મોરબી: 22 ધન્વંતરી રથ દ્વારા 2.65 લાખ લોકોના આરોગ્યની ચકાસણી કરાઈ હોવાનો દાવો

0
43
/
કોરોનાને કાબુમાં લેવા માટે સઘન પ્રયાસો કરાતાં હોવાનો આરોગ્ય તંત્રનો દાવો

મોરબી : હાલ મોરબી જિલ્લામાં લોકડાઉન ખુલતાની સાથે જ કોરોનાએ ભારે કહેર મચાવ્યો છે. જો કે છેલ્લા આશરે 15 દિવસમાં કોરોના કેસમાં સરેરાશ કેસોમાં વધઘટ થઈ રહી છે. ત્યારે કોરોનાને અંકુશમાં લેવા માટે સધન પ્રયાસો કરાતા હોવાનો જિલ્લા આરોગ્ય વિભાગે દાવો કર્યો છે. આરોગ્ય તંત્રના જણાવ્યા મુજબ કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે ગત જુલાઈ માસથી મોરબી જિલ્લામાં 22 ધનવંતરી રથ ફેરવીને ઘરે-ઘરે લોકોના આરોગ્યની સઘન ચકાસણી કરવામાં આવી રહી છે.

મોરબી જિલ્લા આરોગ્ય વિભાગના દાવા મુજબ જિલ્લામાં ફરતા 22 ધન્વંતરી રથના માધ્યમથી 2,65,655ની ઓપીડી કરવામાં આવી હતી. જેમાંથી 8,939 જેટલા લોકોમાં તાવ, શરદી, ઉધરસના લક્ષણો દેખાયા હતા. જ્યારે 2,65,655 લોકોમાંથી 83,575 લોકોને આયુર્વેદિક દવા આપવામાં આવી હતી. આ ઉપરાંત, 77,200 લોકોને હોમીઓપેથીક દવા આપવામાં આવેલ હતી.

મોરબી જિલ્લા આરોગ્ય વિભાગના ડો. જે. એમ. કતીરા અને જિલ્લા રોગચાળા નિયત્રણ અધિકારી ડો. સી. એલ. વારેવડીયાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ફરતા 22 ધન્વંતરી રથનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. ધન્વંતરી રથ ફેરવીને ઘરે-ઘરે લોકોના આરોગ્યની ચકાસણી કરવાની સાથે સુપર સ્પ્રેડર દૂધ, શાકભાજી કિરિયાણા, પાન-માવાના ધંધાર્થીઓ સહિતનાઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવે છે. તેમજ રેપીડ ટેસ્ટ કરવામાં આવે છે. સાથે સાથે મોરબી નગરપાલિકામાં પણ સફાઈ કર્મીઓ સહિતનાના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી. હજુ પણ ધન્વંતરી રથ જિલ્લામાં ફેરવીને કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે જિલ્લા આરોગ્ય વિભાગ સક્રિય હોવાનો દાવો કર્યો છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/