ગંભીર બેદરકારી! મોરબીમાં ટેકાના ભાવના ચણા ગુણીમાં જ ઉગી નીકળ્યા

0
26
/
12 દિવસથી ટેકાના ભાવે ખરીદાયેલા ચણા ખુલ્લા આકાશ નીચે : પુરવઠા અધિકારી કહે છે કોન્ટ્રાકટરને નોટિસ આપીશું

મોરબી : હાલ સરકાર દ્વારા કોરોના મહામારીમાં મોકૂફ રાખવામાં આવેલ ટેકાના ભાવની ચણાની ખરીદી પુનઃ શરૂ કરવામાં આવી છે ત્યારે મોરબી માર્કેટિંગ યાર્ડમાં પુરવઠાતંત્ર અને કોન્ટ્રાકટરની ઘોર બેદરકારીને છેલ્લા બારેક દિવસથી ટેકાના ભાવે ખરીદ કરવામાં આવેલ ચણાનો જથ્થો ગોડાઉન સુધી ન પહોંચાડવામાં આવતા ખુલ્લામાં પડેલ ચણા વરસાદમાં પલળી જતા ચણા ગુણીમાં જ ઉગી નીકળ્યા છે. સરકારને મોટું આર્થિક નુકશાન જવાની સાથે પલાળેલા અને ઉગી નીકળેલા ચણાં ગોડાઉનમાં પધરાવી દેવા પણ હિલચાલ ચાલી રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી માર્કેટિંગ યાર્ડમાં ટંકારા, માળીયા અને મોરબી તાલુકાના ખેડૂતોના ચણાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે અને નિયમ મુજબ દરરોજ સવારથી સાંજ સુધીમાં થયેલી ચણાની ખરીદી બાદ 50 કિલોગ્રામ પેકીંગમાં કટ્ટા તૈયાર કરી નિયત ગોડાઉન સુધી પહોંચાડવાના હોય છે પરંતુ મોરબીના કોન્ટ્રાકટર દ્વારા છેલ્લા બાર દિવસથી યાર્ડમાં ખરીદ થતા ચણાંને ગોડાઉન સુધી પહોંચાડવામાં ન આવતા યાર્ડના પ્લેટફોર્મ ઉપર પડેલા અંદાજે 5000 ગુણી ચણાનો જથ્થો પલળી ગયો હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે.

ટેકાના ભાવે ખરીદ કરવામાં આવેલ ચણાનો મોટો જથ્થો પલળી જવા અંગે મોરબી જિલ્લા પુરવઠા અધિકારી શ્વેતા પટેલનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે ચણાંનો થોડો ઘણો સ્ટોક પલળી જવા પામ્યો છે બાકીના જથ્થાને સમયસર ઢાંકી દેવામાં આવ્યો હોવાથી બહુ નુકશાન પહોંચ્યું નથી જો કે,બેદરકારી મામલે કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવશે તેવું જણાવી માત્ર મોરબી જ નહિ રાજકોટ સહિતના ખરીદ કેન્દ્રોમાં પણ ચણા પલળ્યા હોવાનો બચાવ કર્યો હતો.

જો કે, જિલ્લા પુરવઠા અધિકારીના સત્તાવાર જવાબથી તદ્દન વિપરીત સ્થિતિમાં માર્કેટિંગ યાર્ડના ખરીદી પ્લેટફોર્મ ઉપરથી તા.10 જૂન બાદ કોન્ટ્રાકટર દ્વારા ચણાનો ખરીદ કરાયેલ જથ્થો ગોડાઉન સુધી મોકલવામાં જ નથી આવ્યો ઉપરાંત ગોડાઉનમાં મોકલવામાં આવેલા ચણાં પણ પલળી ગયા હોવાનું જણાતા અંદાજે 1500થી 2000 કટ્ટા ચણા પરત યાર્ડમાં આવ્યા છે.

આ સંજોગોમાં સવાલ એ ઉઠે છે કે ખેડૂત જયારે ટેકાના ભાવે ચણા વેચાણ કરવા આવે ત્યારે ગુણવતા અને ભેજનું પ્રમાણ માપતું પુરવઠા તંત્ર પોતાના કબ્જામાં ચણા આવ્યા બાદ ખેડૂતની મહેનતને એળે જવા દઈ બેદરકારી દાખવી રહ્યું છે ત્યારે અંદાજે અઢી લાખ કિલોગ્રામ જેટલા ચણાનો જથ્થો પલળી જતા હાલ તો ખેડૂતને નુકશાન જવાની સાથે આવા ઉગી નીકળેલા ચણા ગોડાઉન ભેગા કરી દઈ આવનાર દિવસોમાં રેશનિંગ હેઠળ કે પછી આંગણવાડી કે મધ્યાહન ભોજન યોજનામાં આવો નબળો જથ્થો પધરાવી દેવાશે ત્યારે ચણા પલળી જવા અંગે ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે તે જરૂરી હોવાનું મનાઈ રહ્યું છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/