બગસરામાં જમીન પચાવી પાડનારા માથાભારે તત્વોના દબાણ હટાવી સ્થાનિક અગરિયાઓને જમીન આપવા માંગ
ગામ વચ્ચેથી ચાલતા ઓવરલોડ ટ્રક પણ સત્વરે બંધ કરાવવા બગસરા ગ્રામ પંચાયતની માંગણી
માળીયા (મી.) : હાલ માળીયા (મી.) તાલુકાના બગસરા ગામે ગેરકાયદે મીઠું ઉત્પાદન કરતા મીઠા ઉદ્યોગકારોના ત્રાસથી છુટકારો આપવા બાબત તથા ગામ વચ્ચેથી ચાલતા ઓવરલોડ ટ્રક બંધ કરાવવા બગસરા ગ્રામ પંચાયત, ખેડૂતો, સ્થાનિક અગરિયાઓ સહીતના ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી કલેક્ટર જે. બી. પટેલને ઉગ્ર રજૂઆત કરી હતી. સાથે સાથે ગેરકાયદે જમીન કબ્જે કરનારા તત્વો વિરુદ્ધ 30 માં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં નહીં આવે તો નાછુટકે કોર્ટના દ્વાર ખખડાવાની ફરજ પડશે તથા ગામ વચ્ચે ચાલતા મીઠાના ટ્રકચાલકો સામે રસ્તારોકો આંદોલન કરવામાં આવશે તેવું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
મોરબી જીલ્લાના માળિયા (મી.) તાલુકાના બગસરા ગામની હદમાં અનેક કંપનીઓ તથા માથાભારે તત્વોએ વર્ષોથી મીઠાનું ઉત્પાદન કરી પોતાના અંગત સ્વાર્થ માટે હજારો એકર જમીનો પચાવી પડેલ છે. તો આવી કંપની તથા માથાભારે શખ્સોની સામે કાયદેસરની કાર્યવાહી કરી જમીન ખુલ્લી કરાવવા તથા જે જમીન ખુલ્લી કરી ગામના અગરીયાઓ તથા સ્થાનીક લોકોને જમીન આપવામાં આવે અથવા આવી રીતે મીઠુ પકવવાની પણ મંજુરી આપવામાં આવે તેવી માંગણી કરાઈ છે.
આ ઉપરાંત, બગસરા ગામના સ્થાનીક રહેવાસી અને મીઠાની મજુરી કરી ગુજરાન ચલાવતા એવા કુલ 31 પરીવારો મોરબી જીલ્લા કલેકટરની કચેરીએ છેલ્લા દોઢથી બે વર્ષથી આ બાબતે ધરમના ધક્કા ખાય છે. અને અગાઉ આ અરજદારોની અરજીઓ માટે ડી.આઇ.આર.એલ. કચેરીમાં એક અરજદારોના માપણી ફીના રૂ. 4200 એમ 31 અલગ અલગ અરજદારોએ મળીને કુલ 1,30,000 આશરે ખર્ચ તથા ફીની રકમ ભરેલ છે. તેમજ નકશા તથા રીટર્ન પાછળ આવા અનેક ખર્ચા અરજદારો દ્વારા કરવામાં આવેલ છે. તો હવે નં. એ./4/17/2017-2018 સાથે થયેલ અગરિયાઓની માપણી માન્ય રાખવા અને ઉદ્યોગપતિઓની 2017-2018 વાળી માપણીઓ રદ કરવા માંગ કરાઈ છે. તેમજ આ માપણી રદ કરી બગસરાના સ્થાનિક અગરિયાઓને રોજીરોટી માટે એક પરિવાર દીઠ દસ એકર જમીન મીઠા ઉત્પાદન માટે અપાવવા આ રજૂઆતને ધ્યાને લેવા માંગ કરવામાં આવી છે.
વધુમાં, બગસરા ગામમાં મીઠા ઉદ્યોગના લીધે ગ્રામજનોના રહેણાંક મકાનોને વર્ષોથી ધુળ ડમરી ઉડવાથી મકાનોને નુકસાન પહોંચેલ છે. તથા ગામના બાળકો શાળાએ જવાના રસ્તે ઓવરલોડ તથા તાલપત્રી વગરના અને બેફામ ચાલતા ટ્રકના કારણે આરોગ્ય પર જોખમ હોવા ઉપરાંત ગામના નાના વાહનોને જાણે અકસ્માતનું કાયમી ભય હોવાથી મીઠાના ઓવરલોડ ટ્રક બંધ કરાવી ભારે વાહનોના વજનથી તૂટી ગયેલ રસ્તા, પાણીની લાઇન તથા ભુગર્ભ ગટરની કુંડીઓ પણ તોડેલ હોય તાકીદે યોગ્ય પગલાં ભરવા માંગ કરી છે.ઉલ્લેખનીય છે કે આ સંદર્ભે બગસરા ગ્રામ પંચાયત દ્વારા પંચાયત સભામાં મીઠાના અગરમાં કરેલા ગેરકાયદેસર દબાણે દુર કરવા બાબતે, ગામના રસ્તેથી નીકળતા મીઠા ભરેલા ટ્રક બંધ કરવા બાબતે, મીઠા ઉત્પાદન માટે જમીન ગામના તથા અગરીયાઓને લોકોને આપવા બાબતે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. આ બાબતે અગાઉ રૂબરૂ અનેક અધિકારીઓને લેખીત તથા મૌખીક રજુઆત છેલ્લા ઘણા વર્ષોથી ગામલોકો, ખેડુતો તથા બગસરા ગ્રામ પંચાયતએ કરેલ છે. તો બસ હવે આ છેલ્લી અરજી અને અલ્ટીમેટ આપીને દિવસ 30 સુધીમાં આવી કંપની તથા માથાભારે શખ્સોને ગુજરાત જમીન પચાવી પાડવા ઉપર પ્રતિબંધ અધિનિયમ-2020ના નિયમ મુજબ તાત્કાલીક સર્વે કરી કાયદેસરની કાર્યવાહી કરવા અરજ કરાઈ છે. જો કોઇ કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો નાછુટકે કોર્ટના દ્વાર ખખડાવવા પડશે. તેવું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide