ધ્રાંગધ્રાના સોલડી ગામના માથાભારે વ્યાજખોર વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં અરજી બાદ ફરિયાદ નોંધાઈ
હળવદ : હાલ મોરબી જિલ્લામાં વ્યાજખોરોને પોલીસની બીક રહી ન હોય તેમ રોજબરોજ ચામડાતોડ વ્યાજ વસૂલવાના એક પછી એક બનાવો સામે આવી રહ્યા છે ત્યારે હળવદના યુવાને કટકે, કટકે લીધેલા રૂપિયા 42 લાખના રૂપિયા 83 લાખ સોના-ચાંદીના દાગીના અને ખેતીની જમીન વેચી ચૂકવી આપ્યા હોવા છતાં ધ્રાંગધ્રાના સોલડી ગામના મફા નામના શખ્સ દ્વારા પઠાણી ઉઘરાણી કરી હજુ પણ 53 લાખ આપવા અન્યથા મારી નાખવાની ધમકી અપાતા વ્યાજંકવાદીના ત્રાસથી કંટાળેલા યુવાને હળવદ પોલીસને અરજી કરતા પોલીસે અરજી ઉપરથી ગુન્હો નોંધ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ હળવદના કુંભાર દરવાજા પાછળ રામાપીરના મંદિર પાસે રહેતા સંજયભાઈ એમ.ભરવાડે હળવદ પોલીસ મથકમાં ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામે રહેતા મફાભાઇ ખોડાભાઈ મેવાડા અને ખીમીબેન મફાભાઇ મેવાડા વિરુદ્ધ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી માનસિક-શારીરિક ત્રાસ આપવા અંગે ફરિયાદ અરજી આપી છે જેમાં જણાવ્યું છે કે ઉપરોક્ત બન્ને તેઓના સંબંધી હોય વર્ષ 2009માં ખેતીકામ માટે નાણાકીય જરૂરિયાત ઉભી થતા રૂપિયા સાત લાખ ત્રણ ટકા વ્યાજે તેમની પાસેથી લીધા હતા.ત્યાર બાદ ફરી નાણાંની જરૂરત પડતા ટુકડે-ટુકડે 24 લાખની રકમ લીધી હતી.
બાદમાં ફરિયાદી સંજયભાઈ ભરવાડે સોના-ચાંદીના દાગીના અને તેમના માતાના નામે આવેલી જમીન વેચીને નવ વર્ષ પૂર્વે 13 લાખ રોકડા ત્યાર બાદ સાત લાખ અને ફરી સાત લાખ એમ કુલ મળીને કટકે કટકે રૂપિયા 41 લાખ ચૂકવી દેવા છતાં આરોપી મફાભાઇ અને તેમના પત્ની તરફથી ઉઘરાણી કરવાનું ચાલુ રાખી માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.
વધુમાં વ્યાજખોરીના વિષચક્રમાં ફસાયેલા સંજયભાઈ ભરવાડે વ્યાજખોર મફાભાઈના ત્રાસથી કંટાળી હવે તમારે કેટલા રૂપિયા લેવાના નીકળે છે એ કહો એટલે હિસાબ પૂરો થી જાય તેમ કહેતા માફાભાઈએ વધુ 42 લાખ આપવા પડશે તેમ કહેતા સંજયભાઇએ રાયસંગપર ગામે આવેલી તેમના માતાના નામની જમીન વેકીને 42 લાખ રૂપિયા ચૂકવી આપ્યા હતા અને કુલ મળી 24 લાખના બદલામાં 83 લાખ ચૂકવી આપવા છતાં વ્યાજંકવાદી મફાભાઈએ હજુ 14 લાખ આપવા પડશે કહી વધુ 53 લાખ 96 હજારનો મનઘડંત હિસાબ ઉભો કરતા સંજયભાઇએ ફરી પાછા રૂપિયા 5 લાખ ચૂકવી આપ્યા હતા.
આમ વ્યાજનું વ્યાજ અને એના ઉપર પણ ચક્ર્વૃદ્ધિ વ્યાજ વસુલવાની મફાભાઈની ધમકીઓ બાદ છેલ્લે ચારેક દિવસ પહેલા સંજયભાઈના ઘેર આવી માફાભાઈએ બાકીના રૂપિયા નહીં આપે તો હવે જાનથી મારી નાખવો પડશે તેવી ધમકી આપતા સંજયભાઇએ હળવદ પોલીસ મથકમાં અરજીરૂપે ફરિયાદ કરી પોતાને આત્મહત્યા કરવી પડે તેવી સ્થિતિ હોય મફાભાઇ ખોડાભાઈ મેવાડા અને ખીમીબેન મફાભાઇ મેવાડા વિરુદ્ધ પગલાં ભરવા રાવ કરતા પોલીસે ચોંકાવનારા વ્યાજ વસૂલીના કિસ્સામાં ફરિયાદ માટે તજવીજ શરૂ કરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide