મોરબી: મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના સજનપર ગામથી આશરે 3 કિલોમીટર નજીક આવેલ જડેશ્વરદાદા નો ઇતિહાસ જાણવા જેવો છે જડેશ્વર મહાદેવના ઇતિહાસ સાથે જામનગરના રાજા જામ રાવળનો જન્મ ઈતિહાસિક રીતે સંકળાયેલો છે. તેથી સ્વયંભૂ જડેશ્વરની ગાથા જાણવા માટે પ્રથમ જામરાવળ રાજાનો ઇતિહાસ જાણવો જરૂરી છે ઇતિહાસમાં એવુ લખાયેલુ છે કે, જામનગરના રાજા જામ રાવળ પૂર્વ જનમમાં તેવો અરણીટીમ્બા ગામમાં ભરવાડ હતા અને તે ગામમાં પરસોત્તમ સોની રહેતો હતો. જેની ગાયોને ભગવાન ભરવાડ ચરાવવા માટે લઇ જતો હતો જો કે, સોનીની એક ગાય પુસ્કળ દૂધ આપતી હતી. પરંતુ જે તે સમયે થોડા દિવસથી ગાય દૂધ જ આપતી ન્હોતી જેથી ભરવાડ ગાયને દોહી લેતો હોવાનો આક્ષેપ થયો હતો માટે બીજા દિવસે ભરવાડ અને સોની ગાયનું દુધ ક્યા જાય છે તે જોવા માટે ગાયની પાછળ જાય છે અને જોયું તો ગાય જેને હાલમાં રતન ટેકરી તરીકે લોકો જાણે છે તે ટેકરા પર ચડી ગઇ હતી અને તે ગાય એક ખાડા ઉપર ઉભી રહેતાની સાથે જ તેના આંચળમાંથી દૂધની ધારાઓ વહેવા લાગી હતી. ત્યારે વૃદ્ધ સોની સમજી ગયો કે અહીં ખાડામાં જરૂર કોઈ અદ્રશ્ય દેવ હોવા જોઈએ. જેથી આજુબાજુ સાફ કરતા મહાદેવનું બાણ દેખાયું હતુ ત્યારથી સ્વયંભૂ જડેશ્વર મહાદેવ છે તેવું મંદિરના મહંત રતિલાલજી રવિશંકર ત્રિવેદીએ જણાવ્યું છે
જડેશ્વર દાદની સ્થાપના થયા બાદ ભરવાડ અને સોની હંમેશા મહાદેવની પૂજા કરવા માટે જતા હતા તે સમયે સોની ભરવાડને કહેતા કે, આ સ્વયંભૂ ચમત્કારી દેવ છે. જો કોઈ પણ કમળપૂજા કરે તો તે જરૂર આવતા જન્મમાં તે રાજા બને છે માટે ભરવાડે મનોમન મહાદેવની કમળપૂજા કરવાનો નિશ્ચય કર્યો હતો અને ૨૦ વર્ષ બાદ ગોરની સલાહ લઇ ભરવાડે બપોરે મહાદેવ પાસે બેસીને કમળપૂજા કરી તીક્ષ્ણ હથિયાર વડે પોતાનું માથું કાપી નાખીને કમળપુજા કરી હતી ત્યારે તેનું માથું મહાદેવને અથડાયને અરણીના વાડામાં પડતા ખોપરી માંથી અરણીનું વૃક્ષ ઉગી ગયું હતું. જો કે, મહાદેવ ભરવાડની શ્રદ્ધાથી પ્રસન્ન થયા હતા અને ભરવાડનો બીજો જન્મ જામ રાવળ તરીકે થયો હતો પરંતુ અરણીનું વૃક્ષ ભગવાન ભરવાડની ખોપરીમાંથી ઉગ્યુ હોવાથી જ્યારે જ્યારે પવનથી તે વૃક્ષ હલે એ સમયે જામ રાવળને માથામાં દુખાવો થતો હતો જેથી રાજાને અરણીનું તે વૃક્ષ કાપવા કહ્યું હતું અને ત્યાર બાદ રાજા હંમેશા ત્યાં આવી પૂજા કરતા હતા. તે સમયથી શરૂ કરેલ પૂજા નિમિતે દર મહિને ૫૦ રૂપિયા આજે પણ જામનગરની સરકાર તરફથી મંદિરને મોકલવામાં આવે છે. આટલુ જ નહી જ્યા ભગવાન ભરવાડનું માથુ પડ્યુ હતુ ત્યા હાલમાં રાવળેશ્વર મહાદેવનું મંદિર છે અને કોઇપણ વ્યક્તિને માથાનો દુઃખાવો હોય તો તે માનતા રાખીને ત્યા નાળિયેર મુકી જાય તો તેને માથાના દુઃખાવામાંથી મુક્તિ મળે છે તેવું આ મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યું છે
જામ રાવળનો જન્મ કચ્છના કેરા ગામે રામનવમીના દિવસે થયો હતો. તેમને નાનપણથી જ કાયમ માથું દુખ્યા કરતું હતું. તેના માટે અનેક વૈધો તથા હકીમો પાસે ઈલાજ કરાવ્યા પરંતુ બધું નિરર્થક નિવડ્યુ હતુ દરમ્યાન સમય જતા રાવળ જામએ માતાજી આશાપુરા મંદિરમાં હરભમજી સાથે સુલેહ કર્યા બાદ તે સુલેહનો ભંગ કરીને હરભમજી અતિથી તરીકે બોલાવીને ચિક્કાર દારૂ પીવડાવ્યા બાદ તેની રાવળ જામએ હત્યા કરી હતી જેથી આશાપુરા માતાજીએ તેમના સ્વપ્નામાં આવીને કહ્યુ હતુ કે તમે પ્રતિજ્ઞાભ્રષ્ટ થયા છો જેથી તમે કચ્છમાં સુખી થશો નહી માટે કચ્છ સહિતનો વિસ્તાર ખેંગારજીને સોંપીને તમે કાઠીયાવાડ તરફ જતા રહો જેથી તેઓ ત્યાંથી માતાજીના આદેશ મુજબ કાઠીયાવાડમાં આવ્યા હતા અને રંગમતી તથા નાગમતીના કિનારે નવાનગર(જામનગર) વસાવીને ત્યાં રાજધાની બનાવી હતી જો કે, તેમનો માથાનો દુઃખાવો કોઈ રીતે મટતો ન હતો ત્યારે કોઈ તેમને કહ્યુ હતુ કે વિદ્વાન બ્રહ્મણ પંજુ ભટ્ટજીને બોલાવીને તેમનું માર્ગદર્શન લેશો તો કોઈ રસ્તો નિકળશે
જડેશ્વર મહાદેવ મંદિર રતન ટેકરી નામે જાણીતું હતું ત્યારે વાંકાનેરના રાજવી પરિવારના સંબંધી વડોદરાના દિવાનને રક્તપિત્તનો રોગ હતો જે કોઇ રીતે મટતો ન હતો ત્યારે કોઇએ કહ્યુ કે, જડેશ્વરની આસ્થાથી પુજા કરશો તો મટી જશે જેથી તેમણે હાલનું જડેશ્વરનું વિ.સં. ૧૮૬૯માં ભવ્ય શિવાલય બંધાવ્યું હતું જેમ જેમ જડેશ્વર મહાદેવની જાણ થતી ગઈ તેમ તેમ ભક્તો આવવા લાગ્યા હતા. આ શિવાલય આજે ભવ્ય તિર્થસ્થાન બની ગયું છે. મોરબીના લોકો જડેશ્વર મહાદેવની ટેકરીને એક હિલ સ્ટેશન સમાને છે. જેથી અહીં ફરવા માટે આવતા હોય છે અને દરવર્ષે શ્રાવણ માસના બીજા સોમવારે જડેશ્વર મહાદેવનો પ્રાગટ્ય દિવસ હોવાથી પ્રાગોત્સવની ઉજવણી કરવામાં આવે છે સાથોસાથ મેળાનું પણ આયોજન કરવામાં આવે છે અને મંદિર દ્વારા ભવ્ય શોભાયાત્રા (વર્ણાગી) પણ કાઢવામાં આવે છે જેમાં અસંખ્ય શિવભક્તો ભાવથી જોડાય છે જો કે આ વર્ષે કોરોનાના લીધે મેળા બંધ રાખવાના છે અને મંદિરમાં પણ વધુ સંખ્યામાં લોકોને આવવા દેવાના નથી જેથી કરીને સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવતા ભક્તો પણ મંદિરના સંચાલકોને મદદ કરે તે જરૂરી છે તેવું મંદિરના નાના મહંત જીતુભાઇ રતિલાલજી ત્રિવેદીએ કહ્યું છે
વર્ષો પહેલા ગુજરાતમાં ગોજારો ભૂકંપ આવ્યો હતો ત્યારે સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરમાં પણ નુકશાની થઇ હતી જો કે, રાજકોટના દાતા જયંતિભાઇ કુંડલીયા તરફથી મંદિરના રીનોવેશન માટે તે સમયે એક કરોડ રૂપિયાનું દાન મળ્યુ હતુ જેમાંથી મંદિરના શિખર ઉપર ગ્લેઝ ટાઇલ્સ, બ્રાહ્મણો માટે ૨૦ અને અન્ય પાંચ રૂમ, ભોજનાલય, ઓફિસ સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે આ ઉપરંત રાવળેશ્વર મહાદેવ મંદિર, ગાયત્રી મંદિર, હનુમાનજી મંદિર સહિતના મંદિરો પણ નવા બનાવવામાં આવ્યા હતા અને જડેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં જ ગૌશાળા આવેલી છે આ ગૌશાળામાં હાલમાં ૨૦૦ જેટલી ગાયોનો નિભાવ કરવામાં આવી રહ્યો છે જો કે, અહીની ગાયનું દુધ બજારમાં વેચવામાં આવતુ નથી અને દહીં બનાવીને તેમાંથી ઘી બનાવવામાં આવતુ નથી આટલુ જ નહી આ ગૌશાળાની ગાય કોઇને આપવામાં આવતી નથી અને બહારની કોઇ ગાયને ગૌશાળામાં રાખવામાં આવતી નથી કેમ કે, જો કોઈને ગાય આપ અને તેના દ્વારા દુધનું વેચાણ થાય તો લીધેલી ટેક તુટી જાય અને બહારની આવેલ ગૌવંશ ક્યાનું છે કોનું છે તે જાણી શકાતુ નથી ગૌશાળામાં ગૌવંશોનો નિભાવ કરવા માટે હાલમાં ગૌશાળા પાસે આવકોનો કોઇ સ્ત્રોત નથી પરંતુ મંદિરે દર્શન કરવા માટે આવતા શિવભક્તો તરફથી મળતા દાનની રકમ તેમજ મંદિરની વાર્ષીક આવકમાંથી ગાયોનો નિભાવ કરવામાં આવી રહ્યો છે
ગુજરાત સરકાર દ્વારા આ મંદિરનો યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ કરીને તેના ધાર્મિક મહત્વને ધ્યાનમાં રાખીને વિકાસ કરવા માટે વર્ષો પહેલા ગ્રાન્ટ ફાળવવામાં આવી છે જો કે હજુ સુધી સરકારી ગ્રાન્ટનો ઉપયોગ કરીને વિકાસ કામોને શરૂ કરવામાં આવ્યું નથી અત્રે ઉલેખનીય છે કે, કુદરતી સોંદર્યની વચ્ચે મોરબી જીલ્લામાં રતન ટેકરી ઉપર આવેલ જડેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ મહિના દરમ્યાન દેશના દરેક રાજ્યમાંથી દર્શનાર્થીઓ આવતા હોય છે જો કે, હાલમાં કોરોના કેસમાં મોરબી જીલ્લા સહીત ગુજરાત રાજ્ય અને દેશમાં કેસ સતત વધી રહ્યા છે ત્યારે મંદિરમાં મહાદેવના દર્શન કરવા માટે આવતા શિવભક્તો પણ તકેદારી રાખે તેના માટે અનુરોધ કરવામાં આવ્યો છે અને ખાસ કરીને બાળકો તેમજ વૃધ્ધોને મહાદેવના દર્શન કરવા માટે મંદિરે લઈને ન આવવા માટે મંદિરના સંચાલકો દ્વારા અખબારી યાદીમાં જણાવ્યું છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide