વારંવારના સરકારી કાર્યક્રમોના આયોજનથી એકમાત્ર ક્રિકેટ મેદાનની ઘોર અવદશા થઈ જતી હોવાથી આ મેદાનમાં હસ્તકલા મેળો ન યોજવાની માંગણી કરાઈ
મોરબી : તાજેતરમા મોરબીના સામાકાંઠે આવેલું એકમાત્ર એલઇ કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડમાં વર્ષોથી સરકારી કાર્યકમો યોજાતા હોય અને આ સરકારી કાર્યક્રમોના આયોજનથી ક્રિકેટ મેદાનની ઘોર અવદશા થઈ જતી હોય છે. ત્યારે ફરી એકવાર દિવાળીના તહેવારોને લઈને આ ક્રિકેટ મેદાનમાં સરકારના હસ્તકલા મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે. તેથી, આ આયોજનથી ક્રિકેટપ્રેમીઓમાં વિરોધનો સુર ઉઠ્યો છે અને આ ક્રિકેટ મેદાનની બદલે અન્યત્ર હસ્તકલા મેળાનું આયોજન કરવાની માંગ કરી રહ્યા છે.
મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રસિંહજી એલઈ કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડમાં નિયમિત ક્રિકેટ રમતા ક્રિકેટપ્રેમીઓએ તાજેતરમાં મોરબી જિલ્લા પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલ સમક્ષ રૂબરૂ લેખિતમાં રજુઆત કરી હતી કે મહેન્દ્રસિંહજી એલ.ઈ. કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ શહેરનું એકમાત્ર ક્રિકેટ ગ્રાઉન્ડ છે કે જ્યાં ઘણા બધા ખેલાડીઓ નિયમિત ક્રિકેટ રમીને પોતાની ક્રિકેટની રમતમાં આગળ વધવા માટેના ખંતપૂર્વક પ્રયાસો કરે છે. આ ઉપરાંત, ઘણા લોકો પણ આ ક્રિકેટ ગ્રાઉન્ડમાં સારા સ્વાસ્થ્ય માટે નિયમિત વોકિંગ કરીને ફિટનેસ જાળવે છે. આ ક્રિકેટ મેદાનના મેઇન્ટેનસનો ખર્ચો પણ ખેલાડીઓ ઉઠાવે છે. પણ આ મેદાનમાં આગામી સમયમાં સરકારી હસ્તકલા મેળાનું આયોજન પણ થવા જઈ રહ્યું છે.
આ સરકારી કાર્યક્રમોથી શહેરના આ એકમાત્ર ક્રિકેટ મેદાનની ઘોર ખોદાય જાય છે અને મેદાનની સ્થિતિ એકદમ ખરાબ થઈ જાય છે. ત્યારબાદ ખેલાડીઓને 10 દિવસ સુધી મેદાનની મૂળ સ્થિતિમાં લાવવા જાતે જ મેઇન્ટેનેસ કરવું પડે છે. ત્યારે ફરી આ એક સરકારી કાર્યક્રમથી આશરે 20-25 દિવસ સુધી ખેલાડીઓને ક્રિકેટથી અને લોકોને વોકિંગથી વંચિત રહેવું પડશે. આથી, આ સંજોગોમાં ખેલાડીઓ અને લોકોને હાલાકી ન પડે તે માટે આ ક્રિકેટ ગ્રાઉન્ડને બદલે નજીકમાં આવેલા પરશુરામ પોટરીના ખુલ્લા મેદાનમાં હસ્તકલા મેળાનું આયોજન કરવાની માંગ ઉઠાવી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide