અમદાવાદ ખાતે આવેલો વૃદ્ધનો પોઝિટિવ કેસ મોરબી જિલ્લામાં ગણાયો , જિલ્લાના કુલ કેસ 7 થયા : વૃદ્ધ તેમના પરિવાર સિવાય કોઈના સીધા સંપર્કમાં ન હોવાનું આવ્યું સામે
મોરબી : મોરબીમાં જાન્યુઆરી માસમાં રહેવા આવેલ એક વૃદ્ધનો અમદાવાદમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા મોરબીમાં તંત્ર દોડતું થયું છે. આ કેસને મોરબી જિલ્લામાં ગણવામાં આવતા જિલ્લાના કુલ કેસ 7 થયા છે. વધુમાં આ વૃદ્ધ જ્યા રહેતા હતા તે કાંતિનગર વિસ્તારમાં 6 મકાનોને કન્ટેઇનમેન્ટ ઝોનમાં સમાવવામાં આવ્યા છે. હાલ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે આગળની કાર્યવાહી હાથ ધરી રહ્યો છે.
મોરબીના માળિયા હાઇવે પાસે પુલ નજીક આવેલા કાંતિનગર વિસ્તારમા રહેતા બબલુભાઈ શેખના પિતા ઝાકિરભાઈ નશિરભાઈ શેખ નામના યુપીથી અહીં તેમના પુત્રને ત્યાં જાન્યુઆરી માસમાં રહેવા આવ્યા હતા. તેઓ પોતાની સારવાર માટે પત્ની સાથે અહીં આવ્યા હતા. ગત તા. 30 મેના રોજ તેમને હદયરોગનો હુમલો આવ્યો હતો. જેથી તેઓને તાત્કાલિક રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાથી તેઓને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
અમદાવાદમાં 11 દિવસની સારવાર મેળવ્યા બાદ તા.11થી 13 જૂન મોરબી રહ્યા હતા.અને ફરી તકલીફ થતા તેઓને અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા. ગત તા.13 જૂનથી તેઓ અમદાવાદ સારવાર હેઠળ હતા. આ દરમિયાન આજ રોજ તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ અંગે જાણ થતા રાત્રીના સમયે એસપી ડો. કરનરાજ વાઘેલા, ડીવાયએસપી રાધિકા ભારાઇ, ડે. કલેકટર ખાચર, રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. વારેવડીયા, મામલતદાર જાડેજા, બી ડિવિઝન પીઆઇ, પાલિકા પ્રમુખ કેતન વિલપરા સહિતના કાંતિનગર પહોંચ્યા હતા.
પાલિકાના ફાયર વિભાગ દ્વારા સમગ્ર વિસ્તારને સેનેટાઇઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.બીજી તરફ મળતી માહિતી પ્રમાણે તંત્ર દ્વારા 6 મકાનોને કન્ટેઇનમેન્ટ ઝોનમાં સમાવવામાં આવ્યા છે. વધુમાં ઝાકિરભાઈને 4 પુત્ર છે. કુલ 10 સભ્યોનો પરિવાર એક સાથે રહે છે. આ પરિવાર 2006થી અહીં સ્થાયી થયો છે અને પંચરનો વ્યવસાય કરે છે. તેઓ માંદગીના કારણે માત્ર પરિવારના જ સીધા સંપર્કમાં રહ્યા હતા. બહારના કોઈ વ્યક્તિના સંપર્કમાં આવ્યા ન હતા. હાલ તેઓની સાથે તેમનો પુત્ર અને પત્ની પણ અમદાવાદમાં છે.
રાત્રે 9 વાગ્યા બાદ મેડિકલ ઇમરજન્સી સિવાયની કોઈ મુવમેન્ટ ન કરવી : એસપી ડો. કરનરાજ વાઘેલા
એસપી ડો. કરનરાજ વાઘેલાએ જણાવ્યું કે ઝાકિરભાઈ ગત તા.11 અને 12 જૂન એમ બે દિવસ જ મોરબીમાં રોકાયા હતા. તા.13 જૂનથી તેઓ અમદાવાદ એડમિટ થયા હતા. તેઓનો કોરોના રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે. તેઓ પરિવારના સભ્યો સિવાય કોઈના સીધા સંપર્કમાં આવેલ નથી. તેઓનો કેસ મોરબીમાં ગણવામાં આવ્યો છે.
વધુમાં તેઓએ કહ્યું કે આજે પોલીસ વિભાગ દ્વારા લોકજાગૃતિ અર્થે ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી. તમામ ચેક પોસ્ટ ઉપર ચેકીંગ પણ હાથ ધરાયું હતું. લોકડાઉન ખુલવાથી કોરોનાનું ઈન્ફેકસન જતું રહ્યું નથી. ઉલટાનું તે વધી રહ્યું છે. લોકોએ ડરવાની જરૂર નથી. હવે વધુ સાવચેત બનવાની જરૂર છે. મોરબી જિલ્લાની સ્થિતિ સારી છે. જે કાયમ માટે રહે તેવા પ્રયત્નો સૌ કોઈએ કરવાના છે. રાત્રે 9 પછી મેડિકલ ઇમરજન્સી સિવાય કોઈ મુવમેન્ટ ન કરે તેવી અપીલ છે. કારણ વગરનું શોપિંગ કરવા લોકો ન નીકળે. જે કરીયાણું કે શાકભાજી લેવાનું છે તે એક સાથે વધુ દિવસોનું લઈ લ્યે. લોકો બહાર નીકળે તો માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સ પાળે અને બહારથી ઘરે આવ્યા બાદ નહાઈ લ્યે તે જરૂરી છે
પોતાની તથા પરિવારની સલામતી માટે લોકો કામ વગર બહાર ન નીકળે : ડીવાયએસપી રાધિકા ભારાઇ
હાલ મોરબીમાં બે કેસ એક્ટિવ છે. લોકોને અપિલ છે કે પોતાની તથા પરિવારની સલામતી માટે કામ વગર બહાર ન નીકળવુ. નહિતર જિલ્લાને કોરોનામુક્ત રાખવાનો લક્ષ્યાંક સિદ્ધ નહિ થાય. વધુમાં તેઓએ કહ્યું કે હવે માસ્ક નહિ પહેર્યું હોય તો પોલીસ દંડ કરી શકશે. આ અંગેની જનજાગૃતિ માટે આજે ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી.
દર્દીના હદયની ત્રણ નળી બ્લોક હતી, જેની સારવાર માટે તેઓ અમદાવાદ ગયા હતા : ડો. વારેવડીયા
જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. વારેવડીયાએ જણાવ્યું કે ખતરો હજુ ટળ્યો નથી. લોકો કામ વગર બહાર નીકળવાનું ટાળે તે હિતાવહ છે. લોકોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, વારંવાર હાથ ધોવા, માસ્ક પહેરવું અને હાથ મિલાવવાને બદલે નમસ્તે કરવું. વધુમાં તેઓએ કોરોનાના દર્દી વિશે જણાવ્યું કે તેઓ યુપી રહેતા હતા. લોકડાઉન પહેલા જ તેઓ અહીં આવી ગયા હતા. તેઓના હદયની ત્રણ નળી બ્લોક થઈ ગઈ હતી. જેથી તેઓ અમદાવાદ સારવાર માટે ગયેલ હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide