[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : મોરબીમાં મહેન્દ્રનગર ચોકડીએ પાણી પ્રશ્ને થયેલ ચક્કાજામ અંદાજે દોઢેક કલાક ચાલ્યું હતું. ત્યારબાદ મહાપાલિકાના અધિકારીઓ દ્વારા લેખિત ખાતરી આપવામાં આવતા અંતે ચક્કાજામ દૂર કરવામાં આવ્યું હતું. હાલ પોલીસની ટિમો ટ્રાફિક ક્લિયર કરાવવા કામે લાગી છે.
મોરબીના મહેન્દ્રનગરમાં આવેલી કાંતિજ્યોત સોસાયટીમાં પાણી ન આવતું હોવાના પ્રશ્ને મહિલા સહિતના સ્થાનિકોએ આજે સાંજે જન આંદોલન છેડીને મહેન્દ્રનગર ચોકડીએ ચક્કાજામ કર્યો હતો. પ્રથમ સ્થાનિકોએ મહેન્દ્રનગર ગામે જવાના રસ્તા ઉપર આવેલી ચોકડી ઉપર ચક્કાજામ કર્યો હતો. ત્યારબાદ મહેન્દ્રનગર ચોકડી ચક્કાજામ કરતા જ તંત્ર હરકતમાં આવી ગયું હતું. મહાપાલિકાના પાણી પુરવઠાના અધિકારીઓએ ઘટના સ્થળે દોડી જઇ સ્થાનિકોને સમજાવવાના પ્રયત્નો કર્યા હતા પણ સ્થાનિકો ટસના મસ થયા ન હતા.
બાદમાં એલસીબી, એસઓજી અને બી ડિવિઝન પોલીસની ટિમો પણ ત્યાં આવી પહોંચી હતી. તેઓએ પણ સ્થાનિકોને સમજાવાના પ્રયાસો કર્યા હતા. ત્યારબાદ અંતે મહાપાલિકાના અધિકારીઓએ પાણીની વ્યવસ્થા કરી આપવાની લેખિત ખાતરી આપ્યા બાદ મામલો થાળે પડ્યો હતો અને સ્થાનિકોએ ચક્કાજામ દૂર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે અંદાજે દોઢેક કલાક ચક્કાજામ રહેતા વાહનોના થપ્પા લાગી ગયા હતા. હાલ ચક્કાજામ હટતા પોલીસ દ્વારા ટ્રાફિક ક્લિયર કરાવવામાં આવી રહ્યું છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
