેરવાયું હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગ્રામીણો જીવ બચાવવા માટે પોતાના ઘરબાર, રાચરચીલું છોડી ઊંચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર કરવા વિવશ બન્યા છે ત્યારે તંત્ર આ ગામને ઉગારે એવી ગુહાર ગ્રામજનો લગાવી રહ્યા છે.
આ ગામ ઉપરાંત માળીયા મી.નું વીર વિદરકા ગામ પાણી વચ્ચે ઘેરાઈ જતા સંપર્ક વિહોણું બન્યું છે. વિર વિદરકા ગામ નજીક આવેલ નેશનલ હાઇવે પર પહોંચવા માટેનું નાળુ મચ્છુના ધસમસતા પ્રવાહમાં તૂટી ગયું છે. આ અંગે ગ્રામીણોએ મામલતદારને અવગત કરાવ્યા છે. નદીઓ ગાંડીતુર થઈને બે કાંઠા તોડી વહેવા લાગતા ખેતરો જળમગ્ન બની ગયા છે. ખેતરોમાં ફરી વળેલા પાણીથી જગતતાતની મહેનત પર અને ભવિષ્યની ઉજળી આશાઓ પર પણ પાણી ફરી વળ્યું છે. ઉભો પાક પાણીમાં ગરકાવ થઈ જતા આ પરિસ્થિતિને ખેડૂત વિવશતાભરી નજરે જોવા સિવાય કશુ કરી શકે એવી સ્થિતિ નથી. ગામની ચોતરફ પાણી ફરી વળતા ગ્રામીણોનું આવાગમન અટકી ગયેલ છે.
હરિપરની સાથોસાથ અંજીયાસર, વીર વિદરકા સહિતના ગામો પણ પૂરગ્રસ્ત બન્યા છે. કચ્છ હાઇવે સ્થિત આરામ હોટલ પાસે ત્રણ-ચાર ફૂટ પાણી ફરી વળતા કચ્છ તરફનો વાહનવ્યવહાર ખોરવાયો છે.
જો માળીયા મી.ની છેલ્લી સ્થિતિ પર નજર કરીએ તો, માળીયા મી.ના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતા લોકોને સલામત સ્થળે ખસેડાઇ રહ્યા છે. જ્યારે આમરણ ચોવીસીના ઝીંઝુડા, માળીયાના ખીરસરા, બોડકી ગામનો સંપર્ક કપાઈ ગયો છે. તંત્ર આ તમામ વિસ્તારોમાં જલ્દીથી જલ્દી રાહત પહોંચાડે અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરે એવી સ્થાનિકો માંગણી કરી રહેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide