મોરબીમાં મચ્છરના ઉપદ્રવમા ભયંકર હદે વધારો !

0
43
/

લોકોને ઢીમચાં ફોડલા જાય તેવા ચટકાની ભેટ ધરતી નગર પાલિકા : મેલરિયા વિભાગ કહે છે ભેજ વધે એટલે મચ્છરનો ઉપદ્રવ તો ચોક્કસ વધે !!

મોરબી : હાલ મોરબીમાં છેલ્લા દસેક દિવસથી રાત્રીના સમયે મચ્છરનો ભયંકર હદે ઉપદ્રવ વધ્યો છે, હેલ્થ વિભાગના મતે આવા મચ્છરોને ક્યુલેક્સ અને ન્યુસન્સ મચ્છર કહેવામાં આવે છે અને આવા મચ્છર કરડવાથી કોઈ રોગ થવાનો ખતરો નથી. જો કે લોકોને ચટકા ભરી ઢીમચાં ઉપાડી દેતા મચ્છરોના ત્રાસ પાછળ પાલિકાની સાફ-સફાઈમાં ઢીલી નીતિ જવાબદાર હોવાનું ફલિત થઈ રહ્યું છે.

મોરબી શહેરમાં છેલ્લા દસેક દિવસથી રાત્રીના સમયે મચ્છરોનો ઉપદ્રવ ખુબ જ વધી જવા પામ્યો છે ખાસ કરીને ઠંડીનું પ્રમાણ ઘટતા લોકો હળવાશની પળો માણવા રાત્રીના સમયે ટહેલવા નીકળે કે ઓટા મંડળ ભરીને બેઠા હોય ત્યારે ગણગણાટ સાથે આક્રમણ કરતા મચ્છરો લોકોના હાથ-પગ અને શરીરના ખુલ્લા ભાગમાં રીતસર ઢીમચાં ઉપાડી દઈ કાળી બળતરા કરાવી દેતા હોવાથી લોકોને બહાર બેસવું મુશ્કેલ બન્યું છે.

છેલ્લા દસેક દિવસમાં જ મચ્છરનો અચાનક ઉપદ્રવ વધવા અંગે મોરબીના મેલેરિયા અધિકારી સી.એલ.વારેવડીયાનો સંપર્ક સાધતા તેમને જણાવ્યું હતું કે, હાલમાં જોવા મળી રહેલા મચ્છર ને ક્યુલેક્સ મચ્છર તરીકે ઓળખવામાં આવે છે આ પ્રકારના મચ્છર કરડવાથી કોઈ રોગચાળો ફેલાતો નથી ખાસ કરીને વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધે ત્યારે ક્યુલેક્સ મચ્છરનો ઉપદ્રવ વધતો હોવાનું જણાવી આ મચ્છર ગંદા-ગટરના પાણીમાં થતા હોય છે જેથી જો ગંદકી દૂર થયા તો આપો-આપ મચ્છરોનો ઉપદ્રવ ઘટાડી શકાય.ઉપરાંત હાલમાં ઝાકળ અને ધુમ્મ્સ ભર્યા વાતાવરણમાં આવા મચ્છરની જિંદગી બમણા સમય જેટલી વધતી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/