[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : નબળા અને ધણીધોરી વગરની પાલિકા રામભરોસે ચાલતી હોય તેવામાં ગઈકાલે ભારે પવન વચ્ચે એક મહાકાય હૉર્ડિંગ ઉડીને બાઈક ચાલક ઉપર ખાબક્યાની ઘટના બાદ મોરબીમાં પણ ગમે ત્યારે મુંબઈ વાળી સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે, જો કે, અંતે મોડેમોડે પણ ગેરકાયદે હોર્ડિંગ મામલે પાલિકા તંત્ર જાગ્યું છે અને સર્વે માટે ટીમોને મેદાનમાં ઉતારી છે.
વિકાસની હરણફાળ ભરતા મોરબી જિલ્લામાં 800થી વધુ સીરામીક ફેકટરીઓ આવેલી હોય આઉટડોર પબ્લિસિટી કરતી એજન્સીઓ કાયદાનો કોઈ ડર રાખ્યા વગર જીડીસીઆરના નિયમો નેવે મૂકી મન પડે ત્યાં ગેરકાયદેસર હોર્ડિંગ્સ ખડકી દેતા હોવાથી મોરબી શહેર અને જિલ્લામાં હોર્ડિંગ્સના જંગલો ખડકાઈ ગયા છે, જો કે, નવાઈની વાત તો એ છે કે, મોરબીમાં એકપણ રોડ રસ્તા એવા નથી કે, જ્યાં મહાકાય હોર્ડિંગ્સ લાગ્યા ન હોય છતાં પાલિકાના ચોપડે માત્રને માત્ર 93 હોર્ડિંગ્સ જ શહેરમાં લાગ્યા હોવાનું અને મુંબઈની ઘટના બાદ હોર્ડિંગ્સના સર્વે માટે છ ટીમને મેદાનમાં ઉતારવામાં આવી હોવાનું અધર ટેક્સ વિભાગના અધિકારી દલસુખભાઈ પટેલ જણાવી રહ્યા છે.બીજી તરફ મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીક ગુરુવારે ભારે પવનમાં એક મહાકાય હોર્ડિંગ્સ પતાના મહેલની માફક ઉડીને રસ્તે પસાર થતા બાઈક ચાલક ઉપર ખાબકતા બાઈક ચાલકને માથામાં ઈજાઓ પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો, ઉલ્લેખનીય છે કે, દરિયાકાંઠા નજીક આવેલા મોરબીમાં દર ચોમાસે હોર્ડિંગ્સ પડવાની અનેક ઘટનાઓ બને છે છતાં પણ પાલિકા તંત્ર આઉટડોર એજન્સીઓ સામે લાજ કાઢી રહી હોય મોરબીમાં પણ ગમે ત્યારે મુંબઈ વાળી થવાની શક્યતા જોવાઈ રહી છે.મોરબી જિલ્લામાં જુદી-જુદી આઉટડોર એજન્સીઓ દ્વારા સરકારીતંત્રની કોઈપણ જાતની મંજૂરી વગર ઇચ્છા પડે ત્યાં મહાકાય હોર્ડિંગ્સ ખડકી દેવામાં આવે છે ત્યારે મુંબઈની ઘટના બાદ મોરબી આરએન્ડબી દ્વારા મોરબી જેતપર હાઇવે પર અને મોરબી હળવદ હાઇવે સહિતના વિસ્તારમાં 40 જેટલા જોખમી હોર્ડિંગ્સ દૂર કર્યા હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા પણ મોરબી કલેક્ટરને શહેર અને ગ્રામ્ય વિસ્તારો તેમજ હાઇવે પર કોઈપણ જાતની મંજૂરી વગર લગાવવામાં આવેલ બીનકાયદેસર હોર્ડિંગ્સ હટાવવા અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide