જેની 1 લાખથી વધુ રકમ બાકી હોય તેવા બાકીદારોને ધડાધડ નોટિસ : જરૂર પડ્યે હોર્ડિંગમાં નામ જાહેર કરવા તેમજ નળ કનેક્શન કટ અને મિલ્કત જપ્તી પણ કરાશે
મોરબી : મોરબી નગરપાલિકાએ નાણાકીય વર્ષના અંતિમ તબક્કામાં કરવેરાની આકરી વસુલાત માટે કમર કસી છે. જેમાં નગરપાલિકાના કર્મચારીઓની 11 ટીમો બનાવી 1 લાખથી વધુ બાકી રકમ હોય તેવા બાકીદારોને નોટિસ ફટકારવા અને જરૂર પડ્યે હોર્ડિંગમાં નામ જાહેર કરવા તેમજ નળ કનેક્શન કટ અને મિલ્કત જપ્તી માટે ગતિવિધિ તેજ કરી હોવાનું ચીફ ઓફિસરે જણાવ્યું છે.
મોરબી નગરપાલિકાનું નાણાકીય વર્ષ આગામી માર્ચ માસમાં પૂરું થવાનું છે. ત્યારે માર્ચ એન્ડીગ સુધીમાં નગરપાલિકાને જુદાજુદા કરવેરાની વસુલાતનો ટાર્ગેટ પૂરો કરવાનો હોય એની સામે અત્યાર સુધીમાં માત્ર 25 ટકા જ કરવેરો વસુલ થયો હોય અને 75 ટકા કરવેરો બાકી હોવાથી છેલ્લી ઘડીએ કરવેરો વસુલવા નગરપાલિકા ઊંધા માથે થયું છે અને બાકી કરદાતાઓ પાસેથી કરવેરો વસૂલવા માટે ઘડાઘડ નોટિસો ઇસ્યુ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ જણાવ્યું હતું કે, કરવેરા બાકી હોય તંત્ર દ્વારા હવે આકરી વસુલાત શરૂ કરી દેવામાં આવી છે. નગરપાલિકાના 21 કર્મચારીઓની 11 ટીમો બનાવી દરરોજ બાકીદારોને નોટિસની બજવણી કરવાની કામગીરી હાથ ધરાઈ છે. જેમાં 1 લાખ ઉપરની બાકી રકમ હોય તેવા બાકીદાર આસામીઓને નોટિસ ફટાકરી જરૂર પડે મિલ્કત જપ્તીની કાર્યવાહી કરાશે.
તેમજ કરદાતાની ઉદાસીનતાને ખુલ્લી પાડવા તેમના નામ હોર્ડિંગ્સમાં જાહેર કરવા ઉપરાંત નળ કનેક્શન કટ કરવા સહિતની પણ આકરી કાર્યવાહી કરાશે તેમ તેમણે જણાવ્યું હતું.આમ, પાલિકાએ નાણાકીય વર્ષના અંત ભાગમાં વેરાવસુલાત કડક બનાવતા લોકોને હવે વેરો ભર્યા વગર છૂટકો નથી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide