ટંકારામાં વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવકનો આપઘાતનો પ્રયાસ

0
14
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] હાલ ટંકારામાં યુવકે ધંધામાં તેમજ વ્યવહારિક કામ સબબ પૈસાની જરૂર પડતા અલગ અલગ લોકો પાસેથી લાખો રૂપિયા વ્યાજ લીધા હતા અને તમામને વ્યાજ સહિત રૂપિયા ચૂકવ્યા બાદ પણ યુવક પાસેથી વ્યાજખોરો વધુ રૂપિયા માંગી, પઠાણી ઉઘરાણી કરી તેને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. જેથી કંટાળીને યુવકે હડાળા ગામ પાસે ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ યુવક રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ત્યારે આ મામલે તેણે વ્યાજખોરો વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી છે.

ટંકારામાં રહેતા ફરિયાદી મહમદભાઈ ઉસ્માનભાઈ બાદીએ આરોપી મુકેશ ઝાપડા, કનુભાઈ ઝાપડા, રજાકભાઈ સમા, ગિરિરાજસિંહના ભાઈ, મહેન્દ્રસિંહ ગોહિલ, યોગેન્દ્રસિંહ ગોહિલ અને ગાંધીધામ ખાતે રહેતા અંકિતભાઈ ચૌધરી વિરુદ્ધ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ટોળ ગામે રહેતા મહમદભાઈ આરટીઓના એજન્ટ છે તથા ખેતી કામ કરે છે. તેમણે વર્ષ 2020માં આરોપી મુકેશ ઝાપડા પાસેથી ધંધાના કામ માટે તેમજ વ્યવહારિક કામ સબબ રૂપિયા ૧૦ લાખ વ્યાજે લીધા હતા. આજ સુધીમાં મહમદભાઈએ મુકેશ ઝાપડાને આશરે રૂપિયા ૨૨ લાખ વ્યાજ સહિત ચૂકવી આપ્યા હતા. તેમ છતાં આરોપી મુકેશ થોડા દિવસ પહેલા પોતના મળતીયા આરોપી કનુ ઝાપડા, રજાક સમા અને ગિરિરાજસિંહના ભાઈ સાથે મહમદભાઈના ઘરે આવ્યા હતા
ચારેય શખ્સોએ કહ્યું હતું કે, રૂ.૧૦ લાખ રૂપિયા વ્યાજે લીધેલા છે. તેનું વ્યાજ તથા મુદ્દલ આપી દેજે. તેમ કહી મહમદભાઈના પરિવારની હાજરીમાં તેમને બેફામ ગાળો ભાંડી હતી. આ પ્રકારે આરોપી મુકેશ અનેકવાર મહમદભાઈ પાસે પઠાણી ઉઘરાણી કરતો હતો અને તેમની ઘરે આવી તેમના પરિવારજનોની સામે તેને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. આ ઉપરાંત મહમદભાઈએ ગાંધીધામ ખાતે રહેતા આરોપી અંકિત ચૌધરી પાસેથી રૂપિયા ૫ લાખ વ્યાજે લીધા હતા. તેનું વ્યાજ પણ મહમદભાઈએ ચૂકવ્યું હતું છતાં અંકિત હજુ પણ મહમદભાઈને વ્યાજ ચૂકવવા માટે ધમકી આપતો હતો. આરોપી મહેન્દ્રસિંહ ગોહિલ પાસેથી મહમદભાઈએ રૂ.૩ લાખ વ્યાજે લીધા હતા અને તેનો માસિક રૂપિયા ૩૦ હજારનું વ્યાજ મહમદભાઈ આપતા હતા. મહમદભાઈએ કુલ રૂ.૫,૪૦,૦૦૦ આરોપી મહેન્દ્રસિંહને ચૂકવી દીધા હતા. આરોપી યોગેન્દ્રસિંહ ગોહિલ પાસેથી મહમદભાઈએ રૂ.૨,૫૦,૦૦૦ વ્યાજે લીધા હતા. જેનું ૮% લેખે વ્યાજ મહમદભાઈએ ભરતા હતા અને તેમણે રૂ.૪,૬૫,૦૦૦ આરોપી યોગેન્દ્ર સિંહને ચૂકવી દીધા હતા. છતાં આ વ્યાજખોરો જ્યારે પણ મોહમ્મદભાઈને મળતા હતા ત્યારે તેમની પાસેથી પઠાણી ઉઘરાણી કરતા હતા અને તેમણે જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા.

તારીખ ૨૪/૦૬/૨૦૨૩ના રોજ આરોપી મુકેશ ઝાપડા અને ગિરિરાજસિંહના ભાઈ વાંકાનેર ખાતે આવેલી મહમદભાઈની દુકાને આવ્યા હતા અને તેમને કારમાં બેસાડીને પૈસાની ઉઘરાણી કરી હતી. એ સમયે મહમદભાઈએ એવું કહ્યું હતું કે તમારા રૂપિયા બે દિવસમાં પહોંચાડી દઈશ. અને પોતાના ઘરે જતા રહ્યા હતા. આ તમામને વ્યાજ સહિત રૂપિયા ચૂકવ્યા બાદ પણ વ્યાજખોરોને મહમદભાઈનો પીછો છોડતા ન હતા અને તેમની પાસેથી પઠાણી ઉઘરાણી કરતા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. જેથી મહમદભાઈને લાગી આવ્યું હતું અને તેમણે હડાળા ગામ પાસે જઈને ઝેરી દવા ગટગટાવી લીધી હતી અને આ અંગેની જાણ મહમદભાઈએ પોતાના મિત્ર નજરૂદ્દીન ભાઈને કરી હતી. જેથી નજરુદ્દીનભાઈ ૧૦૮ લઈને આવ્યા હતા અને રાજકોટ ખાતેની ખાનગી હોસ્પિટલમાં મહમદભાઈને દાખલ કર્યા હતા જે મામલે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ પણ હાથ ધરી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/