ગામમાં ચોરની રંજાડને પગલે જાગી રહેલા બે નાગરિકોએ ચોરને પડકારતા પથ્થરમારો કરી તસ્કરો નાસી ગયા : તસ્કરોએ સોડા પી અને નાસ્તો પણ કર્યો
મોરબી : હાલ મોરબી તાલુકાના છેવાડાના આમરણ ગામમાં ગતરાત્રીના તસ્કરોએ તરખાટ મચાવી એક સાથે ચાર દુકાન અને એક રહેણાંકમાં ચોરીને અંજામ આપ્યો હતો. જો કે, ચોરોની રંજાડને પગેલે ગામના બે નાગરિકો જાગતા હોય તસ્કરોને હો હા દેકારા કરી પડકાર ફેંકતા તસ્કરોએ પથ્થરમારો કરી મુઠ્ઠીઓ વાળી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના આમરણ ગામે દરબારીવાસ મેઈન બજારમાં ગતરાત્રીના બે વાગ્યા બાદ તસ્કરોએ ધમાકેદાર એન્ટ્રી કરી ભૂમિ ટેઈલર્સ, વકીલ વિમલ માનસેતાની ઓફિસ, રવિરાંદલ એન્ટરપ્રાઈઝની બે દુકાન ઉપરાંત ગઢ વાળા રોડ ઉપર આવેલ લક્ષમણભાઇની દુકાન તેમજ દુકાનની બાજુમાં જ આવેલ રમેશભાઈ અઘારાના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.
વધુમાં તસ્કરોએ તમામ દુકાનોના શટર ઉંચકાવી નાખ્યા હતા અને અંદાજે આઠથી દસ હજારની માલમતાની ચોરી કરી હતી. ઉપરાંત લક્ષમણભાઈની દુકાનમાંથી સોડા પીવાની સાથે નાસ્તાના પડીકા ઉપાડી ગયા હતા. જો કે કડકડતી ઠંડીમાં તસ્કરો સક્રિય થતા ગામના લોકો દ્વારા રાત્રીના જાગરણ કરી રખોલુ કરવામાં આવી રહ્યું હોય બે નાગરિકોએ તસ્કરોને પડકાર્યા હતા પરંતુ ચારેક જેટલા તસ્કરોએ પથ્થર મારો કરતા નાગરિકોએ હો હા દેકારો કરતા તસ્કરો મુઠ્ઠીઓ વાળી નાસી ગયા હતા.
આ ઉપરાંત હાઈસ્કૂલ વાળા રોડ ઉપર આવેલ સ્વ.બચુભાઈ જાકાસણીયાના મકાનમાં ભાડુઆત તરીકે રહેતા પેટ્રોલપંપમાં નિકરી કરતા મુકેશભાઈના મકાનમાં પણ તસ્કરોએ ચોરી કરી હતી. જોકે મુકેશભાઈનો પરિવાર હાલ વતનમાં ગયો હોય ચોરીમાં કેટલી માલમતા ગઈ તેની વિગતો બહાર આવી નથી અને તાલુકા પોલીસને ગ્રામજનોએ જાણ કરી હોવાનું જાણવા મળે છે. ઉલ્લેખનીય છે કે અમરણના ડાયમંડ નગરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી દરરોજ બેત્રણ મકાનોને તસ્કરો નિશાન બનાવી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લાના છેવાડાના આમરણ પંથકમાં પોલીસ પેટ્રોલિંગ વધારે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide