પોલીસની ઢીલી નીતિ સામે વેપારીઓમાં ભારે રોષ : જરૂર પડયે હળવદ બંધનું એલાન આપવા તૈયારી
હળવદ : હાલ હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારી પાસેથી અગાઉ 90 લાખની ખંડણી માંગનાર ખંડણીખોર દ્વારા વેપારીને જાહેર રસ્તા ઉપર આંતરી અપહરણ અને જાનથી મારી નાખવાની ધમકી આપવાની ઘટનામાં અગાઉ હળવદ યાર્ડના વેપારીઓ દ્વારા હડતાળ ઉપર ઉતરી જતા પોલીસ દ્વારા આરોપીને ઝડપી લેવા માટે 25 ડિસેમ્બર સુધીનો સમય માંગતા હડતાળ સમેટાઈ હતી પરંતુ આજદિન સુધી આરોપી ન ઝડપાતા આજે યાર્ડના વેપારીઓએ ચેરમેનને આવેદન પાઠવી સોમવારથી અચોક્કસ મુદત માટે યાર્ડ બંધ કરવાની સાથે જરૂર પડયે હળવદ બંધની ચીમકી આપતા ચકચાર જાગી છે.
પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારીઓ દ્વારા યાર્ડના ચેરમનેને લેખિત આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે, યાર્ડના વેપારી પાસે ખંડણી માંગનાર આરોપીને ઝડપી લેવા માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા અગાઉ 25 ડિસેમ્બર સુધીનો સમય માંગતા હડતાળ સમેટી લેવાય હતી. પરંતુ હજુ સુધી આરોપીને પકડવામાં ન આવતા આગામી સોમવારથી હળવદ યાર્ડના વેપારીઓ અચોક્કસ મુદત સુધી યાર્ડમાં પોતાના ધંધા રોજગાર બંધ રાખશે અને આરોપીને પાસા તળે જેલભેગો કરાયા બાદ જ પુનઃ ધંધા શરૂ કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે હળવદમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા છે અને છાસવારે આવા ખંડણીના બનાવો બની રહ્યા છે ત્યારે જો હવે પોલીસ નક્કર કાર્યવાહી નહિ કરે તો યાર્ડની સાથે સાથે હળવદ બંધનું એલાન આપવા પણ વેપારીઓ દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide