ગાંધીધામ, તા. 6 : અહીંની મુખ્ય બજારમાં નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે નાળું બનાવવાની કામગીરી શરૂ કરાઇ હતી
પરંતુ કામમાં ઝડપ ન આવતા વેપારીઓને આત્મનિર્ભર બનવાની ફરજ પડી છે. તો વળી ખુલ્લા નાળાંમાં ગૌવંશ પડવાના બનાવો પણ રાજિંદા બની જતા કચવાટની લાગણી પ્રસરી ગઈ છે. શહેરના ચાવલા ચોક નજીક બે મહિનાથી નાળું બનાવવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ તેમાં પણ લોટ, પાણીને લાકડાની રાવ ઉઠી રહી છે. ઠેકેદાર દ્વારા નાળું ખુલ્લું મૂકી દેવાયું હતું. જેથી વારંવાર અકસ્માતના બનાવો પ્રકાશમાં આવતા રહે છે. પાછલા બે દિવસમાં પાંચ જેટલા ગૌવંશ તેમાં પડી ગયા હતા. આ ઉપરાંત અહીંથી પસાર થતા વાહનોમાં પણ નુકસાની પહોંચી રહી છે. અહીં કલવર્ટ બોક્ષ નાખવા ટેન્ડરમાં સૂચન કરાયું હતું. તેમ છતાં પાઇપ નાખવામાં આવતા હોવાની રાવ ઉઠી રહી છે. લોહાણા મહાજન વાડી પાસે 200 મીટર જેટલા કામમાં પાઇપો નાખીને માટીથી પુરાણ કરાયું હતું. જેથી જાગૃત લોકો દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરાઈ હતી. ત્યારે મ્યુનિસિપલ કમિશ્નર મિતેષ પંડ્યા દ્વારા આવી લાપરવાહી સામે શું પગલાં લેવાય છે ? તેવો પ્રશ્ન લોકો દ્વારા કરાયો છે. આ કામ પેટે રૂ. 12 લાખ જેટલી માતબર રકમ ચૂકવી દેવાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ કામમાં ઉપયોગમાં લેવાતી સામગ્રી ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસેથી લેવાઈ હોવાની ફરિયાદ વેપારીઓ દ્વારા કરાઇ હતી. આ કામનું ટેન્ડર અબોવમાં અપાયું હોવા છતાં એડવાન્સમાં 4.50 લાખ જેટલી રકમ મંજૂર કરી દેવાઈ હતી. રૂ. 25 લાખનું કામ 33 લાખમાં આપ્યું હતું, તેમ છતાં વધુ નાણાં એડવાન્સમાં પાસ કરી દેવાતા અનેક અટકળો વહેતી થઈ રહી છે. જેથી આ મુદે તપાસ થાય તો ગેરરીતિ બહાર આવવાની સંભાવના સૂત્રો દ્વારા સેવાઈ રહી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide