છેલ્લા દોઢ વર્ષથી હળવદમાં કડક હાથે કાર્યવાહી કરતા પી.આઈની બદલી થી અનેક તર્ક વિતર્ક
કોઈની પણ શેહશરમ રાખ્યા વિના કાર્યવાહી કરતા પી.આઈ. સોલંકીની રાજકીય ઈશારે બદલી થયાની ચર્ચા
હળવદ : હળવદમાં છેલ્લા દોઢ વર્ષથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા પી.આઈ. એમ.આર. સોલંકીની વડોદરા ખાતે બદલી કરાઈ છે. હળવદમાં પી.આઈ. એમ.આર. સોલંકીએ ચાર્જ સંભાળતા જ કડક હાથે કાર્યવાહી કરવામાં આવતા પથંકમાં બનતા ક્રાઈમ રેટમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો અને દોઢ વર્ષ બાદ બાહોશ અધિકારીની કડક છાપ ધરાવતા પી.આઈ.ની બદલી વડોદરા ખાતે કરાતા નગરજનોમાં કચવાટ જોવા મળી રહ્યો છે
હળવદમાં દોઢ વર્ષ પહેલા પી.આઈ. એમ.આર. સોલંકીને ચાર્જ સોંપવામાં આવ્યો હતો ત્યારથી અત્યાર સુધીમાં ક્રાઈમમાં મહદઅંશે ઘટાડો થયો હતો અને કહી શકાય તેમ પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે તે કહેવતને પી.આઈ. એમ.આર. સોલંકીએ સાર્થક કરી હળવદ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં કડક અધિકારી તરીકે છાપ ઉભી કરી અસામાજિક તત્વો પર સકંજો કસ્યો હતો. તો સાથે જ દોઢ વર્ષની કામગીરીમાં પોલીસ સ્ટેશનના પગથિયા ચડતા કેટલાક રાજકીય આકાઓને પોલીસ મથકની કામગીરીમાં દખલ અંદાજી ન કરવા પણ સુંચવ્યું હતું જેથી બદલી પાછળ રાજકીય દોરી સંચાર હોવાની ચર્ચા એ પંથકમાં જોર પકડ્યું છે
હળવદમાં દારૂ, જુગાર સહિતની ગેર પ્રવૃતિઓને ડામવા પી.આઈ. સોલંકી ની નજર રહેતી ઉપરાંત દુધની આડમાં દારૂ ભરેલ કન્ટેનર તેમજ ગાજરની નીચે ટ્રક માં સંતાડેલ દારૂ સાથેજ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં ચાલતા જુગાર કલબો પર દરોડા પર દરોડા પાડીને એક તબક્કે તો જુગારીઓને જુગાર રમવા હળવદ મુકવું પડવાની પરિસ્થિતિ ઉભી કરી વર્તમાન પત્રોમાં હંમેશા છવાયેલા રહ્યા છે. તો સાથે પોલીસ અધિકારીની કામગીરીની સાથે જ પી.આઈ. સોલંકીએ હળવદમાં માનવતાના પણ કાર્યમાં મહત્વનું યોગદાન પણ આપ્યું છે. આ સમગ્ર ફરજ દરમિયાન હળવદ પોલીસ સ્ટાફે પણ કડક અધિકારીની છાપ ધરાવતા પી.આઈ. સોલંકીની સાથે કામ કરવુ એ એક લ્હાવો હોય તેમ ગણી હળવદ પોલીસ પરિવારે હર્ષ સાથે પી.આઈ.ને અભિનંદન પાઠવ્યા હતા.
બદલી પાછળ રાજકીય દોરી સંચારની ચર્ચા !
હળવદમાં છેલ્લા દોઢ વર્ષથી ફરજ બજાવતા પી.આઈ. એમ.આર. સોલંકીની બદલી થતા સ્થાનિકોમાં કચવાટ સાથે લોકોમાં આક્રોશની લાગણી ઉઠી રહી છે. લોકોમાં ચર્ચાતી વિગતો મુજબ રાજકીય દોરી સંચાર આ બદલી પાછળનું કારણભૂત હોવાનું મનાય છે. હળવદમાં ભાજપના બે જૂથ પડી ગયા હોય જેના કારણે અવાર-નવાર બંને જૂથો દ્વારા પોતાના પાંગતીયાઓની ભલામણ કરાતી હોય છે પરંતુ કાયદો બધામાં માટે સરખો તેમ સંભળાવી દેતા પી.આઈ રાજકીય નેતાઓ ને ખટકતા હોય જેથી બદલી રાજકીય ઇશારે થઈ હોવાની ચર્ચાએ પંથકમાં જોર પકડયું છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide