ધારાસભ્ય બ્રિજેશ મેરજા અને સાંસદ મોહનભાઇ કુંડારીયાએ માળખાગત સુવિધાઓના કામનો પણ પ્રારંભ કરાવ્યો
મોરબી: તાજેતરમા મોરબીના વોર્ડ નંબર ૧માં વાવડી રોડ વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટીઓની માળખાગત સુવિધાઓના કાર્યનો સાંસદ તેમજ ધારાસભ્યની ઉપસ્થિતિમાં શનિવારે પ્રારંભ કરવામાં આવ્યો હતો.
શહેરના વાવડી રોડ પર આવેલા ગાયત્રીનગર, મિલન પાર્ક, રામ પાર્ક, ક્રિષ્ના પાર્ક, રવિ પાર્ક, કારીયા સોસાયટી, ભગવતી પરા, ન્યુ કુબેર તેમજ બાવરાની વાડીના આંતરિક રસ્તાઓનું રૂપિયા ૨ કરોડ ૨૭ લાખના ખર્ચે નવનિર્માણ હાથ ધરાયું છે. જ્યારે ગણેશ નગર, શ્રધ્ધા પાર્ક, બાવરાની વાડીમાં પાણીની પાઇપલાઇનના કામો રૂ. ૧૧.૬૦ લાખના ખર્ચે સંપન્ન થશે. આ ઉપરાંત ન્યુ મારુતિ, ધુતારાના નાલાથી વાવડી રોડ, કુબેર નગરનું નાલુ તેમજ રેલ્વે કોલોનીથી કુબેરનગર વિગેરેના સ્ટ્રોમ વોટર અને ભૂગર્ભ લાઇનના કામો રૂપિયા ૨ કરોડ અને ૧૧ લાખના ખર્ચે કરવામાં આવશે.
આ જુદા-જુદા કામોના શુભારંભનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગાયત્રીનગરમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દેવાભાઇ અવાડિયા અને તેમના સાથીદારોએ આયોજિત કર્યો હતો. આ તકે ધારાસભ્ય બ્રિજેશ મેરજા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રાઘવજીભાઇ ગડારા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તેમજ મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન મગનભાઇ વડાવીયા, શહેર ભાજપના મંત્રીઓ ભાવેશભાઈ કંઝારીયા, રીસીપભાઈ કૈલા, પૂર્વ કાઉન્સિલર પ્રભુભાઈ ભૂત, અમિતભાઈ ગામી, પૂર્વ પ્રમુખ કેતનભાઈ વિલપરા, સ્થાનિક અગ્રણીઓ પ્રશાંતભાઈ મહેતા, મુન્નાભાઈ, વનરાજસિંહ જાડેજા, નરેન્દ્રભાઈ પોપટ, ગણેશભાઈ ડાભી, અજયભાઇ લોરીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે નગરપાલિકાના બાંધકામ ખાતાના ધીરુભાઈ સુરેલીયા, નગરપાલિકાના ચીફ ઓફિસર અને વહીવટદાર ગિરીશભાઈ સરૈયાએ ખાસ ઉપસ્થિત રહી આ કામોની વિગતો રજૂ કરી હતી. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન ભાવેશભાઈ દોશીએ કર્યું હતું તેમજ આભાર વિધિ નગરપાલિકાના પૂર્વ કારોબારી અધ્યક્ષ વસંતભાઇ ગોરીયાએ કરી હતી. આ કામોનો શુભારંભ લાખાભાઇ જારીયા, રાઘવજીભાઇ ગડારા, બ્રિજેશ મેરજા અને શ્રી મોહનભાઇ કુંડારીયાએ કર્યો હતો. આ તમામ કામોનું બાંધકામ મજબૂત અને ટકાઉ થાય તે જોવા સ્થાનિક નાગરિકોને રસ લેવા ખાસ ટકોર કરી હતી. આમ, વોર્ડ નંબર 1 શહેરનો દરેક પ્રકારે નંબર વન વોર્ડ બને તેવી પૂર્વ પાલિકા પ્રમુખ દેવાભાઇ અવાડિયાએ હાંકલ કરી હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide