હાલ ઉનાના ગરાળ ગામના અસરગ્રસ્તો સાથે મુખ્યમંત્રીશ્રીનો સંવેદનાપૂર્ણ સંવાદ : ઉના ખાતે સમીક્ષા બેઠક યોજી સમગ્ર સ્થિતીનું આકલન કર્યુ
મકાનોને થયેલા નુકશાનનો સર્વે કરી જેમના મકાનોને નુકશાન થયું છે તે તમામને નિયમાનુસાર મદદ-સહાય માટે જિલ્લાતંત્રને માર્ગદર્શન આપતા મુખ્યમંત્રી
મોરબી : હાલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ગુજરાતમાં તાઉ-તે વાવાઝોડાને પરિણામે ઊભી થયેલી પરિસ્થિતી અને ખાસ કરીને દરિયાકાંઠાના જિલ્લાના ગામો-વિસ્તારોમાં થયેલ નુકશાન, તારાજીની જાત માહિતી મેળવવા અને ગ્રામીણ નાગરિકોની વિપદામાં સહભાગી થવા ઉના તાલુકાના ગરાળ ગામે પહોચ્યા હતા.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરથી હવાઇ માર્ગે ઉનાના ગરાળ ગામે પહોંચતા સુધી માર્ગમાં આવતા ગામો-વિસ્તારોમાં તાઉ-તે વાવાઝોડાએ સર્જેલી વિકટ સ્થિતી અને નુકશાનીનું હવાઇ નિરીક્ષણ પણ કર્યુ હતું. વિજયભાઇ રૂપાણીએ ઉનાના ગરાળ ગામે આ વાવાઝોડાને પરિણામે લોકોના મકાનો, ખેતીવાડીને થયેલા નુકશાનનો કયાસ કાઢવા ગ્રામજનો સાથે લાગણીસભર સંવાદ કર્યો હતો.
તેમણે ગરાળના મહિલા સરપંચ મોંઘીબહેન અને ગ્રામજનો પાસેથી આ વાવાઝોડાએ સર્જેલી તારાજીની આપવિતી સંવેદનાપૂર્વક સાંભળીને આ વિપદામાં રાજ્ય સરકાર ગ્રામજનોની પડખે હોવાનો સધિયારો આપ્યો હતો. આ તકે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજકુમાર પણ સાથે જોડાયા હતા.
મુખ્યમંત્રીશ્રીએ ખેતી-બાગાયતી પાકો તેમજ મકાનોને થયેલા વ્યાપક નુકશાન અંગે તાત્કાલિક સર્વે કામગીરી હાથ ધરીને નિયમાનુસારની રાહત ગ્રામજનોને આપવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. વિજયભાઇ રૂપાાણીએ ગરાળ ગામમાં તાઉ-તે વાવાઝોડાને પરિણામે સર્જાયેલી સ્થિતીનું જાત નિરીક્ષણ કર્યા બાદ ઉના પ્રાંત અધિકારીની કચેરીમાં જિલ્લા તંત્રના અધિકારીઓ, અગ્રણીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને સમગ્ર સ્થિતીની તલસ્પર્શી વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ આ બેઠકમાં સ્પષ્ટપણે કહ્યું કે, વાવાઝોડાથી પ્રભાવિત થયેલા ઉના સહિતના દરિયાઇ પટ્ટીના તાલુકાઓને યુદ્ધના ધોરણે ફરી બેઠા કરી પૂર્વવત કરવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે.
તેમણે અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકશાનીના પ્રાથમિક અંદાજો તૈયાર કરવા જિલ્લા તંત્રને માર્ગદર્શન આપ્યું હતું. વીજળી, પાણી જેવી પ્રાથમિક સુવિધાઓના પુરવઠાને અસર પહોચી છે તે તત્કાલ નિવારીને આ પુરવઠો સમયમર્યાદામાં પૂર્વવત કરી દેવા સુચનાઓ આપી હતી. આહેતુસર હાલ વીજ દુરસ્તી કામમાં કાર્યરત ર૦૦ કર્મચારીઓ ઉપરાંત આવતીકાલ શુક્રવાર સુધીમાં વધારાના ૩૦૦ જેટલા કર્મચારીઓ અન્ય જિલ્લાઓમાંથી બોલાવીને વીજ સેવા તાત્કાલિક પૂર્વવત કરવા પણ તેમણે સૂચન કર્યુ હતું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide